ક્રાઈમ સ્ટોરી / પેટના જણ્યા લાડકવાયા દીકરાને ત્યજી દેવા લાચાર બે દુખિયારી જનેતાની દર્દભરી દાસ્તાન

Crime stoy by jaydev patel

  • દેવના દીધેલા દીકરાને દેવના ભરોસે ત્યજી દીધા
  • ખાનપુર દરવાજા પાસેના બંગલાના કંપાઉન્ડમાંથી તથા બોટાદ ટ્રેનમાંથી દાયકાપૂર્વે નવજાત શિશુ મળ્યા હતાં

Divyabhaskar.com

Nov 06, 2019, 07:57 AM IST

જયદેવ પટેલ, અમદાવાદઃ આ ઘટનાને આજે સાડા આઠ દાયકા એટલે કે પંચાશી વર્ષોના વહાણા વહી ગયા છે. અમદાવાદ શહેરની ત્યારે અહેમદશાહે વસાવેલા અહેમદાબાદ તરીકેની ઓળખ હતી. અમદાવાદ શહેર ચોતરફ ફેલાયેલા ઐતિહાસિક કોટના બાર દરવાજાની અંદર મહદ્ અંશે સમેટાઈ જતું હતું. બાર દરવાજા પૈકીનો એક દરવાજો ખાનપુર દરવાજો હતો. આ દરવાજાની નજીક ત્યારે ખ્રિસ્તી, પારસી તથા મુસ્લિમ પરિવારોનો વસવાટ હતો. અમદાવાદ મ્યુનિસિપલ નગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી શ્રીમતી એલી ગાયેલ આઇઝેકનો બંગલો ખાનપુર દરવાજાની નજીક આવેલો હતો.

સન 1934ના સરસામાં આ બંગલાના કંપાઉન્ડમાંથી અઢી-ત્રણ માસનું એક નવજાત બાળક ત્યજાયેલી હાલતમાં મળ્યું ત્યારે સ્થાનિક રહીશોમાં ચકચાર મચી ગઈ હતી. રંગે ગોરું, દેખાવે રૂપાળું અને પરાણે વહાલ ઊપજે તેવા આ નવજાત શિશુને રેશમી ટોપી, રેશમી ઝભલું અને ચડ્ડી પહેરાવીને ગોદડીમાં વીંટાળીને તેની માતા બંગલાના કંપાઉન્ડમાં મધરાતના અંધારામાં ત્યજી દઈને ચૂપચાપ ચાલી ગઈ હતી.

બાળકની પડખેથી એક કવર મળ્યું હતું. જેના ઉપર અંગ્રેજીમાં ‘Private and Personal’ શબ્દો લખ્યાં હતાં. કવરમાં બીડેલ પત્ર અંગ્રેજીમાં લખેલો હતો. સાથે જ ગુજરાતીમાં તેનો તરજુમો પણ હતો. જે નીચે મુજબ હતો -

‘અમે ઉચ્ચ કુટુંબના માણસો છીએ. અમે સાચા પ્રેમીઓ છીએ. અમારા પ્રેમના પ્રતીકસમાન આ વ્હાલું બાળક છે. અમે બંને હિંદુ સમાજની સખ્તાઈ અને બંધનોના કારણે અમારી જાતને બહાર પાડી શકતા નથી. પ્રભુનું નામ લઈને અમે બંને આજે આ બાળકને છોડી રહ્યાં છીએ. કુંવારી અવસ્થામાં આ બાળકનો જન્મ થયો છે. આ બાળક જે કોઈને મળી આવે તો તેને પોલીસને નહીં સોંપવા અમારી વિનંતી છે!’

પત્રમાં વધુમાં લખ્યું હતું કે, ‘આ બાળકની સારી સાર-સંભાળ લઈને માવજતપૂર્વક ઉછેરે તેવી અમારા મનની ઇચ્છા છે. આ છોકરો મોટો થશે ત્યારે અમે એની સંભાળ લઈશું. કુંવારી અવસ્થામાં જન્મેલા આ માસૂમ બાળકને મારી નાંખીને અમે હિંસા કરવા નથી માંગતા. આ છોકરાને અમારાથી વિમુખ કરવા અમે લાચાર બન્યા છીએ. જોકે, અમારું આ કૃત્ય પણ એક પ્રકારની હિંસા જ છે છતાં તેને ત્યજી દેવા મજબૂર બન્યા છીએ!’

આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઈ.પી.કો. કલમ 317-318 હેઠળ જરૂરી કાનૂની કાર્યવાહી પૂરી કરીને બાળકને ઉછેર માટે ત્યારે અનાથાશ્રમમાં મોકલી આપ્યું હતું.

સામાજિક જડતાભર્યાં રિવાજો તથા સંજોગોનો ભોગ બનીને કુંવારી અવસ્થામાં નવજાત શિશુને ત્યજી દેવા લાચાર બનતી દુખિયારી જનેતાની માનસિક દશાનો ખ્યાલ કરાવતી દેશભરમાં સંખ્યાબંધ ઘટનાઓની હારમાળા ચાલું જ રહી છે. ત્યારે આવી જ વધુ એક કથા પણ પ્રસ્તુત કરી છે.

આજથી સાડા પાંચ દાયકા પૂર્વે એટલે કે પંચાવન વર્ષ પહેલાં બની હતી. સન 1965ના જાન્યુઆરી મહિનામાં અમદાવાદ-બોટાદ પેસેન્જર લોકલ ટ્રેન સરખેજ રેલ્વે સ્ટેશને ઘડીભર માટે થોભી હતી. સેકન્ડ ક્લાસ કોચના કેટલાક પ્રવાસી તેમના સામાન સાથે નીચે ઉતરી રહ્યા હતા. ત્યારે બીજા પ્રવાસીઓ ડબ્બામાં બેસવાની જગ્યા મળી રહે તે માટે અંદર પ્રવેશવા રઘવાટ કરી રહ્યા હતા.

આવી ધક્કામુક્કી વચ્ચે ડબ્બાના એક ખૂણામાં ટુવાલમાં વીંટાળાયેલ નવજાત બાળકનું રૂદન સાંભળીને પ્રવાસીઓ ચોંકી ઊઠ્યા હતા. આ બાળકની જનેતા કદાચ પાણી લેવા માટે નીચે ઉતરી હશે તેવું પ્રવાસીઓએ અનુમાન કર્યું હતું. જ્યારે બીજી બાજુ બાળકના રડવાનો અવાજ વધુ ને વધુ તીવ્ર બની રહ્યો હતો. હવે આવી અવઢવભરી પરિસ્થિતિ વચ્ચે ટ્રેનના આગળ પ્રસ્થાનની સૂચના આપતી એન્જિનની વ્હીસલનો તીણો સૂર સંભળાયો ત્યારે બાળકની જનેતા ડબ્બામાં પાછી ફરી ન હતી. હવે ડબ્બાના પ્રવાસીઓને આ બાળકને ‘ધૂલ કા ફૂલ’ સમજીને તેની માતાએ ત્યજી દીધાની હકીકત સમજાઈ ગઈ હતી.

ત્યારબાદ પ્રવાસીઓએ સાંકળ ખેંચીને ટ્રેનને ઊભી રખાવી હતી અને રેલ્વે પોલીસને જાણ કરી હતી. જેના પગલે સરખેજ રેલ્વે પોલીસ મથકની ટીમ સેકન્ડ ક્લાસના ડબ્બામાં દોડી આવી હતી. ટુવાલમાં લપેટીને ત્યજી દેવાયેલા આ બાળકનું પોલીસે ઝીણવટપૂર્વક નિરીક્ષણ શરૂ કર્યું. ત્યારે બાળકના પડખામાંથી રૂપિયા બેની નોટ તથા એક પત્ર મળ્યો હતો.

આ પત્રમાં બાળકની જનેતાએ પોતાના મનની વેદનાને કરૂણ શબ્દોમાં રજૂ કરી હતી. જેને વાંચીને પોલીસ ટીમ તથા પ્રવાસીઓની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. આ પત્રમાં દુખિયારી માતાએ તેના આંતરમનની વેદનાને રજૂ કરી હતી. જેની અક્ષર સહ વિગત આ પ્રમાણે હતી.

‘શ્રી ગણેશાય નમ: શ્રી હરિ શ્રી. મહારાજની સહાયમાં રહેજો. મારા લાડકવાયા બાળકની સાથમાં તમો રહેજો. ભગવાન તમારા આધારે અને તમારા ભરોસે, આ પત્ર વાંચનાર સહુ સુખી રહેજો. બહેન તથા ભાઈ મારા બાળકની સંભાળ રાખજો. આ બાળક જન્મ્યો ત્યારે ગળામાં જનોઈ તથા લલાટે કુમકુમ તિલક કર્યા હતા. આ બાળક તમારા હાથમાં સોંપું છું તે ઘણો જ સુખદાયી બનશે. મારો દીકરો ઊંચા ખાનદાન કુળનો દીકરો છે. મારા કર્યા તો હવે મારા હાથમાં રહ્યા નથી, પરંતુ હું શું કરું? એક બાળકને ભગવાનના આશરે મંદિરમાં મૂકી દીધો. બીજાને તેના મોસાળમાં મોકલી દીધો. હવે આ મારો ત્રીજો દીકરો તમારા હાથમાં સોંપું છું!’

પત્રમાં વધુ વેદના ઠાલવતા લખ્યું હતું કે, ‘મારા ધણીએ મારી તથા મારાં બાળકોની સંભાળ છોડી દીધી અને મને રસ્તે રઝળતી વાર્તા બનાવી દીધી. ખૂબ દુખિયારી છું. હવે વધુ દુ:ખ સહન કરવાની મારામાં હામ રહી નથી. મારા જેવું દુ:ખ હે ભગવાન કોઈને ન આપશો!’

દુખિયારી જનનીએ પોતાના દુ:ખ-દર્દની કથા આગળ વધારતાં લખ્યું હતું કે, ‘મારા ધાવણા બાળકને બહેન તમારા ઘેર મોકલું છું. બહેન અગર ભાઈ જે કોઈ હો તે તમો જ તેના સાચા માવતર છો. મારી બહેન કે ભાઈ બાળકને દૂધ પિવડાવજો. ઘી અને સાકર ખાંડીને તેને ચટાડજો. કરિયાતાનું કડુ પિવડાવજો. બાળા શીશીની એક-એક ચમચી રોજ પિવડાવજો. બાળકનો જન્મ પોષ સુદ દશમના દિવસે થયો છે. તેની જન્મ તારીખ 13મી જાન્યુઆરી છે. તેનું નામકરણ કરાવજો!’

હૈયામાં વલોપાત કરતી જનેતાએ તેના પત્રના સમાપનમાં લખ્યું હતું કે, ‘હે ભગવાન! કોઈને ધણીનું દુ:ખ ન દેજો. ખુદ પેટના જણ્યાને લાચાર બનીને છોડવા પડે તેવી ગરીબાઈ કોઈને આપીશ નહીં. મારા તેજસ્વી બાળકને સાચવી-ઉછેરીને મોટો કરજો. ભગવાન તમને ઘણું સુખ આપશે. એક દુખિયારી માવડી ઉપર દયા કરીને મારા લાડકાને સાચવજો બસ, એટલી જ મારી અરજ છે.’ સરખેજ રેલ્વે પોલીસે જરૂરી કાનૂની વિધિ પૂરી કર્યા બાદ આ નવજાત શિશુને ઉછેર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું.

નવ-નવ મહિનાં સુધી ઉદરમાં રક્ત-માંસ સીંચીને બાળકને જન્મ આપ્યા બાદ સંજોગોનો શિકાર બનીને પોતાના લાડવાયાને રસ્તે રઝળતા ‘ધુલ કા ફૂલ’ની જેમ ત્યજી દેવા લાચાર-મજબૂર બનેલી આ બે દુખિયારી જનેતાનાં વલોપાતને વ્યક્ત કરતી આ બંને ઘટનાઓને દાયકાનાં દાયકા વીતી ગયાં છે. આજે તો આ બંને દુ:ખી પ્રસંગોની કથા પણ ભૂતકાળના ભંડકિયામાં ક્યાંય દટાઈ ગઈ છે.

આટલાં વર્ષો સુધીનું દુ:ખચક્ર ફરી ગયા પછી આ બાળકોનો શું અંજામ આવ્યો હશે તેની કોઈ જ જાણ નથી. કદાચ રસ્તે રઝળતા-ભટકતા અનાથ-યતીમ બાળકોની ભીડમાં આ બંને બાળકો ખોવાઈ ગયાં હશે કે પછી ભગવાનના ઘેર પહોંચી ગયાં હશે. આ પ્રશ્નનો આજે કોઈ જ જવાબ મળતો નથી. ઇતિ અસ્તુ!

X
Crime stoy by jaydev patel

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી