તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓમાન ને કરાચીની બેંકોમાં કાદર ભટ્ટીનાં એકાઉન્ટ હતાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાણચોરી કેસના આરોપી કાદરને જામીન પર મુક્ત કરાય તો તે પાકિસ્તાન નાસી છૂટે તેવી પૂરેપૂરી સંભાવના હતી

જયદેવ પટેલ, અમદાવાદઃ કાદર ભટ્ટી તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, દુબઈની બેંક ઓફ ઓમાનમાં તથા પાકિસ્તાનના કરાચી શહેરની યુનાઇટેડ બેંક ઓફ કરાચીની શાખામાં તેનાં નામે બે ખાતાં ચાલે છે. દુબઈને બેંકમાં 218.22 દિરહામ તથા કરાચીની બેંકમાં રૂ. 894નું બેલેન્સ તેના નામે જમા થયેલું છે. સરકાર તરફથી હાજર રહેલા વકીલોએ કાદર ભટ્ટીની જામીન અરજીનો સખત વિરોધ કરતાં એવી દલીલ કરી હતી કે, જો આરોપીને જેલમાંથી મુક્ત કરવામાં આ‌વે તો તે ગમે તે રીતે પાકિસ્તાન ભાગી જશે, જેના કારણે આવકવેરા વિભાગ તરફથી ફટકારાયેલા રૂ.6.70 લાખના દંડની વસૂલાત બાકી રહી જશે.
 

કાદર ભટ્ટીની જામીન અરજી રદ કરી
ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે 9 જુલાઈ, 1990ના રોજ ચુકાદો આપ્યો હતો અને કાદર ભટ્ટીની જામીન અરજી રદ કરી હતી. ચુકાદામાં નોંધ્યું હતું કે, અરજદાર (કાદર ભટ્ટી)ને જામીન પર મુક્ત કરવામાં આવે તો પાકિસ્તાન નાસી છૂટે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ સાથે જ આવકવેરા વિભાગ તરફથી કરવામાં આવેલા દંડની વસૂલાતની કામગીરી પણ સલવાઈ જાય. એટલું જ નહિ, દંડની વસૂલાતનો હુકમ કાગળિયા જેવો બની જાય.
 

કાદર ભટ્ટીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો
આમ ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી રદ કરતા કાદર ભટ્ટીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યાં સાત વર્ષની સખત કેદ ભોગવી બહાર આવ્યા બાદ ભારતને આખરી અલવિદા કરી પાકિસ્તાન પહોંચી ગયો હતો. ત્યાર બાદ કાદર ભટ્ટીનું શું થયું? આ પ્રકરણ સાથે સંકળાયેલી સગી બહેનો ઇન્દુ શેઠ તથા રેખા શેઠ અને અન્ય પાત્રોનું શું થયું તેની આજે કાંઈ જ ખબર નથી. આ તમામ પાત્રો આજે તો ગુમનામીની દુનિયામાં ગુમનામ થઈ ગયાં છે. સાથે જ એ ઉલ્લેખનીય છે કે, છ સંતાનના પિતા કાદર ભટ્ટીએ રેખા શેઠને પોતાની ‘બેગમ’ બનાવવા ભરમાવી હતી, તેમ જ રેખા સાથે નિકાહ પઢી લેવાના ઇરાદાથી મુમતાજ અહેમદ નામથી પાસપોર્ટ બનાવ્યો હોવાની વિગતોનો પર્દાફાશ થયો હતો.  

અન્ય સમાચારો પણ છે...