શશિવદના દિવેટિયા ખૂન કેસ ભાગ-9 / તન્વીના બચાવમાં ધારદાર દલીલો જેઠમલાણીએ કરી

shashivadna divetiya murder case part 9

  • સુપ્રીમ કોર્ટમાં વકીલ જેઠમલાણી મજબૂત તર્કો સાથે ફરિયાદી પક્ષની રજૂઆતો ખોટી પાડી રહ્યા હતા...

Divyabhaskar.com

Sep 13, 2019, 11:56 AM IST

અમદાવાદઃ વૃદ્ધ સાસુ શશિવદના દિવેટિયાના હત્યા કેસમાં જન્મટીપની સજા પામનારી પુત્રવધૂ તન્વી દિવેટિયાએ સુપ્રીમકોર્ટમાં કરેલી અપીલની સુનાવણીમાં રામ જેઠમલાણીએ તેના બચાવ કરતાં ધારદાર દલીલો કરી હતી. શશિવદનાના શરીર પર થયેલી ગંભીર ઈજાઓના પરિણામે માત્ર દસથી પંદર જ મિનિટમાં બંગલામાં તેમનું મોત નિપજ્યું હતું અને લાશને કેઝ્યુલિટી વોર્ડના બદલે સીધી જ ઇમરજન્સી વોર્ડમાં લવાયાં હતાં તેવી ફરિયાદ પક્ષની રજૂઆતમાં કોઈ ચોક્કસ આધાર જોવા મળતો નથી તેવી દલીલ કરતાં જેઠમલાણીએ જણાવ્યું હતું કે, કેટલાક ગુંડાઓએ બે સ્ત્રી તથા એક બાળકીને ગંભીર રીતે ઘાયલ કર્યાની જાણ કરાતા પોલીસ કર્મચારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ડો. ઉત્કર્ષ મેઢને વૃદ્ધાની સારવાર કરતા જોયા હતા
આ વખતે પડોશમાં રહેતા ડો. ઉત્કર્ષ મેઢને વૃદ્ધાની સારવાર કરતા જોયા હતા. પીઆઈ રણજિતસિંહે પણ પીઆઈ બી. એન. બ્રહ્મભટ્ટ સમક્ષ નિવેદનમાં આ વાત લખાવી હતી. ડો. મેઢ વીએસ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક સન્માનનીય અગ્રણી હોવાથી વૃદ્ધા જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાનો તેમને ખ્યાલ આવી ગયો હતો. આથી ત્વરિત સારવાર જરૂરી હોવાથી તેમને સીધા જ ઈમરજન્સી વોર્ડમાં લવાયાં હતાં. તેમાં તેમણે તબીબ તરીકેની ફરજ નિભાવી હતી.

રામ જેઠમલાણીની દલીલ ગુંડાઓએ હુમલો કરતા વૃદ્ધાનું મોત નિપજ્યું
રામ જેઠમલાણીએ દલીલમાં કહ્યું હતું કે, વીએસ હોસ્પિટલમાં પોલીસ ટેબલ પર ત્યારે ફરજ પર હાજર કોન્સટેબલ સેમ્યુઅલે નવરંગપુરા પોલીસમથકે મોડી રાતે એક વાગ્યે ટેલિફોન પર સંપર્ક સાધીને જાણ કરી હતી કે, ‘સ્વસ્તિક સોસાયટીના બંગલામાં કેટલાક ગુંડાઓએ હુમલો કરીને ત્રણ વ્યક્તિને ઈજા પહોંચાડી છે, જેમાં ડોશીમાનું મોત નિપજ્યું છે, જ્યારે તેમની પુત્રવધૂ તથા તેની નાનકડી પુત્રીને સારવાર માટે અંદરના દર્દી તરીકે વોર્ડમાં દાખલ કરાયા છે.’ નવરંગપુરા પોલીસમથકની સ્ટેશન ડાયરીમાં રાત્રીના એક વાગ્યે નોંધ કરાઈ હતી. આથી શશિવદનાનું બંગલામાં માત્ર દશથી પંદર મિનિટમાં જ મોત નિપજ્યું હોવાની ફરિયાદ પક્ષની દલીલમાં વિરોધાભાસ જોવા મળે છે. વૃદ્ધાની લાશને ઈરાદાપૂર્વક હોસ્પિટલમાં લવાઈ હતી તેને પુરવાર કરવા કોઈ આધાર રહેતો નથી.

ઘટનાની રાતે તન્વીનું વર્તન અસ્વાભાવિક ન હતું પુરવાર કરવા જેઠમલાણીની દલીલ
ઘટનાની રાત્રે તન્વીનું વર્તન ક્યારેય અકુદરતી કે અસ્વાભાવિક ન હતું તે પુરવાર કરવા જેઠમલાણીએ દલીલ કરી હતી કે, બાજુના રૂમમાં શશિવદના કણસી રહ્યાનો અવાજ સાંભળીને તન્વી ઊંઘમાંથી સફાળા જાગી ગઈ હતી. નાનકડી પુત્રીને કેડમાં લઈને શું થયું તે જાણવા માટે તેણે લાઇટની સ્વિચ દબાવી ત્યારે જ હુમલાખોરે બોથડ પદાર્થનો ફટકો મારીને બંનેને ઈજા પહોંચાડી હતી. બૂમાબૂમ કરીશ તો મારી નાખવાની ધમકી આપી હતી. આવી પરિસ્થિતિથી ગભરાયેલી તન્વીએ મદદ માટે પડોશીને બોલાવવા બૂમો પાડી ન હતી. આવી નાજુક અને કટોકટીભરી પરિસ્થિતિમાં કોણ કયારે કેવું વર્તન કરશે તેનું અનુમાન કે તર્કવિતર્ક કરી શકાય નહીં.
(વકીલ રામ જેઠમલાણીએ તન્વીના બચાવમાં કરેલી વધુ દલીલો, વાંચો આવતા અંકમાં...)

X
shashivadna divetiya murder case part 9
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી