ક્રાઇમવૉચ / વડોદરાના બાજવા રોડ ઉપર કાળા રંગની બેગમાંથી મળેલા યુવતીની લાશના ટુકડાનું રહસ્ય અકબંધ રહ્યું

Crime watch by jaydev patel

  • અમદાવાદના એસ.પી. રિંગરોડના જેવી જ એક ઘટના
  • બેગમાંથી બે પગ, ધડ તથા ડાબા હાથના ટુકડા મળ્યા હતા. માથું તથા જમણો હાથ ગુમ હતો

Divyabhaskar.com

Nov 20, 2019, 08:25 AM IST
જયદેવ પટેલ, અમદાવાદઃ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતાં સરદાર પટેલ રિંગરોડ ઉપરના અસલાલીથી હાથીજણ ગામ તરફ જતાં ધોરીમાર્ગ પરથી તારીખ 4 નવેમ્બર, 2019ના સોમવારની વહેલી પરોઢના પ્લાસ્ટિકની બે બેગમાંથી એક યુવકની લાશના ટુકડે-ટુકડા મળી આવ્યા હતા. મૃતક યુવકની ઓળખ થઇ ના શકે તે માટે હત્યારાએ તેનું માથું તથા બંને હાથના પંજા કાપી નાખીને કોઇ અજ્ઞાત સ્થળે ફેંકી દીધા હતા. જ્યારે લાશના અન્ય અવયવોના કટર મશીનથી 100 જેટલા ટુકડા કરી નાખ્યા બાદ પ્લાસ્ટિકની બે બેગોમાં ભરીને આ સ્થળે ફેંકી દીધા હતા. આ ઘટનાનો ભેદ ઉકેલવા ડી.વાય.એસ.પી. કે.ટી. કામરીયાએ તેમની ટીમ સાથે સઘન તપાસ શરૂ કરી હતી. તેમજ લાશના સંખ્યાબંધ ટુકડા હોસ્પિટલમાં મોકલી આપીને ડી.એન.એ. ટેસ્ટની મદદ લેવાનું નક્કી કર્યું.
કરપીણ હત્યાની આ ઘટના જેવી જ અદ્દલોઅદ્દલ એક ઘટના આજથી બે વર્ષ પૂર્વે સંસ્કાર નગરી વડોદરા શહેર પોલીસની હદમાં બની હતી. જેના પગલે ત્યારે પણ નગરજનોમાં ખળભળાટ મચી ગયો હતો. સહુથી દુ:ખદ હકીકત એ છે કે, પોલીસના સઘળા પ્રયાસો છતાંયે આ ઘટનાનો ભેદ ઉકેલાયો નથી. ઘાતકી હત્યા કર્યા બાદ યુવતીની લાશના ટુકડા બેગમાં ભરી દઇને અવાવરું જગ્યામાં ફેંકી દઇને હત્યારા ગાયબ થઇ ગયા હતા. આ કમનસીબ યુવતી કોણ હતી તેની આજેય ઓળખ થઇ શકી નથી. વડોદરા શહેરની જનતામાં સનસનાટી મચાવનાર આ ઘટનાની કથા અત્રે રજૂ કરી છે.
વડોદરા શહેર પોલીસ કન્ટ્રોલ રૂમનો તા. 13 જૂન, 2017ના રોજ કોઇ વ્યક્તિએ ટેલિફોન ઉપર સંપર્ક સાધીને જાણ કરી હતી કે આજવા રોડ ઉપરની વેરાન જગ્યામાં કાળા કલરની એક બેગ બિનવારસી હાલતમાં પડી છે. જેમાંથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવી રહી છે. આ સંદેશા બાદ બાપોદ પોલીસ મથકના અધિકારી તેમની ટીમ સાથે દોડી આવ્યા હતા. પોલીસે કાળા રંગની શંકાસ્પદ બેગ ખોલીને જોયું તો તેમાંથી સ્ત્રીની લાશના ટુકડા કાપડમાં પેક કરીને બેગમાં ઠાંસી-ઠાંસીને ગોઠવી દેવામાં આવ્યા હતા. લાશના બંને પગ કાપી નાખ્યા હતા. ડાબો હાથ તથા ધડની પણ આવી જ હાલત કરવામાં આવી હતી. જોકે લાશનું માથું તથા જમણો હાથ મળ્યા ન હતા.
અત્યંત ક્રૂરતાપૂર્વક યુવતીની હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવાના આશયથી લાશના ટુકડે-ટુકડા કરીને તેને બેગમાં પેક કરીને વેરાન જગ્યામાં ફેંકી દેવાના આ બનાવ અંગે પોલીસે સરકાર તરફથી ફરિયાદી બનીને ઇ.પી.કો. કલમ 302 તથા 201 હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને લાશના ટુકડા પોસ્ટમોર્ટમ કરાવવા હોસ્પિટલમાં મોકલી
આપ્યા હતા.
રંગે ગૌરવર્ણ કાયા ધરાવતી આ કમનસીબ યુવતીનું કાપી નાખવામાં આવેલું માથું તથા જમણા હાથને શોધી કાઢવા માટે વડોદરા શહેર પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવીને આજવા રોડ ઉપરના માઇલોના માઇલો સુધી સઘન તપાસ કરી હતી. છતાં ક્યાંયથી આ બંને અવશેષ મળ્યા ન હતા.
આ બંને અવયવો નહીં મળતાં પોલીસ માટે મૃતક યુવતીની ઓળખ સ્થાપિત કરવાનું કામ અત્યંત કઠીન બની ગયું હતું. પોલીસે એવું અનુમાન કર્યું હતું કે, યુવતીના જમણા હાથના કાંડા કે પછી બાવડાના ભાગ ઉપર તેની ઓળખ થઇ શકે તેવું છુંદણું ત્રોફાવેલ હોવાથી કદાચ હત્યારાએ આ બંને અંગોનો કોઇ અજ્ઞાત સ્થળે નાશ કરી દીધો હતો.
આજવા રોડ ઉપરની રહેણાંકની સોસાયટીથી લઇને ચાર-પાંચ કિલોમીટરના વિસ્તારમાં ગોઠવાયેલા સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ પણ પોલીસે એકત્રિત કર્યા હતા. જેના આધારે યુવતીની ઓળખ જાણવા કોશિશ કરી હતી. આ સાથે જ વડોદરા શહેર પોલીસ તેમજ જિલ્લા પોલીસ મથક હસ્તકના પોલીસ મથકોમાં હત્યાની આ ઘટના પૂર્વે છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઘર છોડીને ચાલી ગયેલ કે પછી ગુમ થઇ ગયેલી યુવતીઓના સંબંધમાં નોંધાવેલી ફરિયાદોની માહિતી મેળવીને તેના આધારે શરૂ કરેલી તપાસમાં પણ કોઇ ફળદાયક માહિતી સાંપડી
શકી ન હતી.
આજવા એક્સપ્રેસ હાઇવેની આસપાસ રહેતા પરપ્રાંતીય પરિવારોના સભ્યોની પોલીસ દરરોજ અટકાયત કરીને તેમની ઝીણવટભરી પૂછપરછ કરી હતી. છતાંયે પરિણામ શૂન્ય જ
રહ્યું હતું.
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ મૃતક યુવતીના અવયવોની વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ તપાસ કરી ત્યારે તેના ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો તેવા કોઇ જ ચિહ્્નો જોવા મળ્યા ન હતા. એફ.એસ.એલ. દ્વારા પોલીસને તપાસ અહેવાલ મળ્યો હતો. જેમાં તેની નોંધ કરવામાં આવી હતી કે, રંગે ગોરી અને ત્રીસેક વર્ષની આ યુવતીની લાશનું પી.એમ. કર્યું તેના ત્રણેક દિવસ પહેલાં તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. પોલીસે સ્ત્રીની લાશના કબજે કરેલા ટુકડાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં તેના નામ-ઠામ જાણી શકાય તેવા કોઇ જ ચિહ્્નો પ્રાપ્ત થયા નથી.
અહેવાલમાં વધુમાં જણાવ્યું હતું કે, હત્યાને અંજામ આપનાર શખ્સ કે શખ્સોએ સહુ પ્રથમ યુવતીના બંને હાથ કાપી નાખ્યા હતા. ત્યારબાદ તેનું ગળું તથા છાતી ઉપરાંત માથું તથા બંને પગ કાપી નાખ્યા હતા. યુવતીના પેટ તથા છાતીના ભાગ ઉપર ચોંટી ગયેલ માનવ વાળના કેટલાક ટુકડા મળી આવ્યા છે. જે કદાચ આ ભયાનક ગુનાને અંજામ આપનાર હત્યારાના જ હોવાનો આધાર મળ્યો છે. વાળના આ ટુકડા D.N.A. ટેસ્ટ માટે હાલ લેબોરેટરીમાં સાચવી રાખવામાં આવ્યા છે. ભવિષ્યમાં કદાચ કોઇ શકમંદ ઝડપાઇ જાય તો D.N.A. ટેસ્ટ દ્વારા આ ગુનાનો પર્દાફાશ થઇ જશે તેવી પોલીસ આશા રાખી રહી છે.
વડોદરા શહેરમાં સનસનાટી મચાવનાર રહસ્યમય હત્યાની આ ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસે છ-છ મહિના સુધી જારી રાખેલી તપાસમાં કોઇ જ સફળતા સાંપડી ન હતી. આથી પોલીસે તા. 27 નવેમ્બર, 2017ના રોજ અદાલત સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કદાચ ભવિષ્યમાં આ ગુનાનો ભેદ ઉકેલાઇ જશે તેવી આશા પોલીસ રાખી રહી છે અને હાલ પૂરતું આ પ્રકરણની તપાસ ઉપર અલ્પવિરામ મૂકવામાં આવે છે તેવી રજૂઆત કરી હતી.
ત્રીસ વર્ષીય યુવતીની કારમી-કરપીણ હત્યાની ઘટનાને આજે તો બબ્બે વર્ષોના વહાણા વહી ગયા છે. છતાં તેનો ભેદ ઉકેલાયો નથી.. હવે ક્યારે ઉકેલાશે તેની પ્રતીક્ષા સહુ કરી રહ્યા છે!
X
Crime watch by jaydev patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી