શશિવદના દિવેટિયા ખૂન કેસ ભાગ: 2 / પુરાવા ન મળતા, માત્ર એક શંકા પર તપાસ ટકેલી હતી

Sashivadna divetiya murder case part 2

  • હુમલાખોરો બંગલામાં કેવી રીતે ઘૂસ્યા હશે? તે પ્રશ્નનો જવાબ મેળવવા પોલીસ પણ અવઢવમાં મુકાઈ હતી...

Divyabhaskar.com

Sep 06, 2019, 10:22 AM IST

અમદાવાદઃ શશિવદનાબહેન એકબાજુ ઢળી પડેલાં હતાં જ્યારે બીજી બાજુ માથામાં ઇજા પામેલી હાલતમાં તન્વી નીચે દોડી આવી હતી. જ્યાંથી તેણે તેના પિતા જિતેન્દ્રભાઈને ફોનથી આ ઘટનાની જાણ કરી હતી. આથી જિતેન્દ્ર ઉર્ફે જિતુભાઈ બંગલે દોડી આવ્યા હતા. દરમિયાન પાડોશમાં રહેતા ડો. ઉત્કર્ષ મેઢ પણ આવી પહોંચ્યા હતા. નવરંગપુરા પોલીસને ઘટનાની જાણ કરાઈ ત્યારે હેડ કોન્સ્ટેબલ દિલુભાઈ પ્રતાપસિંહે તુરંત જ હેડ કોન્સ્ટેબલ મોતીજી અને કોન્સ્ટેબલ રણજિતસિંહને કેટલાક પોલીસો સાથે રવાના કર્યા હતા. દોડી આવેલા પોલીસોએ જોયું તો શશિવદનાબહેન લોહીલુહાણ હાલતમાં તરફડિયા મારવાની સાથે ડચકાં ભરી રહ્યાં હતાં અને ડો. મેઢ સારવાર કરી રહ્યા હતા.

ત્યાર બાદ શશિવદનાબહેન, તન્વીબેન અને બેબી અનુજાને કાર દ્વારા વા. સા. હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં. જ્યાં શશિવદનાબહેનને કેઝ્યુલિટી વોર્ડમાં લઈ જવાના બદલે સીધાં જ ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં. જ્યારે ઇજા પામનારા તન્વીબેન તથા તેમની પુત્રીને સારવાર માટે અંદરના દર્દી તરીકે વોર્ડમાં દાખલ કરાયાં હતાં. વા. સા. હોસ્પિટલમાં પોલીસ ટેબલ પર ફરજ બજાવતા કોન્સ્ટેબલ સેમ્યુઅલે આ ઘટનાની નવરંગપુરા પોલીસમથકને જાણ કરી ત્યારે રાત્રીના એક વાગી ચૂક્યો હતો. 25મી ઓક્ટોબરના આગમનો પ્રથમ કલાક પણ પસાર થઈ ગયો હતો.

કોન્સ્ટેબલ સેમ્યુઅલે નવરંગપુરા પોલીસમથકને જાણ કરતાં નોંધ લખાવી હતી કે, સ્વસ્તિક સોસાયટીના બંગલા નંબર 33માં કેટલાક ગુંડાઓએ ડોસીમાનું ખૂન કર્યું છે અને તેમની વહુ અને બાળકીને ઈજા થવાથી વોર્ડમાં દાખલ કરાયાં છે. આ સમાચાર મળતાં જ તત્કાલીન પીઆઈ બી. એન. બ્રહ્મભટ્ટ સ્ટાફ સાથે મારુતિ જીપમાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. જોકે તન્વીબહેનને વોર્ડમાં સારવાર હેઠળ દાખલ કરાયાં હોવાથી વિશેષ પૂછપરછ કરી શક્યા ન હતા. આથી તપાસ અધિકારીએ સૌપ્રથમ બંગલાની મુલાકાત લઈ પ્રાથમિક તપાસ શરૂ હતી. ઉપરાંત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાત તથા પોલીસ ડોગ સ્ક્વોડના શ્વાનને પણ બોલાવી લેવાયા હતા.

હત્યાની રાત્રે બંગલાનું મુખ્ય પ્રવેશદ્વાર અંદરથી બંધ હતું તેમ જ શશિવદનાબહેનના રૂમનો દરવાજો પણ બંધ હોવાનું જણાતા હુમલાખોરો કેવી રીતે ઘૂસ્યા હશે? તે પ્રશ્નનો જવાબ મેળવવા પોલીસ પણ અવઢવમાં હતી. કમ્પાઉન્ડમાં ગેરેજમાં સૂતા ત્રણ ઘરઘાટીની પૂછપરછ છતાં કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકી નહિ. વળી, તન્વીના રૂમના પલંગ પર દાગીના, કીમતી ચીજવસ્તુઓ વેરણછેરણ પડી હતી, પણ ચોરી કે લૂંટનો કોઈ પુરાવો જાણવા મળ્યો ન હતો. આ સંજોગોમાં હત્યાનું કોઈ ચોક્કસ કારણ કે હુમલાખોરનો ઈરાદો જાણવાની દિશામાં પોલીસની સઘળી કવાયતનું પરિણામ શૂન્ય રહ્યું હતું.

(તપાસ મંથર ગતિએ ચાલી રહી ત્યારે જ એક પોલીસ અધિકારીને જે વિચાર આવ્યો તે ચોંકાવનારો હતો. વાંચો આવતા અંકે...)

X
Sashivadna divetiya murder case part 2

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી