રાજકોટ સન્ની હત્યા ભાગ-3 / વેપારીની વૈભવી લાઇફ સ્ટાઇલથી અંજાઇને હત્યા કરી લૂંટી લીધો

Crime Story: Rajkot sunny rathod murder case part-3

  • રણછોડે વેપારીના હત્યાના કાવતરાને અંજામ આપવા મિત્ર ભરત ભરવાડને સાથે રાખ્યો હતો
  • કંઇ ગરબીએ ગયો હતો એ અંગે પૂછતા રણછોડની જીભ થોથવાઇ ગઇ, ગેંગે ફેંફેં થવા લાગી

Divyabhaskar.com

Aug 14, 2019, 12:06 AM IST

રાજકોટ: શકમંદ રણછોડને પીઆઇ નકુમની ચેમ્બરમાં લઇ જવાયો. પીઆઇએ થોડી વાર સુધી રણછોડને એક પણ પ્રશ્ન પૂછ્યા વિના તેને પગથી માથા સુધી જોઇ તેના હાવભાવમાં થઇ રહેલા ફેરફારની નોંધ લીધી. પીઆઇએ કોઇ પ્રશ્ન નહીં પૂછતા રણછોડેસામેથી પ્રશ્ન કર્યો કે સાહેબ મને શું કામ બોલાવ્યો છે? જવાબમાં ગાલ ઉપર સણસણતો તમાચો પડતા આંખ સામે અંધારુ છવાઇ ગયું, કાનમાં તમરા બોલવા લાગ્યા, રણછોડ બે મિનિટ સુધી બન્ને ગાલ ઉપર હાથ રાખીને ઉભો રહ્યો. પીઆઇ રણછોડની પાછળ ઉભા રહ્યા અને બન્ને હાથ રણછોડના ખંભા ઉપર મુકીને એકદમ શાંત સ્વરે પૂછ્યું ‘એ રાતે તે સન્નીને શેના માટે ફોન કર્યો હતો? તારી સાથે બીજા કોણ કોણ હતા?’ રણછોડે ફરી વખત દુકાનના સોદાની વાત કર્યાની જૂની કેસેટ વગાડી અને પોતે એ સમય દરમિયાન બીગ બજારના સ્ટેન્ડ ઉપર જ હોવાનું રટણ કર્યું. સટ્ટાક કરતો બીજો તમાચો પડ્યો. કારણ કે રણછોડ ખોટું બોલી રહ્યો હતો. પોલીસને માહિતી મળી હતી કે એ રાતે રણછોડ મોડી રાત સુધી સ્ટેન્ડ ઉપર જ હતો પરંતુ થોડો સમય ગરબા જોવા જવાનું કહીને પાછો આવી ગયો હતો! પોલીસે ગરબા જોવા કંઇ ગરબીએ ગયો હતો એ અંગે પૂછતા રણછોડની જીભ થોથવાઇ ગઇ, ગેંગે ફેંફેં થવા લાગ્યો. તીર બરાબર નિશાના પર લાગ્યું છે એ પોલીસને સમજાઇ ગયું.

રણછોડ ભાંગી પડ્યો ‘હવે બસ કરો, હું મરી જઇશ’

હવે રણછોડની આગવી ઢબે પૂછપરછ શરૂ થતાં રણછોડ ભાંગી પડ્યો‘હું બધું સાચું કહી દઇશ, હવે બસ કરો, હું મરી જઇશ ’ તેમ કહીને બેસી ગયો. પીઆઇએ સરભરા બંધ કરવાનો ઇશારો કરતા સ્ટાફ આઘો ખસી ગયો. પીઆઇ નકુમે રણછોડની સામે ખુરશી રાખીને બેઠા પછી જોરથી કહ્યું ‘હત્યા કંઇ રીતે અને શા માટે કરી એ બોલવા લાગ’ ધ્રુજી રહેલા રણછોડે પોતે જ મિત્ર ભરત ભરવાડ સાથે મળીને હત્યા કર્યાની કબૂલાત આપી. રણછોડની કબૂલાત મુજબ, પોતે લાખાજીરાજ રોડ ઉપર ચાનો થડો ધરાવતો હોવાથી સન્નીના પરિચયમાં હતો. સન્નીને સોનાના ઘરેણા પહેરવાનો ભારે શોખ હતો. તેના શરીર ઉપર હર હંમેશ દોઢ-બે લાખના ઘરેણા જોઇને દાનત બગડી હતી. સન્નીની વૈભવી લાઇફ સ્ટાઇલથી તે અંજાઇ ગયો હતો અને મોજશોખ કરવા માટે સન્ની પાસેથી કઇ રીતે પૈસા પડાવવા એની યોજના બનાવી રહ્યો હતો પરંતુ સન્ની એક ય જાળમાં ફસાતો ન હોવાથી તેની હત્યા કરી ઘરેણા લૂંટી લેવાનું કાવતરું ઘડ્યું હતું. આ કાવતરાને અંજામ આપવા મિત્ર ભરત ભરવાડને સાથે રાખ્યો હતો. ભરતને પણ પૈસાની જરુર હોવાથી તે ગુનામાં સામેલ થઇ ગયો.

દોરડાથી સન્નીને રણછોડે ફાંસો દઇ મારી નાંખ્યો હતો

યોજના મુજબ સન્ની હસ્તકની એક દુકાનના સોદાની વાત શરૂ કરી હતી. બનાવની રાતે પોતે સન્નીને ફોન કરીને સોદો નક્કી થઇ ગયો છે અને પાર્ટી પાસેથી પૈસા લેવા જવાનું છે તેમ કહીને તેને મળવા બોલાવ્યો હતો. સન્ની આવ્યા પછી તેને લઇને રામાપીર ચોકડીએ પહોંચ્યો. ત્યાંથી યોજના મુજબ ભરત ભરવાડ પણ એક્ટીવામાં બેસી ગયો. પોપટપરા, રેલનગર થઇ રોણકીનો રસ્તો પકડ્યો. રોણકીની મોરબી બાયપાસ સીંગલ પટ્ટી રોડ પર બાઇક લઇ ગયા ત્યારે સન્નીએ ‘આપણે પૈસા લેવા કંઇ જગ્યાએ જવાનું છે, આ કંઇ તરફ જઇ રહ્યા છીએ ’તેવા પ્રશ્નો શરૂ કર્યા. સન્નીને શંકા ગઇ છે અને તે ચેતી ગયો હતો અને રસ્તો નિર્જન હોવાથી અહીં જ કામ તમામ કરી નાખવાનું તેણે અને ભરતે આંખના ઇશારે નક્કી કરી બાઇક ઉભું રાખ્યું. નીચે ઉતરીને તેણે સન્ની સાથે ખોટો ઝઘડો શરૂ કર્યો હતો અને તક મળતા જ ધક્કો મારીને સન્નીને પછાડી દીધો. પટકાયેલો સન્ની ઉભો થાય એ પહેલાં ભરત તેની ઉપર ઉભો રહી ગયો અને રણછોડે દોરડું કાઢીને સન્નીને ફાંસો દઇને કચકચાવીને બન્ને છેડા ખેંચી રાખતા થોડીવાર તરફડીયા મારીને તે કાયમ માટે શાંત થઇ ગયો હતો.

પથ્થરના ઘા મારીને માથુ છુંદવાનો પ્રયાસ કર્યો

શ્વાસ થંભી ગયા હોવા છતાં રણછોડે પથ્થરના ઘા મારીને માથુ છુંદવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી સન્નીના શરીર પરથી સોનાનો ચેઇન, લક્કી અને બે મોબાઇલ તથા તેનું એક્ટિવા લૂંટીને ભાગી ગયા હતા. હત્યા કર્યા પછી ભરત પોતાના ઘરે ચાલ્યો ગયો અને પોતે ફરી વખત બીગ બજાર પાસે સ્ટેન્ડ પર પહોંચી કંઇ બન્યું જ ન હોય તેમ બેઠો રહ્યો હતો. ક્રાઇમ બ્રાંચ સમક્ષ ત્રણ દિવસ સુધી મોઢુ બંધ રાખવામાં સફળ થયેલો રણછોડ પોલીસમથકની તપાસમાં તૂટી ગયો હતો. રણછોડની કબૂલાત પછી પોલીસે તેના સાગરીત ભરતને પણ અટકાયતમાં લઇ લીધો હતો અને સન્નીના મૃતદેહ પરથી લૂંટી લેવાયેલા ઘરણા, સ્કૂટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નોંધનીય છે કે, આ કેસમાં ક્રાઇમ બ્રાંચે રણછોડની ત્રણ ત્રણ દિવસ પૂછપરછ કરી અને તેની ઉઠક બેઠકના સ્થળે હાજરી પણ ચકાસી હતી પરંતુ કોઇ પૂરાવા મળ્યા ન હતા. આમ છતાં પીઆઇ નકુમ, અનિલ સોનારા સહિતના સ્ટાફે બનાવની રાતે રણછોડની એક એક મીનીટનું લોકેશન મેળવવા અનેક રિક્ષાચાલક, લારી,ગલ્લાવાળાની પૂછપરછ કરી હતી. તમામે એ રાતે રણછોડ મોડે સુધી બીગ બજાર પાસે હોવાનું કહ્યું હતું. માત્ર એક રિક્ષા ચાલકે રણછોડ પોણો કલાક માટે ગરબા જોવા ગયો હોવાની માહિતીના કારણે આ લૂંટ,હત્યા કેસ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી અન્યથા આ કેસની ફાઇલ પણ વણઉકેલ ખૂનકેસની ફાઇલના ઢગલામાં ખોવાઇ ગઇ હોત. સન્નીને સોનાના ઘરેણા પહેરવાનો શોખ તેના મૃત્યુ માટે નિમિત્ત બન્યો હતો. હાલ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. આરોપીઓને હજી સુધી સજા પડી નથી.

X
Crime Story: Rajkot sunny rathod murder case part-3
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી