વડોદરા IT ઇન્સપેક્ટર વાઈફ હત્યા ભાગ-3 / પોલીસને આડાપાટે ચઢાવવા માટે લોકેશે 12 પ્લોટ ઉભા કર્યાં

Crime Story: Vadodara IT inspector killed wife part-3

  • લોકેશન જયપુરમાં જ રહે તે માટે મિત્રને મોકલી તેના હાથે જ પત્નીનો મોબાઈલ બંધ કરાવ્યો
  • પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હોવાનો દેખાડો કરવા માટે મેસેજ અને ફોન કરી વાતચિત કરતો હતો

Divyabhaskar.com

Jun 12, 2019, 12:06 AM IST

વડોદરાઃ ઇન્કમટેક્સ ઇન્સપેક્ટર લોકેશકુમારે પણ પત્ની મુનેશની હત્યા કરી પોલીસને આડાપાટે ચઢાવવા માટે 12 પ્લોટ ઉભા કર્યાં હતા. એક તબક્કે પોલીસ પણ ગુમ અને અપહરણની થીયરી પર તપાસ કરી રહી હતી. જોકે, ફર્સ્ટ મિસિંગ ઇન્વેસ્ટિગેશન ઓફિસર પીએસઆઇ કૃષ્ણકુમાર મીના સહિતની ટીમે લોકેશકુમારના મોબાઇલની છેલ્લા એક વર્ષની કોલ ડીટેઇલના 15000 જેટલા નંબરોની ઝીણવટપૂર્વકની ચકાસણી કરતાં લોકેશકુમાર આરોપીના કઠેરામાં આવી ગયો હતો. લોકેશકુમારે ઉભા કરેલા પ્લોટ પોલીસ તપાસમાં બહાર આવ્યા હતા.

પ્રેમિકાને કોલ કરતાં અટકાવી દીધી

લોકેશકુમારે પત્ની મુનેશની હત્યા કરવા માટે પ્રેમિકાના મોબાઇલ પર 3 મહિના પહેલાંથી વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું અને પ્રેમિકાને પણ તેના નંબર પર કોલ બંધ કરાવી દીધા હતા. પોલીસ કદાચ તેના મોબાઇલની એકાદ-બે મહિનાની કોલ ડીટેઇલની ચકાસણી કરે તો પ્રેમિકાનો નંબર તેમાં આવી ન શકે.

પત્નીને હોસ્ટેલમાં એડમિશન અપાવ્યું

એક મહિના પહેલા મુનેશને જયપુરની હોસ્ટેલમાં કોમ્પીટેટિવ એક્ઝામની તૈયારી માટે એડમિશન અપાવ્યું, ખર્ચો પણ ઉઠાવ્યો એટલે સાસરિયાંને શંકા ન જાય. પોલીસે મુનેશના પરિવારજનોની પૂછતાછ કરી તો તેમણે જમાઇ સારા હોવાનું સર્ટિફિકેટ આપ્યું.

પત્નીને પ્રેમનો દેખાડો કરવા SMS

ઓફિસમાં હોવા છતાં પત્નીને ફોન અને મેસેજ કરી વાતચીત કરતો. પત્નીની દરકાર રાખતો હોય તેમજ તેને ખૂબ પ્રેમ કરતો હોય તેવા મેસેજો અને કોલ કર્યા જેથી બંને વચ્ચે કોઇપણ પ્રકારનો અણબનાવ હોવાનું ચિત્ર ન ઉપસે.

મિત્રને મોકલી પત્નીનો મોબાઈલ બંધ કરાવ્યો

હત્યાનો પ્લાન વડોદરામાં કર્યો હતો એટલે પોલીસને ઊંધાં ચશ્માં પહેરાવવા પત્ની મુનેશને પોતાની જાનનો ખતરો છે તેમજ મોબાઇલ લોકેશનથી તેને પણ ખતરો છે એટલે મિત્ર પ્રવેન્દ્ર શર્માને મોકલી તેનો મોબાઇલ જયપુરમાં જ બંધ કરાવી દીધો એટલે છેલ્લું લોકેશન ત્યાંનું જ મળે.

મકાન ભાડે લીધું અને કરાર ના કર્યો

મિત્ર પ્રવેન્દ્રના નામે હરણી ત્રિશા ડુપ્લેક્ષમાં ભાડાનું મકાન લીધું. તેની ઓળખ છતી ન થાય માટે દસ્તાવેજના બહાને ભાડા કરાર બાકી રાખ્યો. ગ્રીન નેટ લગાવી મજૂરો પાસે ખાડો ખોદાવ્યો. પાણીની પાઇપ અને દોરી નવી લઇ આવ્યા.

પત્ની ગુમ થયાની ફરિયાદ કરાવી

પત્ની ગુમ થઇ છે તેવી પિતા વિજેન્દ્રસિંહ પાસે ફરિયાદ કરાવી. ભાઇ પ્રભંજનકુમારને કોલ કરી તેની બહેન મુનેશ 11મીએ સાંજે 7 વાગ્યાથી ગુમ છે તેમ કહી તેની શોધખોળ કરવાનું કહ્યું અને પોતે હત્યા કરી લાશ દાટી 13મીએ જયપુર પહોંચ્યો.

સંદિગ્ધ ડેટા ડિલીટ કરી દીધા

પોતાનો મોબાઇલ હેંગ થઇ ગયો હતો એટલે ફોર્મેટ મારી દીધો છે. બંને વચ્ચેના મેસેજ, ફોટા તેમજ સંદિગ્ધ વાતચીતના ડેટા ડિલીટ કરી દીધા હતા. પોલીસે તેનો મોબાઇલ ચકાસણી કરવા માગ્યો ત્યારે મોબાઇલ હેંગ થતો હોવાનું કારણ આગળ ધરી દીધું.

PSI સામે આક્ષેપો કરી દબાણ ઉભું કર્યું

મિસિંગ ફરિયાદના IO ક્રિષ્ણકુમાર મીના કોઇ તપાસ કરતા નથી. તેની બહેન, દીકરી કે પત્ની ગુમ થઇ હોત તો ખબર પડે, તેવી રજૂઆત ઉચ્ચ અધિકારીઓને કરી હતી. મુનેશ ગુમ થઇ હોવાની જ પોલીસ તપાસ કરે તેવી સતત દબાણ કરતો હતો.

રૂમ મેટ સામે શંકાની સોય તાકી

11મીએ રાત્રે રૂમ મેટ આશા યાદવે મુનેશનું ટિફિન આવી ગયું છે પણ તે આવી નથી તેમ પીજીના સંચાલકને કહેતાં તેણે લોકેશને કોલ કર્યો હતો, તેણે રૂમ મેટ અને પીજી સંચાલકને ખબર હશે કડકાઇથી પૂછતાછ કરો કહી શંકાની સોય તાકી હતી.

અપહરણ થયું તેવું કહી પોલીસને ગુમરાહ કરી

હોસ્ટેલની આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવા માટે લોકેશકુમાર ખૂબ સક્રિય હતો. સીસીટીવીના ફૂટેજમાં હોસ્ટેલ આસપાસ કોઇ બાઇક કે વાહનમાં યુવક દેખાય તો તેની તપાસ કરવા કહેતો. પત્ની કોઇની સાથે ભાગી ગઇ છે કે તેનું અપહરણ થયું છે તે દિશામાં કેસ લઇ જવાના પ્રયાસ કર્યા હતા.

મિત્રને નોકરીના બહાને બોલાવ્યો

મિત્ર પ્રવેન્દ્ર શર્માને નોકરી અપાવવાના બહાને વડોદરા બોલાવ્યો. પ્રેમિકા સાથે લગ્ન કરવાં છે એટલે મુનેશની હત્યા કરવા માટે મિત્રને મનાવી લીધો. તેના નામે મકાન લેવડાવ્યું, પત્નીને જયપુર લેવા મોકલ્યો. હત્યા બાદ ખાડો પણ પુરાવ્યો હતો.

મુનેશના સ્વજનો સાથે જ શોધખોળ

ધરપકડના 2 દિવસ પહેલાં સુધી લોકેશકુમાર પત્ની મુનેશના પરિવારજનોની સાથે જ શોધખોળ કરતો હતો. સ્વજનોને તેના પર કોઇપણ શંકા ન જાય તેની તમામ તકેદારી રાખી હતી. પરિવારજનોને છેલ્લા સુધી તેના કૃત્ય વિશે કોઇ ગંધ ન આવી હતી.

ન્યાય અપાવવા માટે લડત

દીકરીની હત્યા પછી મુનેશનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. હાલ મુનેશના પરિવારજનો પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે લડત ચલાવી રહ્યા છે. આ કેસમાં જયપુરની ગાંધીનગર પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. હાલ આ કેસમાં જયપુરની ગાંધીનગર પોલીસ તપાસ કરી રહી છે.

X
Crime Story: Vadodara IT inspector killed wife part-3

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી