ક્રાઇમવૉચ / જૂનાગઢના માણાવદર તાલુકાના કતકપુર ગામે હોળીના રંગોત્સવ પર્વની સાંજે માસૂમ બાળકી ગુમ થઈ અને...

Crime watch by jaydev patel

  • સુરતના લીંબાયતના જેવી જ એક બીજી ઘટનાની કહાણી
  • હોલિકાપૂજન કરીને ગામલોકો ઘરમાં મીઠાં ભોજન કરી રહ્યા હતા ત્યારે જ ‘અમલી’ની બુમરાણ મચી ગઈ

Divyabhaskar.com

Feb 12, 2020, 08:56 AM IST
દક્ષિણ ગુજરાતના ડાયમંડ સિટી સુરતના લીંબાયત વિસ્તારમાં શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની માસૂમ દીકરીને ચોકલેટની લાલચ આપીને તેનું અપહરણ કર્યા બાદ પાશવી બળાત્કાર ગુજારીને તેને મોતની ગોદમાં સુવડાવી દેનાર હવસખોર હેવાન અનિલ યાદવને ટ્રાયલ કોર્ટે ફટાફટ કેસનો નિકાલ કરીને ફાંસીની સજા ફટકારી હતી. ગુજરાત હાઇકોર્ટે પણ ગત ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં ફાંસીની સજાને મંજૂર રાખતો ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો છે. આથી પોકસો કેસોની ખાસ અદાલતના એડિશનલ સેશન્સ જજ પી.એસ. કાલાએ હત્યારા અનિલ યાદવ વિરુદ્ધ ‘ડેથ વોરંટ’ જારી કરી દીધું છે. તા 29 ફેબ્રુઆરીના રોજ પરોઢના સાડા ચાર વાગ્યે સાબરમતી સેન્ટ્રલ જેલમાં અનિલ યાદવને ફાંસીના માચડે લટકાવી દેવા જેલ સત્તાવાળાઓને સૂચના આપી છે. હજુ તો અનિલ યાદવને ફાંસીના માચડા સુધી લઈ જવાની મંજિલ ઘણી દૂર... દૂર... છે. ફાંસીના ફંદામાંથી બચી જવા અનિલ યાદવ માટે હજુ સુપ્રીમ કોર્ટ, રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી, ક્યુરેટિવ પિટિશન જેવા કાનૂની વિકલ્પો બાકી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં શું થશે તેની હાલ તો માત્ર કલ્પના જ કરવાનું બાકી રહ્યું છે. સુરત શહેરના આ ચકચારી પ્રકરણની સાથે જ વર્ષો પૂર્વે જૂનાગઢ જિલ્લામાં પણ ત્રણ વર્ષની માસૂમ બાળકીની કાયા પીંખી નાખીને તેને મોતના મુખમાં ધકેલી દેનાર હવસખોર શેતાનના કારનામાની કથા અત્રે પ્રસ્તુત કરી છે.
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ખોબા જેવડા નાનકડા કતકપુર ગામે માસૂમ બાળકી ઉપર અમાનુષી બળાત્કાર અને તેની હિચકારી હત્યાની કારમી ઘટના ફાગણ માસની પૂનમના રંગોત્સવ હોલિકા પર્વના દિવસે બની ગઈ હતી. જેના પગલે પ્રજામાં તીવ્ર આક્રોશ સાથે ખળભળાટ મચી ગયો હતો.
હોળીના રંગોત્સવની મોજ-મસ્તી માણવા કતકપુર ગામના લોકો હરખની હેલીએ ઊમટ્યા હતા. આખુંયે ગામ ‘હોલી હૈ ભાઈ હોલી હૈ... બૂરા મત માનો હોલી હૈ..!’ના નારા ગજાવતું એકબીજા ઉપર રંગોની છોળો ઉડાડતું ઉન્માદે ચડ્યું હતું. ગામના જુવાનિયા હોળીના ફાગનાં ગીતોના ગુંજારવથી વાતાવરણને મદમસ્ત બનાવી રહ્યા હતા. આવા હરખભર્યા માહોલ વચ્ચે દિવસ ક્યાંય પસાર થઈ ગયો અને સંધ્યાનું આગમન થયું. ગામના ચોકમાં યુવાનો તથા કિશોરોની ટોળી હોલિકા પ્રગટાવવાની તડામાર તૈયારીમાં ગૂંથાઈ ગઈ. ગામની સીમમાં ઘટાદાર વૃક્ષોની ડાળી-ડાળખાં કાપીને લાવેલાં લાકડાં તથા છાણાં વગેરે ગોઠવીને હોલિકાને આખરી ઓપ આપી દીધો હતો. હોલિકા પ્રાગટ્યના ચોકમાં એક ખૂણા ઉપર ગામનો ઢોલી દાંડીથી ઢોલ પીટીને ગામલોકોને હોલિકા દહનનો સંદેશો પાઠવી રહ્યો હતો. થોડીક જ વારમાં ગામનાં સ્ત્રી-પુરુષો, યુવક-યુવતીઓ તથા બાળક-બાલિકા ટોળે વળીને હોલિકાનું પૂજન કરવા દોડી આવ્યાં હતાં. પ્રણાલિકાગત હોલિકાનું પૂજન કરીને તેની ચારેબાજુ વર્તુળાકાર ગોઠવાઈ ગયેલા ગામલોકોએ આગામી વર્ષ સારું નીવડે અને ગામલોકો સહુ સુખી રહે તેવી પ્રાર્થના કરી હતી.
ત્યારબાદ હોલિકાની ઊંચે ને ઊંચે ઊઠી રહેલી જ્વાળાઓની ચોતરફ રચેલા વર્તુળ નજીક ગોઠવાયેલાં સ્ત્રી-પુરુષોએ લોટા તથા કળશ લઈને જળની ધારા રેલાવતા પ્રદક્ષિણા શરૂ કરી હતી. ભાવિક સ્ત્રી-પુરુષો તરફથી હોલિકામાં પધરાવેલા શ્રીફળનો પ્રસાદ મેળવવા માટે ગામના યુવકો વચ્ચે તેને બહાર કાઢવા હોડ જામી હતી. હાથમાં પકડેલા વાંસ કે લાકડીના સહારે ગામના યુવકો હોલિકાની પ્રચંડ જ્વાળાઓ વચ્ચેથી શ્રીફળને બહાર કાઢતા ત્યારે તેમની બહાદુરીને ગામલોકો બિરદાવી રહ્યા હતા. હોલિકા પૂજનવિધિ પૂરી કરીને ગામલોકો આ પર્વ નિમિત્તે તૈયાર કરેલાં મીઠાં ભોજનનો સ્વાદ માણવા ઘર તરફ રવાના થયા હતા.
મોટાભાગના ગામલોકો રાત્રિ વાળુ કરવા તેમના ઘરભેળા થઈ ગયા હતા. ત્યારે જ એક ફળિયામાં રહેતા પરિવારનાં પતિ-પત્ની રઘવાયાં બનીને ઘરની બહાર દોડી આવ્યાં હતાં અને તેમની ત્રણ વર્ષની અબુધ દીકરી અમલી... અમલી..! ના પોકારો કરતાં ગામના ચોકમાં પ્રગટાવેલી હોલિકા નજીક દોડી આવ્યાં હતાં.
આ વેળાએ ભડભડ સળગી રહેલી હોલિકાના સ્થળથી સહેજ દૂર ગપસપ મારી રહેલા યુવકોને રઘવાયાં બનેલાં માવતરે તેમની દીકરી અમલી ક્યાં ગઈ તેવી પૃચ્છા કરી હતી. ત્યારબાદ નાનકડી બાળકી અમલી ક્યાંક ગુમ થઈ ગઈ હોવાની વાત ગામમાં ફરી વળી હતી. આખુંયે ગામ ચોકમાં ભેગું થઈ ગયું હતું. ત્રણ વર્ષની નાનકડી બાળકી અમિતા ઉર્ફે અમલી ક્યાં ગઈ? શું કોઈ તેને ઉઠાવી ગયું? તેવા મૂંઝવતા પ્રશ્નો એકબીજાને પૂછતાં બાળકીની શોધખોળ કરવા સહુ કોઈએ દોડધામ શરૂ કરી દીધી હતી. હોલિકા પર્વના રંગોત્સવ પર્વ પ્રસંગે રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયેલી બાળકી અમલીનો કેવો દર્દનાક અંજામ આવ્યો હતો તેની વિશેષ કથા આગામી લેખમાં.
X
Crime watch by jaydev patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી