શશિવદના દિવેટિયા ખૂન કેસ ભાગ: 7 / હત્યાનું કલંક ભૂંસવાની તન્વી પાસે છેલ્લી તક હતી

Shashivadna divetiya murder case part-7

  • વકીલ રામ જેઠમલાણીએ કરેલી મજબૂત દલીલોથી તન્વીને હવે જાણે એક આશા બંધાઈ હતી...

Divyabhaskar.com

Sep 11, 2019, 11:29 AM IST

અમદાવાદઃ રામ જેઠમલાણીએ તન્વી દિવેટિયા તરફથી ખૂબ જ મજબૂત દલીલો કરી હતી, જે આ કેસનો વળાંક બની શકે તેમ હતા. ગુજરાત હાઈ કોર્ટે તન્વી દિવેટિયાને ટ્રાયલ કોર્ટે ફરમાવેલી જન્મટીપની સજાને કાયમ રાખતા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી રિવિઝન અરજીની સુનાવણી દરમિયાન તેના બચાવ પક્ષના વરિષ્ઠ ધારાશાસ્ત્રી રામ જેઠમલાણીએ આ ઘટનામાં તન્વી સંપૂર્ણ નિર્દોષ છે અને તે સંજોગો તથા સાંયોગિક પુરાવાનો ભોગ બની હોવાનું પુરવાર કરવા અસરકારક દલીલો કરી હતી, જેની રજૂઆતથી સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના ન્યાયમૂર્તિઓ પણ કાંઈક અંશે પ્રભાવિત બની ગયા હતા.

તન્વીને નિર્દોષ પુરવાર કરવા એક પછી એક દલીલો કરી હતી
સાસુની હત્યાના માથા પર લાગેલું કલંક વર્ષો સુધી પુત્રવધૂ સહન કરતી હતી તે પ્રત્યે પહેલા તો વરિષ્ઠ વકીલે અફસોસ વ્યક્ત કર્યો. ત્યાર બાદ તન્વીને નિર્દોષ પુરવાર કરવા એક પછી એક દલીલો કરી હતી. પહેલી દલીલ હતી, તન્વીને માત્ર સાંયોગિક પુરાવાના આધારે જન્મટીપ ફરમાવાઈ છે. જોકે આ પુરાવામાં એકસૂત્રતા જોવા મળતી નથી. આવા પુરાવાની સળંગ સાંકળ બનતી નથી અને તેની કડીઓ વેરવિખેર થઈ ગયાનું જોવા મળે છે.

ટ્રાયલ કોર્ટે આ દલીલની પણ નોંધ લેવી આવશ્યક હતી
બીજી દલીલ હતી, આ હત્યા તન્વી એ જ કરી હતી તેવો કોઈ સીધો કે પ્રત્યક્ષ પુરાવો ફરિયાદ પક્ષ રજૂ કરી શક્યો નથી. ત્રીજી એ કે, શશિવદનાબહેન વૃદ્ધા અવસ્થાના કારણે શ્વાસ કે દમની બીમારીથી પીડાતાં હતાં. દરરોજ રાતે સૂતા પહેલાં તે અગાશીમાં થોડા આંટાફેરા કરી ખૂલી હવામાં શ્વાસ લેતાં હતાં તેવી પાડોશીનાં નિવેદનોની ટ્રાયલ કોર્ટે નોંધ લીધી નથી. ચોથી દલીલ હતી કે, શશિવદના તેમના રૂમમાં સૂવાં ગયાં ત્યારે રૂમનું બારણું ખુલ્લું રહી ગયું હશે તેવી શક્યતા અને સંભાવનાને નકારી શકાય નહીં. પાંચમી દલીલમાં જણાવ્યું હતું કે, હત્યાના જે સંજોગો છે તે મુજબ અજાણ્યો શખ્સ આ બારણેથી ઘૂસ્યો હશે અને શશિવદનાની હત્યા કરી હોવાની બચાવ પક્ષની દલીલ ટ્રાયલ કોર્ટે માન્ય રાખી નથી. જે યોગ્ય નથી. ટ્રાયલ કોર્ટે આ દલીલની પણ નોંધ લેવી આવશ્યક હતી.

સાસુ તથા પુત્રવધૂ વચ્ચે કડવાશ કે તકરારની હકીકત ફરિયાદ પક્ષે રજૂ કરી નથી
જેઠમલાણીએ એવી પણ રજૂઆત કરી હતી કે, ડો. પંકજ દિવેટિયા તથા વડોદરામાં પરિવાર સાથે રહેતા તેમના ભાઈએ વૃદ્ધ માતા શશિવદનાબેનની સારસંભાળ તથા કાળજી તન્વી જ વિશેષ રાખી શકશે તેમ સમજીને બંનેને સાથે રાખ્યાં હતાં. સાસુ તથા પુત્રવધૂ વચ્ચે ક્યારેય કડવાશ કે તકરાર થઈ હોય તેવી કોઈ જ હકીકત ફરિયાદ પક્ષ તરફથી રજૂ કરાઈ નથી. આમ સાસુ-વહુ વચ્ચે સુમેળભર્યા સારા સંબંધો રહ્યા હોય તો પછી સાસુની હત્યા કરવાનો તન્વી ક્યારેય વિચાર સરખોય કરી શકે નહિ. તન્વી હકીકતમાં તો સમય અને સંજોગો તથા સાંયોગિક પુરાવાનો ભોગ બની છે.

X
Shashivadna divetiya murder case part-7

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી