શશિવદના દિવેટિયા ખૂન કેસ ભાગ: 6 / સુપ્રીમમાં રામ જેઠમલાણી તન્વીનો કેસ લડી રહ્યા હતા

Shashivadna divetiya murder case part 6

  • જ્યારે ગુજરાત હાઈ કોર્ટ પણ તન્વીની જન્મટીપ માન્ય રાખી ત્યારે તેણે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી...

Divyabhaskar.com

Sep 10, 2019, 11:32 AM IST

હત્યાની ઘટનાની રાતે ઈજા પામનાર તન્વી દિવેટિયા તથા તેની માસૂમ પુત્રીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે તન્વીની પૂછપરછ કરતા તેણે ભારપૂર્વક પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે, શશિવદના પર હુમલો કરનાર શખ્સ શ્યામ રંગનો હટ્ટોકટ્ટો હતો. તેના મોં પર બળિયાનાં ચાઠાં હતાં. આ શખ્સે કાળા કલરનું પેન્ટ તથા લાલ કલરનું શર્ટ પહેર્યાં હતાં. ક્રાઇમ બ્રાંચે શશિવદનાબહેનની હત્યાનો ગુનો પુરવાર કરવા મેડિકલ વિષયના નિષ્ણાત ડો. શરીફનો અભિપ્રાય એકત્રિત કર્યા બાદ તેમને ફરિયાદ પક્ષના મહત્ત્વના સાક્ષી તરીકે અદાલતમાં હાજર કર્યા હતા. કોર્ટમાં ડો. શરીફે તેમની જુબાનીમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, તન્વીના માથામાં તથા આંખના ભાગે થયેલી ઈજાઓ સામાન્ય પ્રકારની હતી. આવી ઈજાઓ ખુદ તન્વીએ જાતે જ કરી હતી કે પછી કોઈએ મિત્રભાવે કરી હતી.

જન્મટીપની સજા સામે તન્વીની હાઈકોર્ટમાં અપીલ
ડો. શરીફની જુબાની ઉપરાંત ઘટનાની આસપાસના સાંયોગિક પુરાવાના આધારે ન્યાયાધીશ વી. જે. જપીએ તન્વી દિવેટિયાને જન્મટીપની સજા ફરમાવી હતી. જ્યારે બે ઘરઘાટીને છોડી મૂક્યા હતા. સજાના આ હુકમ વિરુદ્ધ તન્વી દિવેટિયાએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેંચના બે ન્યાયમૂર્તિઓએ ભિન્ન ભિન્ન અભિપ્રાય આપ્યા હતા, જેમાં એક ન્યાયમૂર્તિએ તન્વીને નિર્દોષ જાહેર કરી હતી.

કેસ હાઈકોર્ટના ત્રીજા ન્યાયમૂર્તિ સમક્ષ ચાલ્યો
બીજા ન્યાયમૂર્તિએ તન્વી જ ગુનેગાર હોવાનો ટ્રાયલ કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો હતો. આથી આ કેસ હાઈકોર્ટના ત્રીજા ન્યાયમૂર્તિ સમક્ષ ચાલી ગયો હતો, જેમાં તન્વીને ફરમાવેલી જન્મટીપની સજા માન્ય રાખવામાં આવી હતી. આથી તન્વી દિવેટિયાએ સુપ્રીમ કોર્ટમાં રિવિજન અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જી. એન. રે અને ન્યાયમૂર્તિ જી. ટી. નાણાવટીની ડિવિઝન બેન્ચે તન્વી દિવેટિયાની અરજી પર સુનાવણી કરી હતી. શશિવદનાની હત્યાની ઘટના 1979ના ઓક્ટોબર મહિનામાં બની હતી, જેનાં 18 વર્ષો વીતી ગયા બાદ 1997ના મે મહિનામાં સુપ્રીમ કોર્ટે આ કેસ પર સુનાવણી પૂર્ણ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં રામ જેઠમલાણીએ અસરકારક રજૂઆતો કરી
સુપ્રીમ કોર્ટ સમક્ષ આ કેસની સુનાવણી દરમિયાન તન્વી દિવેટિયા તરફથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી રામ જેઠમલાણી તથા તેમના સહાયક વકીલો લતા કૃષ્ણમૂર્તિ તથા સુનિતા શર્મા અને પી. એચ. પારેખ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે ગુજરાત સરકાર તરફથી વરિષ્ઠ સરકારી વકીલ એસ. કે. ધોળકિયા તથા એસ. હજારિકા અને એચ. વાહી હાજર રહ્યાં હતાં. સાસુ શશિવદના દિવેટિયાની હત્યાની ઘટનામાં પુત્રવધૂ તન્વી દિવેટિયા સંપૂર્ણ નિર્દોષ હોવા છતાં સાંયોગિક પુરાવાના આધારે તેને ગુનેગાર ઠરાવતો નીચલી અદાલતનો ચુકાદો ગેરકાયદે અને રદબાતલ ઠરાવવાની દાદ માગતા વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીએ અસરકારક રજૂઆતો કરી હતી.

(તન્વીના બચાવમાં તેના વકીલ રામ જેઠમલાણીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ કેવી કેવી દલીલો રજૂ કરી હતી, વાંચો આવતા અંકમાં...)

X
Shashivadna divetiya murder case part 6

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી