શશિવદના દિવેટિયા કેસ: અંતિમ ભાગ / હવે સૌની નજર સુપ્રીમના ચુકાદા પર મંડાયેલી હતી

shashivadna divetiya murder case last part

  • તન્વી પરથી સાસુની હત્યાનું કલંક ભૂસાશે કે નહિ, સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો હતો

Divyabhaskar.com

Sep 14, 2019, 11:09 AM IST

અમદાવાદઃ રામ જેઠમલાણીએ છેલ્લી એવી ધારદાર દલીલ કરી હતી કે, સાસુ શશિવદનાની હત્યા તન્વીએ જ કરી છે તેવી ધારણા ફરિયાદ પક્ષે શરૂઆતથી રાખી હતી અને આવા પૂર્વગ્રહથી તન્વીને ગુનેગાર ઠરાવવા મન મનાવી લીધું હતું. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જી. એન. રે તથા ન્યાયમૂર્તિ જી.ટી.નાણાવટીની ડિવિઝન બેન્ચે ફરિયાદ પક્ષ તથા બચાવ પક્ષના ધારાશાસ્ત્રી દ્વારા રજૂ કરાયેલી દલીલોની છણાવટ કરી હતી. સૌપ્રથમ ચુકાદામાં નોંધ્યું હતું કે, શશિવદનાની હત્યા શા માટે કરાઈ હતી? હત્યા પાછળ ઇરાદો શું હતો? તેની કોઈ જ માહિતી પોલીસને પ્રાપ્ત થઈ શકી નથી. સાસુ-વહુ વચ્ચે સુમેળભર્યા સંબંધો હતા તો પછી તન્વીએ શા માટે હત્યા કરી તે પ્રશ્નનો કોઈ જવાબ ફરિયાદ પક્ષ આપી શક્યો નથી.

તન્વીના માથામાં હથોડી જેવા હથિયારથી પ્રહારો કરાયા હતા
તન્વીને માથામાં, આંખના ભાગે થયેલી ઇજાઓની સારવાર કરનાર ડો. વીરેન્દ્ર માણેકની જુબાની વિશ્વસનીય હોવાનું અવલોકન કરતા ચુકાદામાં વધુ નોંધ્યું હતું કે, તન્વીના માથામાં હથોડી જેવા હથિયારથી પ્રહારો કરાયા હતા, જેમાં એક ફટકો એવો જોરદાર હતો કે તે ખોપરીના હાડકા સુધી પહોંચી ગયો હતો. જો હત્યારાએ વધુ બળ વાપર્યું હોત તો તન્વીની ખોપરીનું હાડકું તૂટી ગયું હોત તેમ જ તેના આંખના ભાગ પર કરાયેલા પ્રહારથી નીકળેલા લોહીના રેલા અંગે ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે, માનવ શરીરનું અત્યંત નાજુક અંગ આંખ છે અને તેને આંખના રતન તરીકે ઓળખાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના હાથે જ આંખ પર આવો પ્રહાર કરી શકે નહિ. એટલું જ નહીં કોઈ મિત્રને પણ આવો ફટકો મારવા આમંત્રિત કરી શકે નહીં.

ફરિયાદી પક્ષની દલીલને ટેકો આપે તેવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી
ન્યાયમૂર્તિઓએ વધુમાં નોંધ્યું હતું કે, શશિવદનાની હત્યા કરવા તન્વીએ કાવતરું ઘડ્યું હતું અને બંગલાનો મુખ્ય દરવાજો ખોલીને હત્યારાને બોલાવ્યા હતા તેવી ફરિયાદી પક્ષની દલીલને ટેકો આપે તેવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી. જો તન્વીએ જ હત્યારાને બંગલામાં બોલાવીને શશિવદનાની હત્યા કરી નાખી હોવાની ફરિયાદ પક્ષની દલીલનો સ્વીકારવામાં આવે તો પછી તન્વી તથા તેની છ માસની પુત્રીને થયેલી ઇજાઓ તન્વીએ જાતે જ કરી હતી તેવી ફરિયાદી પક્ષની રજૂઆત સ્વીકારવા લાયક નથી. ડો. શરીફે તન્વી તથા તેની પુત્રીને થયેલી ઇજાઓ ક્યારેય જાતે નિહાળી ન હતી.

ન્યાયમૂર્તિઓએ તન્વીની અપીલ માન્ય રાખી
માત્ર મેડિકલ જ્યુડિશ પ્રુડન્સ પુસ્તકનો આધાર લઈ તેમણે જુબાની તથા અભિપ્રાય આપ્યા હતા. આથી તેમનો અભિપ્રાય કે જુબાનીનો અસ્વીકાર કરવામાં અમને કોઈ ખચકાટ નથી. ન્યાયમૂર્તિઓએ તન્વીની અપીલ માન્ય રાખીને તેને છોડી મૂકવાનો હુકમ કરતા ચુકાદામાં નોંધ્યું કે, આ એક સૌથી કમનસીબ વાત છે કે, સેશન્સ તથા હાઈકોર્ટે ફરમાવેલી જન્મટીપની પગલે તન્વી વર્ષો સુધી માનસિક આઘાત સહન કરતી રહી હતી. સાસુની હત્યા કર્યાના કલંકને તે સહન કરતી રહી. સુપ્રીમ કોર્ટના તેને બાઇજ્જત છોડી મૂકવાના ચુકાદાથી તન્વીના કપાળ પર લાગેલા આ કલંકનો ડાઘ દૂર થયો.

X
shashivadna divetiya murder case last part

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી