ક્રાઇમવૉચ / ઉસ્માનપુરાના મધ્યમવર્ગીય પરિવારની પુત્રી ઉપર લખપતિ પરિવારના પાંચ નબીરાનો બળાત્કાર

crime watch by jaydev patel

  • 31મી ડિસેમ્બર રાતની અમદાવાદ શહેરની શર્મનાક ઘટના
  • સામૂહિક બળાત્કારનો ગુનો છતાં શાહીબાગ પોલીસ હાથ જોડી બેસી રહી: હતાશ યુવતીએ ગળાફાંસો ખાઇ લીધો

Divyabhaskar.com

Jan 08, 2020, 08:32 AM IST
જયદેવ પટેલ, અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જયંત પટેલ તથા ન્યાયમૂર્તિ મોહિન્દર પાલની ડિવિઝન બેન્ચે અમદાવાદ શહેરમાં ભારે ચકચાર મચાવનાર સામૂહિક બળાત્કાર (ગેંગ રેપ)ના કેસમાં જન્મટીપની સજા પામનાર પાંચ લખપતિ નબીરાની સજા કાયમ રાખી હતી. ન્યાયમૂર્તિઓએ ગેંગ રેપનો શિકાર બનેલી પીડિતા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા સાથે નોંધ્યું હતું કે, ‘આ દર્દનાક-શર્મનાક ઘટનામાં હવસખોર નબીરાઓએ મધ્યમવર્ગીય પરિવારની દીકરીના માથે ક્યારેય ભૂંસી ન શકાય તેવું કલંક લગાવ્યું હતું. જેનાથી હતાશ બનીને પીડિતાએ આખરે ગળાફાંસો ખાઇને જીવતર ટૂંકાવી લીધું હતું.’
અમદાવાદ શહેરમાં ભારે ચકચાર મચાવનાર સામૂહિક બળાત્કારની આ ઘટના સન 2003ની વિદાયના અંતિમ દિવસે એટલે કે તા. 31મી ડિસેમ્બરની રાત્રે બની ગઇ હતી. શાહીબાગ અન્ડર બ્રિજ નજીક આવેલી અશોક પેલેસ હોટલના એક રૂમમાં ‘થર્ટી ફસ્ટ’ની ઉજવણીના નામે યુવાનોએ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં નારણપુરા પોલીસની હદના ઉસ્માનપુરાના પંચશીલ બસસ્ટેન્ડ નજીકની સોસાયટીમાં રહેતા મધ્યમવર્ગીય પરિવારની 24 વર્ષીય પુત્રી બીજલ જોશીને તેની સાથે લગ્નેતર સંબંધ ધરાવતા દિલ્હીના કરોડપતિ પરિવારના સજલ જૈન નામના યુવકે આમંત્રિત કરી હતી. પોતાના કહેવાતા પ્રેમીના આમંત્રણનો સ્વીકાર કરીને બીજલ જોશી રાત્રે હોટલ ઉપર પહોંચી હતી. જ્યાં બીજલને ભારે આગ્રહ તથા દબાણપૂર્વક બિયરના ઉપરાઉપરી પેગ પીવડાવીને અર્ધબેહોશ બનાવી દીધી હતી.
ત્યારબાદ સજલ જૈન તથા તેના મિત્રો એવા લખપતિ પરિવારના ચાર નબીરાએ બીજલ ઉપર સામૂહિક બળાત્કાર ગુજારીને તેની કોમળ કાયાને પીંખી નાખી હતી. મોડી રાત્રે સજલ જૈનનો એક મિત્ર તેની કારમાં બીજલને અધવચ્ચે ઉતારીને રવાના થઇ ગયો હતો.
મોડી રાત્રે લથડિયાં ખાતી અને ગેંગ રેપથી પારાવાર કષ્ટ વેઠી રહેલી બીજલ ઘેર પાછી ફરી ત્યારે તેની હાલત જોતાં જ પરિવારમાં કલ્પાંત મચી ગયું હતું. આક્રંદ કરી રહેલાં માતા-પિતા તથા ભાઇ-બહેન સમક્ષ બીજલે પોતાની કરુણ કથની રજૂ કરી હતી. આથી પરિવારે આ ઘટનાના અનુસંધાનમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ધાર કર્યો હતો.
સન 2004ના આગમનના પ્રથમ દિવસે તા. 1-1-2004ના રોજ બીજલ તેની મોટી બહેનને સાથે લઇને શાહીબાગ પોલીસ મથકે પહોંચી હતી. જ્યાં તા. 31મી ડિસેમ્બરની રાત્રે જે કાંઇ બની ગયું હતું તેની વિસ્તૃત રજૂઆત કરી હતી. સાથે જ બીજલે હવસખોર હેવાનોએ તેના શરીર સાથે દાખવેલી ક્રૂરતાની ઝાંખી કરાવવા માટે તેના ઉરપ્રદેશ, ચહેરા તથા પીઠના ભાગ ઉપર ભરેલાં બચકાં અને સિગારેટના ડામની નિશાનીઓ મહિલા પોલીસને બતાવી હતી. બીજલ જોશીની અવદશાને નજરોનજર નિહાળીને શાહીબાગ પોલીસ મથકના અધિકારી તથા કર્મચારીઓ પણ સમસમી ગયા હતા.
શાહીબાગ પોલીસે બીજલ જોશીની ફરિયાદના આધારે પાંચ હેવાનો વિરુદ્ધ ઇ.પી.કો. કલમ 376 (2) (જી), 342, 328, 324, 323, 201, 212 અને 120 (બી) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ પાંચ નરાધમોમાં 1. સજલ જૈન, 2. સુગમ ઉર્ફે મોન્ટી જયસ્વાલ, 3. ચંદન જયસ્વાલ, 4. અશોક ઉર્ફે મદન જયસ્વાલ અને 5. ધર્મેન્દ્ર ઉર્ફે કરણ ઉર્ફે મોન્ટુનો સમાવેશ થતો હતો.
સહુથી આઘાતજનક હકીકત તો એ હતી કે, આ પ્રકરણમાં સામેલ ગુનેગારો લખપતિ પરિવારના નબીરા હોવાથી શાહીબાગ પોલીસે આવા ગંભીર ગુનાની તપાસમાં ઘોર ઉપેક્ષા અને નિષ્ક્રિયતા દાખવી હતી. પોલીસ ફરિયાદ નોંધાવ્યાને સાત-સાત દિવસ વીતી ગયા છતાં શાહીબાગ પોલીસ હાથ જોડીને બેસી રહી હોવાનો ખ્યાલ આવી જતાં બીજલ મનમાં ને મનમાં દુ:ખી થઇ ગઇ હતી. ‘ગરીબનું કોઇ સાંભળતું નથી... બધે બસ પૈસાની જ બોલબાલા ચાલે છે!’ તેવા ખ્યાલમાં ઘેરાયેલી બીજલે આખરે જીવતર ટૂંકાવી લેવાનો નિર્ધાર કરી લીધો હતો.
તા. 7 જાન્યુઆરી, 2004ના દિવસે બીજલ જોશીએ તેના ઘરમાં ગળાફાંસો ખાઇને આ જાલીમ દુનિયાને અલવિદા કરી હતી. આત્મહત્યા પૂર્વે બીજલ જોશીએ કયા સંજોગોમાં અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું તેની સંક્ષિપ્ત કહાણી રજૂ કરી હતી. જેમાં શાહીબાગ પોલીસ મથકની ફરિયાદમાં દર્શાવાયેલા નરાધમોની ધરપકડ કરવા પોલીસે કોઇ જ કાર્યવાહી કરી નથી તેવી પણ રજૂઆત કરી હતી. આખરે પોલીસની રીતરસમથી લાચાર અને મજબૂર બનીને તેના માટે હવે જિંદગી સમાપ્ત કર્યા સિવાય બીજો કોઇ જ માર્ગ નથી તેમ જણાવ્યું હતું. નારણપુરા પોલીસ મથકના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર સી. ટી. સુથારે બીજલની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવા સાથે તેની ‘સ્યુસાઇડ નોટ’ તપાસાર્થે કબજે લીધી હતી. બીજલને આપઘાત કરવા મજબૂર કરવા બદલ ઇ.પી.કો. કલમ 306 હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ગેંગ રેપનો શિકાર બનેલી બીજલે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધા બાદ શહેર પોલીસ તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદ શહેરના તત્કાલીન પોલીસ કમિશનરે શાહીબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર તથા અન્ય અડધો ડઝન પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી બરતરફ (સસ્પેન્ડ) કરી દીધા હતા. જેના પ્રત્યાઘાત સ્વરૂપે આ ચકચારી પ્રકરણમાં પુરાવા એકત્રિત કરવાની દિશામાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ તેમના મદદનીશ અધિકારીઓની ટીમ સાથે ફટાફટ તપાસ શરૂ કરી દીધી હતી. જેના પગલે સામૂહિક બળાત્કારનો ખેલ ખેલનાર ખેલાડીઓ તથા પુરાવાનો નાશ કરવા માટે મદદગારની ભૂમિકા ભજવનાર ગુનેગારોની ધરપકડ કરીને તેમને જેલહવાલે કરી દીધા હતા. જેની વિશેષ કથા આગામી લેખમાં.
X
crime watch by jaydev patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી