શશિવદના દિવેટિયા ખૂન કેસ ભાગ: 3 / અચાનક પોલીસે પુત્રવધૂની ધરપકડ કરી ધડાકો કર્યો

shashivadna divetiya murder case part-3

  • પરિવારની જ પુત્રવધૂની ધરપકડના સમાચાર અખબારી આલમમાં બોમ્બ વિસ્ફોટ સમાન બની ગયા હતા...

Divyabhaskar.com

Sep 07, 2019, 10:36 AM IST

અમદાવાદઃ નવરંગપુરા પોલીસમથકના તપાસ અધિકારીએ ત્યારે એવું અનુમાન કર્યું હતું કે ક્યાંક ને ક્યાંક સાસુ-વહુ વચ્ચે ઝઘડા ચાલતા જ હોય છે. આથી શશિવદનાબહેન અને તન્વી વચ્ચેનો ખટરાગ કદાચ એવો તીવ્ર બની ગયો હશે. આથી વૃદ્ધાને હંમેશાં માટે ભગવાનના ઘરે રવાના કરી દેવાનું કાવતરું ઘડાયું હશે, જેને અંજામ આપવા બહારથી કોઈ શખ્સને બંગલામાં અગાઉથી જ છુપાવી રાખ્યો હશે કે જેણે મોકો મળતા શશિવદનાબહેનને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. જોકે આવા અનુમાન-તર્કનો છેદ ઉડાડી દેવા વળતી એવી દલીલ કરાઈ હતી કે, જો પુત્રવધૂ તન્વીએ જ આ કાવતરું ઘડ્યું હતું તો પછી તેને તથા તેની દીકરીને કેવા સંજોગોમાં ઈજાઓ થઈ? આ પ્રશ્નનો જવાબ મેળવવા પોલીસ અંધારામાં ફાંફાં મારી રહી હતી. દિવસો પસાર થવા છતાં આ ઘટના ઉત્તેજનાસભર બનતી જઈ રહી હતી. આવી પરિસ્થિતિ વચ્ચે તત્કાલીન પોલીસ કમિશનર પી. જી. નવાણીએ સમગ્ર તપાસનો કાર્યભાર ત્યારે ક્રાઇમ બ્રાંચને સુપરત કર્યો હતો. ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ એન. વી. જાડેજાએ તેમના મદદનીશ અધિકારીઓ તથા સ્ટાફને સાથે રાખી ચુપકીદીથી તપાસ શરૂ કરી હતી. માત્ર એક જ જવાબ સાંભળવા મળતો હતો કે, ‘તપાસ ચાલી રહી છે.’ હવે તો સહુ કોઈ પોલીસની ભેદી રાહે ચાલી રહેલી તપાસ અંગે શંકા વ્યક્ત કરવા લાગ્યા હતા.

ક્રાઇમ બ્રાંચે શશિવદનાની પુત્રવધૂ તન્વીની ધરપકડ કરીને ધડાકો કર્યો
મંથર ગતિએ ચાલી રહેલી તપાસના માહોલ વચ્ચે એક દિવસે સાંજે ક્રાઇમ બ્રાંચે શશિવદનાની પુત્રવધૂ તન્વીની ધરપકડ કરીને ધડાકો કર્યો હતો. શહેરની અખબારી આલમના પત્રકારો માટે તન્વીની ધરપકડના સમાચાર ત્યારે બોમ્બ વિસ્ફોટ સમાન બની ગયા હતા. પત્રકારો તથા પ્રેસ ફોટોગ્રાફરો ગાયકવાડ હવેલી ખાતેની ક્રાઇમ બ્રાંચની કચેરીએ દોડી આવ્યા હતા. રહસ્યમય હત્યાનો કેવા સંજોગોમાં ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો તેની માહિતી મેળવવા કાંઈક અંશે ઉતાવળા બની ગયા હતા. તન્વી દિવેટિયાની તસવીર ઝડપી લેવા ત્યારે પ્રેસ ફોટોગ્રાફરોની ટીમ પણ કચેરીના ભોંયતળિયાના ભાગે દોડાદોડ કરી રહી હતી.

તન્વીના ચહેરા પર ગભરાટ અને ભયની રેખાઓ હતી
ક્રાઇમ બ્રાંચની મુખ્ય કચેરીથી થોડેક દૂર સામેના ભાગમાં ત્યારે જૂનું પુરાણું મકાન હતું, જ્યાં ઘરફોડ ચોરી તથા લૂંટના ગુનાની તપાસ કરવા માટેની ઘરફોડ સ્ક્વોડ શાખા કાર્યરત હતી, જેની નાનકડી ગેલેરીના ભાગમાં ત્યારે પોલીસ ટીમ તન્વીને લઈ આવી હતી. સફેદ વસ્ત્રો પરિધાન કરેલી તન્વીના ચહેરા પર ત્યારે ગભરાટ અને ભયની રેખાઓ જોવા મળતી હતી. આ પછી તો પ્રેસ ફોટોગ્રાફરોના કેમેરાના ક્લિક... ક્લિકના અવાજો થોડી વાર સાંભળવા મળ્યા હતા. ત્યાર બાદ તન્વીને કચેરીના અંદરના રૂમમાં પોલીસ ટીમ લઈ ગઈ હતી. જોકે આ વખતે પણ તપાસ અધિકારીએ તન્વીની કેવા સંજોગોમાં ધરપકડ કરવામાં આવી છે તે અંગે એક શબ્દ સરખોય ઉચ્ચાર્યો ન હતો. ‘આવતી કાલે વધુ વિગતો જાહેર કરીશું’ એવો ટૂંકો જવાબ આપ્યો હતો. આથી પત્રકારો તથા તસવીરકારો પણ વિદાય થઈ ગયા હતા.

(શશિવદનાની હત્યાના કાવતરાને કેવી રીતે અંજામ અપાયો હતો. વાંચો આવતા અંકે...)

X
shashivadna divetiya murder case part-3

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી