શશિવદના દિવેટિયા ખૂન કેસ ભાગ: 1 / વૃદ્ધાની 17 ઘા ઝીંકી હત્યા કરી, પણ દાગીના ન લીધા

Sashivadna divetiya murder case part-1

  • 1979માં નવરંગપુરાના બંગલામાં સાસુ, પુત્રવધૂ અને તેની પુત્રી એકલાં હતાં ત્યારે ઘટના બની હતી...

Divyabhaskar.com

Sep 05, 2019, 11:04 AM IST

અમદાવાદ શહેરના પશ્વિમ વિસ્તારમાં ચાળીસેક વર્ષો પૂર્વે સ્ટેડિયમ પાંચ રસ્તાથી પંચવટી સુધીના માર્ગ ત્યારે સીજી રોડ તરીકે ઓળખાતો હતો. આ માર્ગની બંને બાજુ પર ત્યારે સોસાયટીઓ હતી. કાંઈક અંશે સુખી ને સાધન-સંપન્ન પરિવારોનો આ સોસાયટીઓમાં વસવાટ હતો.

આવી જ એક સ્વસ્તિક સોસાયટીના એક બંગલામાં 65થી 70 વર્ષીય વૃદ્ધાની હત્યાની ઘટના ત્યારે બની ગઈ હતી, જેનો ભેદ ઉકેલવા ત્યારે શહેર પોલીસ દિવસોના દિવસો સુધી દોડધામ કરતી રહી હતી. આખરે ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો પર્દાફાશ કરી આરોપીની ધરપકડ કરી ત્યારે શહેરના પ્રબુદ્ધ સમાજમાં સનસની મચી ગઈ હતી. તે જમાનામાં આ ઘટના ‘શશિવદના દિવેટિયા ખૂન કેસ’નામથી ચર્ચામાં રહી હતી.

સોસાયટીના બંગલા નંબર 33માં ત્યારે પરિવારના ત્રણ સભ્ય રહેતા હતા, જેમાં વુદ્ધ સાસુ શશિવદના દિવેટિયા, તેમની યુવાન પુત્રવધૂ તન્વી દિવેટિયા, તન્વીની છ માસની માસૂમ પુત્રી અનુજાનો સમાવેશ થતો હતો. તન્વીના પતિ પંકજ દિવેટિયા ત્યારે જર્મનીના પ્રવાસે હતા. જ્યારે શશિવદનાના એક પુત્ર તેમના પરિવાર સાથે ત્યારે વડોદરામાં રહેતા હતા. 24 ઓક્ટોબર 1979ની રાત્રે 8 વાગે પાડોશમાં રહેતા રીપુંજયભાઈ રાજેન્દ્રરાય તેમનાં પત્ની સાથે શશિવદનાબહેનની ખબરઅંતર પૂછવા આવ્યા હતા. જ્યાં આગંતુક પાડોશી દંપતી અડધો કલાક સુધી શશિવદનાબહેન તથા તન્વીબહેન સાથે અલકમકલની વાતો કરી તેમના ઘરે પાછાં ફર્યાં હતાં. ત્યાર બાદ શશિવદનાબહેનની રહસ્યમય સંજોગોમાં હત્યા થઈ હતી. બંગલાની પાછળ કમ્પાઉન્ડમાં આવેલા ગેરેજમાં ત્રણ ઘરઘાટી હતા.

તેમને પણ વૃદ્ધાની હત્યાનો અણસાર ન આવ્યો. રાત્રે સાડા આઠ વાગ્યા પછી શશિવદના, તન્વી ને નાનકડી પુત્રીને સાથે લઈ બંગલાની અગાશીમાં અલગ અલગ રૂમમાં નિદ્રાધીન થયાં હતાં. તેમના જુદા જુદા શયનખંડ હોવા છતાં આવનજાવન વચ્ચે એક બારણું હતું. તન્વી તેની પુત્રી સાથે શયનખંડમાં સૂતી હતી ત્યારે શશીવદના પર હુમલાનો આ બનાવ બની ગયો હતો.

અગાશીમાં આવી હુમલાખોરે શશિવદનાબહેનના શયનખંડમાં ઘૂસી હુમલો કરી તેમને 17 જીવલેણ ઈજા પહોંચાડી લોહીલુહાણ હાલતમાં ઢાળી દીધાં હતાં. બાજુના રૂમમાં ખડખડાટનો અવાજ સાંભળી તન્વી જાગીને શું થયું તે જાણવા દોડી આવી ત્યારે હુમલાખોરે તેના પર પણ હુમલો કરી માથામાં ઈજાઓ પહોંચાડી હતી. ત્યાર બાદ તન્વી પાસેથી તિજોરીની ચાવીઓનો જુડો આ શખ્સે પડાવી લીધો હતો.

આ વખતે બંને વચ્ચેની રકઝક થઈ ત્યારે ઘોડિયામાં સૂતી બાળકીને પગે ઈજા થઈ હતી. ત્યાર બાદ તિજોરીમાંથી દાગીના, કીમતી વસ્તુઓ પલંગ પર વેરણછેરણ કરી દીધી હતી. આજ ઘડીએ બંગલાના મુખ્ય પ્રવેશદ્વારની બહાર મોટરકારના એન્જિનનો ખખડાટ તથા લોકોના અવાજો સાંભળીને હુમલાખોર સડસડાટ નીચે ઊતરી ગયો હતો ને મુખ્ય દરવાજો ખોલીને અંધકારમાં અલોપ થઈ ગયો હતો.
(આ શખ્સ કોણ હતો એ રહસ્ય શોધવા પોલીસ વર્ષો સુધી ગોથાં ખાવાની હતી. વાંચો આ‌વતા અંકે...)
(અહેવાલઃ જયદેવ પટેલ)

X
Sashivadna divetiya murder case part-1

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી