શશિવદના દિવેટિયા ખૂન કેસ ભાગ- 8 / તન્વીની ઇજા જ તેને આ કેસમાંથી બચાવે તેમ હતી

shashivadna divetiya murder case part 8

  • વકીલ રામ જેઠમલાણીએ તન્વીને થયેલી ઇજા વિશે ખૂબ જ બારીકાઈ અને મજબૂત રજૂઆત કરી હતી...

Divyabhaskar.com

Sep 12, 2019, 09:48 AM IST

અમદાવાદઃ નવરંગપુરાની સ્વસ્તિક સોસાયટીના બંગલા નં. 33માં બનાવની રાત્રે ઘાતક હુમલાનો ભોગ બનેલાં શશિવદનાબેનનું મોત નિપજ્યું હતું અને તેમની લાશને જ કાર દ્વારા વા. સા. હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી તેવી ફરિયાદ પક્ષની દલીલને ફગાવી દેતાં રામ જેઠમલાણીએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારી આ સમયે ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા, જેમાંના એક પોલીસ કર્મચારીએ તપાસ અધિકારી સમક્ષના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમે બંગલામાં પહોંચ્યા પછી જોયું તો એક ડોશીમાં લોહીલુહાણ હાલતમાં પડ્યાં હતાં અને તરફડિયાં મારવાની સાથે ડચકાં ભરી રહ્યાં હતાં. આ વખતે ડો. ઉત્કર્ષ મેઢ તેમની પ્રાથમિક સારવાર કરી રહ્યાં હતાં. અદાલતમાં આ જ કોન્સ્ટેબલે તેના નિવેદન વિરુદ્ધ જુબાની આપી હતી. જોકે તેને ફરી ગયેલા સાક્ષી (હોસ્ટાઇલ) જાહેર કરાયો નથી.’

તન્વીના માથામાં થયેલી ઇજાઓ પૈકી એક ઇજા અતિ ગંભીર હતી
હોસ્પિટલમાં સારવાર માટે અંદરના દર્દી તરીકે દાખલ કરાયેલી તન્વીના માથામાં તથા આંખની બાજુમાં થયેલી ઈજાઓના અનુસંધાનમાં ડો. વીરેન્દ્ર માણેકે જુબાનીમાં રજૂઆત કરી હતી કે, ‘માનવીની ખોપરીથી મગજ વચ્ચે પાંચ સ્તર હોય છે. તન્વીના માથામાં થયેલી ઇજાઓ પૈકી એક ઇજા અતિ ગંભીર હતી. આ ઇજા છેક મગજ નજીક પહોંચી ગઈ હતી. હુમલાખોરે જો વધુ જોરથી પ્રહાર કર્યો હોત તો ખોપરીનું હાડકું તૂટી જવાની પૂરેપૂરી સંભાવના હતી. આ ઉપરાંત તન્વીની આંખની બાજુમાં થયેલી ઇજામાં લોહી વહી રહ્યું હતું. આવી ગંભીર ઇજાઓ કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે કે પોતાના હાથે જ કરી શકે નહિ. શશિવદનાની હત્યા કરનાર અજાણ્યા શખ્સે જ તન્વી પર હુમલો કરીને ઇજાઓ પહોંચાડવાની સંભાવના જોવા મળે છે.

ડો. શરીફની જુબાનીનો રામ જેઠમલાણીએ છેદ ઉડાડતી રજૂઆત કરી હતી
તન્વીએ પોતાના હાથે જ કે પછી કોઈએ મિત્રભાવે આવી ઇજાઓ કરી હતી તેવી ડો. શરીફે અદાલત સમક્ષ આપેલી જુબાની પર છેદ ઉડાડી મૂકતા રામ જેઠમલાણીએ વધુમાં એવી રજૂઆત કરી હતી કે, ‘ડો. શરીફે તેમની નજરોનજર તન્વીની ઇજાઓ નિહાળી ન હતી. તન્વીની સારવારના રિપોર્ટનું અવલોકન કરીને અભિપ્રાય આપ્યો છે. તન્વીની ઇજાઓનો એક્સ-રે કે પછી તેની પ્લેટની પણ નોંધ લીધી નથી. મેડિકલ જ્યુરીસ પ્રુડન્સ વિષયને સ્પર્શતા પુસ્તકોનો આધાર લઈને તેમણે તન્વીએ તેના હાથે જ ઇજાઓ કરી હતી તેવી જુબાની આપી હતી.

ખૂની ક્યાંથી પ્રવેશ્યો અને નાસી છૂટ્યો તેના પુરાવા નથી
બંગલામાં ખૂનીએ ક્યાંથી પ્રવેશ કર્યો અને ક્યાંથી નાસી છૂટ્યો હતો તેનો કોઈ પુરાવો નથી મળ્યો તેવી ફરિયાદ પક્ષની દલીલના જવાબમાં જેઠમલાણીએ રજૂઆત કરી હતી કે, એવું પણ બની શકે કે, બંને સ્ત્રી મુખ્ય દરવાજો બરાબર બંધ કર્યો છે તે ચકાસવાનું ભૂલી ગઈ હશે તેમ જ શશિવદના બેડરૂમમાં સૂવાં ગયાં ત્યારે પણ બારણું બંધ કરવાનું ભૂલી ગયાં હશે. આથી હત્યારાએ અર્ધખૂલ્લા રહેલા મુખ્ય દરવાજેથી કે પછી ટેરેસ પર ચડી શયનખંડના ખુલ્લા રહી ગયેલા બારણામાંથી ઘૂસી હત્યા કર્યાની સંભાવનાને નકારી શકાય નહીં.

(રામ જેઠમલાણી જેવા વરિષ્ઠ વકીલ તન્વી દિવેટિયાને જન્મટીપની સજામાં મુક્તિ અપાવી શક્યા? વાંચો આવતા અંકમાં...)

X
shashivadna divetiya murder case part 8

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી