રાજકોટ સન્ની હત્યા ભાગ-1 / સાડી એન્ડ ડ્રેસીસના શો-રૂમનો માલિક ગુમ થયા બાદ લાશ મળી

Crime Story: Rajkot sunny rathod murder case part-1

  • મૃતક લાખાજીરાજ રોડ પર માધુરી સાડી એન્ડ ડ્રેસીસના નામથી શો-રૂમ ધરાવતો હતો
  • મૃતક સન્ની દોઢેક લાખના ઘરેણા પહેરતો હતો અને તેની વૈભવી લાઇફ જીવતો હતો

Divyabhaskar.com

Aug 12, 2019, 12:06 AM IST

રાજકોટ: નવરાત્રીની રાતે સન્ની રાઠોડ ઘરેથી થોડીવારમાં આવું છું તેમ કહીને ગયો હતો. કલાક પછી તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ થઇ જતાં પરિવારજનો અને સગર્ભા પત્ની ચિંતામાં મૂકાઇ ગયા હતા. શોધખોળના અંતે પોલીસમાં ગુમ થયાની નોંધ કરાવવામાં આવી હતી. બીજા દિવસે સવારે રોણકીથી મોરબી બાયપાસ રસ્તે નહેરમાંથી અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી. હત્યારાઓએ મૃતકની ઓળખ ન મળે એ માટે પથ્થરથી માથું છુંદી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ગુમ નોંધના શરૂ કરેલી તપાસમાં મૃતદેહ રૈયારોડ પર હરી પાર્કમાં રહેતા સન્ની જીતેન્દ્રભાઇ રાઠોડ (ઉ.વ.૨૫)નો હોવાની ઓળખ મળી હતી. હત્યારાઓએ ખૂન કર્યા પછી શરીર પરથી આશરે દોઢ લાખની કિંમતના ઘરેણા અને મોબાઇલ ફોન અને એક્ટીવા સ્કૂટર ગાયબ હોવાથી લૂંટના ઇરાદે હત્યા થયાની થિયરી પર તપાસ શરૂ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટેમોકલી અપાયો હતો.

થોડી વારમાં પાછો આવી જઇશ કહીને ગયો હતો

ઓક્ટોબર, 2016માં સન્ની રાઠોડ લાખાજીરાજ રોડ પર માધુરી સાડી એન્ડ ડ્રેસીસના નામથી શો-રૂમ ધરાવતો હતો. ઇશ્વરની કૃપાથી ધંધો સારો ચાલતો હતો. 10 મહિના પહેલાં જ સન્નીના લગ્ન થયા હતા અને પત્નીને સારા દિવસો જતા હોવાથી સન્ની રોજ રાતે દુકાન વધાવીને સીધો ઘરે પહોંચી જતો હતો. નવરાત્રીના પર્વમાં એક રાતે સન્ની ઘરે ગયા પછી હાથ-મોઢું ધોઇને જમવા બેઠો હતો ત્યારે તેના ફોનમાં કોઇનો ફોન આવ્યો, સન્નીએ ફોન રીસીવ કરીને ‘ભલે ભાઇ, જમીને થોડીવારમાં આવું એટલે મળીએ’ એટલી જ વાત કરીને ફોન કટ કરી નાખ્યો હતો. જમીને ઉભો થયેલો સન્ની બહાર જવા નિકળ્યો જતાં જતાં ‘થોડી વારમાં પાછો આવી જઇશ’ તેમ કહીને ગયો હતો ત્યારે કોઇને ક્યાં ખબર હતી કે સન્ની હવે ક્યારેય પાછો આવવાનો નથી. થોડીવારના બદલે અડધો કલાક, એક કલાક વીતી ગઇ, પત્નીએ મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા મોબાઇલ સ્વીચ ઓફ આવતો હોવાથી ચિંતા થવા લાગી. પરિવારના સભ્યોએ સન્નીની શોધખોળ શરૂ કરી. મિત્રો, પરીચિતો, સગાં-સંબંધીને ત્યાં તપાસ કરી પરંતુ સન્નીના સગડ ક્યાંય નહીં મળતા પોલીસમાં ગુમ નોંધ કરાવી હતી. રાતભર શોધખોળ પછી પણ કોઇ માહિતી નહીં મળતા પરિવારજનો કંઇક અજુગતું તો નહીં બન્યું હોય ને ? એવા ઉચાટમાં હતા.

માથા, મોઢા ઉપર પથ્થરના ઘા માર્યાના નિશાન હતા

બીજા દિવસે સવારથી પોલીસે સન્નીની શોધખોળના પ્રયાસ શરૂ કર્યા હતા. તે રાતે છેલ્લે કોની સાથે જોવા મળ્યો હતો એ દિશામાં તપાસ ચાલુ હતી ત્યાં રોણકીની મોરબી બાયપાસ જવાના રસ્તે અજાણ્યા યુવકની લાશ મળ્યાની માહિતી મળી હતી. લાશ મળી એ સ્થળ પ્રદ્યુમનનગર પોલીસ મથકની હદમાં હોવાથી પીઆઇ એમ.બી.નકુમ, મદદનીશ પ્રવિણભાઇ સોનારા, અનિલભાઇ સોનારા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. સ્થળ પર આશરે 25થી 28 વર્ષના ઉંમરના યુવકની હત્યા કરાયેલો મૃતદેહ પડ્યો હતો, માથા, મોઢા ઉપર પથ્થરના ઘા માર્યાના નિશાન હતા. પોલીસે મૃતકની ઓળખ મેળવવા ખિસ્સા પાકિટ જોવાનો પ્રયાસ કર્યો પરંતુ ઓળખ મળે તેવી કોઇ વસ્તુ નહીં મળતા શહેરમાંથી ગુમ હોય એવા વ્યક્તિઓની યાદી મંગાવવા કંટ્રોલમાં સંદેશો લખાવ્યો. કંટ્રોલ ઇન્ચાર્જે વાયરલેશ સેટ પરથી તમામ પોલીસ મથકમાં 25થી 28 વર્ષના ગુમ યુવકની યાદી અને ફોટા પ્રદ્યુમનનગર પોલીસને મોકલવા સૂચના આપી હતી. સંદેશો મળતા જ ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.ઓ.એ હરી પાર્કનો સન્ની રાઠોડ નામનો એક યુવક ગતરાતથી ગુમ હોવાની માહિતી અને તેના પરિવારના સંપર્ક માટે ફોન નંબર આપ્યા.

(આવતી કાલે રાજકોટ સન્ની હત્યા ભાગ-2માં વાંચો, હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો, લાશ જોઈ પરિવારનું આક્રંદ)

X
Crime Story: Rajkot sunny rathod murder case part-1
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી