રાજકોટ સન્ની હત્યા ભાગ-2 / હત્યા કરાયેલી લાશ મળી, મૃતદેહ જોતાં પરિવારજનો પોક મૂકીને રડ્યા

Crime Story: Rajkot sunny rathod murder case part-2

  • હત્યા, લૂંટના રહસ્યનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચે પણ તપાસમાં ઝૂકાવ્યું હતું
  • ત્રણ દિવસ સુધી પોલીસે શંકમંદ યુવકની‘સરભરા’ કરી પણ કંઈ ન મળ્યું

Divyabhaskar.com

Aug 13, 2019, 12:06 AM IST

રાજકોટ: પોલીસે લાપત્તા સન્નીના પરિવારને જાણ કરીને સ્થળ પર બોલાવ્યા હતા. મૃતદેહ જોતાં પરિવારજનોએ પોક મૂકીને રડવાનું શરૂ કરતા મૃતદેહ સન્ની જીતેન્દ્રભાઇ રાઠોડનો હોવાનું સ્પષ્ટ થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પોલીસે રાઠોડ પરિવાર પાસેથી સન્ની અને તેના મિત્રો વિશે માહિતી મેળવવા પૂછપરછ શરૂ કરી હતી. મૃતકના ભાઇએ આગલી રાતે જમવા બેઠા ત્યારે કોઇ વ્યક્તિનો ફોન આવ્યા પછી સન્ની થોડીવારમાં આવું છું તેમ કહીને ગયો હોવાનું જણાવ્યું હતું. સાથો સાથ સન્ની હંમેશા સોનાના ચેન, વીંટી, લક્કી પહેરતો હતો એ દોઢેક લાખની કિંમતના ઘરેણા, મોબાઇલ અને તેનું એક્ટિવા સ્કૂટર ગાયબ છે. તેમ જણાવતા લૂંટના ઇરાદે હત્યા થયાની શંકા ઉભી થઇ હતી. હત્યા, લૂંટના રહસ્યનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચે પણ તપાસમાં ઝૂકાવ્યું હતું. પોલીસે મૃતકના મોબાઇલની કોલ ડિટેઇલ મંગાવી હતી, કોલ ડિટેઇલ આવી જતાં એ રાતે છેલ્લો ફોન રણછોડ વરુનો હોવાનું ખુલ્યું હતું. રણછોડ બીગ બજાર પાસે ઉઠક બેઠક ધરાવતો હતો અને છકડો રિક્ષામાં પાણીના ફેરા કરવા ઉપરાંત લાખાજીરાજ રોડ પર ચાનો થડો ધરાવતો હોવાથી સન્નીના સંપર્કમાં હતો.

ત્રણ દિવસ સુધી રણછોડની ઉંડી પૂછપરછ કરી હતી

ક્રાઇમ બ્રાંચે શંકાના દાયરામાં રહેલા રણછોડને અટકાયતમાં લઇ લીધો અને સન્નીની હત્યા શા માટે કરી? એવો સીધો જ પ્રશ્ન કરતા રણછોડ બે હાથ જોડીને બોલ્યો ‘સાહેબ, હું નાનો માણસ છું, દિવસ રાત મજૂરી કરીને પરિવારનો નિર્વાહ ચલાવું છું, હત્યાની વાત તો બાજુ પર રહી, મે કોઇને ક્યારેય ગાળ પણ નથી આપી’ તેમ કહીને કરગરવા લાગ્યો. પોલીસે બીજો પ્રશ્ન કર્યો, ’16 ઓક્ટોબરની રાતે તે સન્નીને ફોન શા માટે કર્યો હતો? ’ જવાબમાં રણછોડે એવો બચાવ કર્યો હતો કે સાહેબ, લાખાજીરાજ રોડ પર ઉપર સન્ની હસ્તક એક દુકાનના સોદાની વાત ચાલુ હતી, સોદો પતી જાય તેમ હોવાથી એ બાબતે વાતચીત કરવા ફોન કર્યો હતો. આ સિવાય તેનો બીજી કોઇ વાતની જાણ નથી. ક્રાઇમ બ્રાંચે સતત ત્રણ દિવસ સુધી રણછોડની ઉંડી પૂછપરછ કરી હતી પરંતુ રણછોડ પોતાના નિવેદનને વળગી રહેતા ઉકેલવાના આરે આવેલો હત્યાનો ભેદ વધુ ગુંચવાઇ ગયો.

ક્રાઇમ બ્રાંચ રણછોડનું મોઢુ ખોલાવવામાં નાકામ રહી હતી

પોલીસે અન્ય શકમંદોને પણ ઉઠાવીને અજ્ઞાત સ્થળે પૂછપરછ ચાલુ રાખી હતી. આ તરફ હત્યા,લૂંટની તપાસ ચલાવી રહેલા પીઆઇ નકુમે મહેનત ચાલુ રાખી હતી. તેમની તપાસમાં પણ રણછોડ જ શંકાના દાયરામાં આવતો હતો પરંતુ રણછોડ ક્રાઇમ બ્રાંચની હિરાસતમાં હોવાથી સ્ટાફને શકમંદ રણછોડની કુંડળી ભેગી કરવાનું કામ સોંપ્યું હતું. ત્રણ દિવસની પૂછપરછમાં ક્રાઇમ બ્રાંચ રણછોડનું મોઢુ ખોલાવવામાં નાકામ રહી હતી. રણછોડે પોતે એ રાતે બીગ બજાર પાસે પોતાના રીક્ષા સ્ટેન્ડ પર જ હોવાનું રટણ કર્યું અને પોલીસને તપાસમાં પણ તે મોડી રાત સુધી બીગ બજાર પાસે હાજર હોવાના પૂરાવા મળતા તેને આ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી શહેર છોડીને જવું નહીં તેવી કડક સૂચના આપીને ઘરે જવાની છૂટ આપી હતી. રણછોડને ક્રાઇમ બ્રાંચે જવા દીધો છે તેવી માહિતી મળતા પીઆઇ નકુમને ભેદ ઉકેલાવાની આશા ધુંધળી થઇ રહી હોય તેમ લાગ્યું.

‘સાહેબને કામ છે, જે કહેવું હોય એ સાહેબને કહેજે’

ક્રાઇમ બ્રાંચે ત્રણ દિવસ હિરાસતમાં રહેલા રણછોડની પૂછપરછમાં કંઇ કચાશ રાખી ન હોય એ સ્વભાવિક હતું. છતાં આ કેસમાં તપાસ અધિકારી તરીકે તેમણે રણછોડને એક વખત તપાસવો જ જોઇએ તેમ વિચારીને સ્ટાફને રણછોડને બોલાવવા સૂચના આપી. ત્રણ દિવસ સુધી પોલીસે કરેલી ‘સરભરા’ થી રણછોડના આખા શરીરમાં દુ:ખાવો થઇ રહ્યો હતો. બે દિવસ સુધી સતત આરામ જ કરવો છે તેમ વિચારીને ઘરે પહોંચેલા રણછોડને પોલીસની કડાકૂટમાંથી છૂટ્યાનો હાશકારો પણ હતો. જો કે તેની આ ખુશી ક્ષણિક નિવડી. તે જમવા બેઠો હતો ત્યાં હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ સોનારા, અનિલભાઇ સોનારાએ તેને પૂછપરછ માટે ઉઠાવી લીધો. રણછોડ આખા રસ્તે એક જ પ્રશ્ન પૂછતો રહ્યો કે મારો વાંક શું છે, મને આ કેસમાં કંઇ ખબર નથી, ક્રાઇમ બ્રાંચે ત્રણ ત્રણ દિવસ સુધી મારી પૂછપરછ કરી છે હવે શું કામ મને લઇ જાવ છો? જો કે પોલીસે માત્ર એટલો જ જવાબ આપ્યો ‘સાહેબને કામ છે, જે કહેવું હોય એ સાહેબને કહેજે’.

(આવતી કાલે રાજકોટ સન્ની હત્યા ભાગ-3માં વાંચો, વેપારી યુવક સોનાના દાગીના પહેરતો હોવાથી દાનત બગડતા હત્યાની કબૂલાત આપી)

X
Crime Story: Rajkot sunny rathod murder case part-2
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી