તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકલી રહેતી વૃધ્ધાનું ગળું કાપી હત્યા કરી લૂંટ ચલાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં સિરિયલ કિલરે એક પછી એક 6 જેટલી હત્યાઓ અંજામ આપ્યો હતો
  • સિરિયલ કિલર પેરોલ પર જેલમાંથી બહાર આવીને વૃધ્ધાની હત્યા કરી ફરાર થયો

રાજકોટ: રૈયારોડ પર આમ્રપાલી ફાટક પાસે પંચરત્ન કોમ્પલેક્સના એપાર્ટમેન્ટમાં એકલા રહેતા વિમલેશકુમારી કૃષ્ણગોપાલ વાર્સન (ઉ.વ.78)ની તેમના જ ઘરમાંથી ગળુ કાપીને હત્યા કરાયેલી લાશ મળી. શરીર પરથી સોનાના તમામ ઘરેણા અને પર્સ ગાયબ હોવાથી પ્રથમ દ્રષ્ટિએ જ બનાવ લૂંટનો હોવાના તારણ સાથે પોલીસે તપાસ શરૂ કરી. આ રીતે ગળુ કાપીને હત્યા કરવાની ટેવ ધરાવતો સિરિયલ કિલર નિલય ઉર્ફે નિલેશ નવીનચંદ્ર મહેતા જેલમાં સજા ભોગવી રહ્યો હોવાથી કોઇ નવા અપરાધીનું કૃત્ય હોવાની શંકા હતી. પરંતુ સીસીટીવીના ફૂટેજ ચેક કરતા પોલીસ દંગ રહી ગઇ. એપાર્ટમેન્ટમાંથી ભાગી રહેલા શખ્સો પૈકી એક શખ્સ નિલય ઉર્ફે નિલેશ હતો. આવું કઇ રીતે બની શકે? નિલયે માત્ર 200-500 રૂપરડી માટે એક, બે નહીં પાંચ-પાંચ છ-છ નિર્દોષ વ્યક્તિની નિર્દયતાથી ગળુ કાપીને હત્યા કરી હતી. 

આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં

હળવદ નજીક ડ્રાઇવર, કલીનરની હત્યાના ગુનામાં સિરિયલ કિલર નિલયને આજીવન કેદની સજા થઈ હતી અને તેને પેરોલ કે જામીન મળી શકે તેવા કોઇ સંજોગો ન હતા. છતાં તે જેલની બહાર કઇ રીતે નિકળ્યો? પોલીસે આ પ્રશ્નનો જવાબ મેળવવાના બદલે નિલય વધુ કોઇ નિર્દોષની હત્યા કરે એ પહેલાં તેને ઝડપી લેવા દોડધામ શરૂ કરી દીધી. 

વૃદ્ધાનું ગળુ કાપી હત્યા કરી

19 માર્ચ 2013-પંચરત્ન કોમ્પલેક્સમાં વર્ષોથી એકલા રહેતાં વિમલેશકુમારી કૃષ્ણગોપાલ વાર્સન (ઉ.વ.78)ની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળે દોડી ગયા હતાં. મુખ્ય હોલમાં વૃધ્ધાની ગળુ કપાયેલી લાશ પડી હતી. હાથમાંથી સોનાની બંગડી બળજબરીથી કાઢવાના પ્રયાસમાં થયેલા ઉઝરડા સ્પષ્ટ દેખાતા હતા. પડોશીઓ પાસેથી માહિતી મેળવ્યા પછી જાગનાથ પ્લોટમાં રહેતા મૃતકના નજીકના સંબંધીને બોલાવી લેવાયા. વૃધ્ધાના હાથમાંથી સોનાની 4 બંગડી, સોનાનો ચેન અને રૂપિયા 600 રોકડા મળી અંદાજીત 60 હજારની માલમત્તાની લૂંટ થઇ હતી. ફ્લેટના દરવાના નકૂચા સલામત હોવાથી હત્યારાઓ દરવાજો તોડીને નહીં પરંતુ ખોલાવીને અંદર પ્રવેશ્યા હશે તેવું પોલીસનું અનુમાન હતું. 

પોલીસે પડોશીઓના નિવેદન લીધા

પડોશીઓના કહેવા મુજબ, વિમલેશકુમારી એકલા રહેતા હોવાથી વ્યક્તિને જોયા પછી જાણીતા હોય તો જ દરવાજો ખોલીને અંદર બોલાવતા હતા અન્યથા મુખ્ય દરવાજો ખોલીને સેફ્ટી ડોરની જાળીમાંથી વાતચીત કરતા અને કોઇ વસ્તુની લેવડ-દેવડ (કુરીયર, શાક-ભાજી,દૂધ) કરવા માટે સેફ્ટી ડોરમાં ખાસ બોક્સ બનાવ્યું છે. તેનો ઉપયોગ કરતા હતાં. પડોશીઓની માહિતી પરથી એટલું ચોક્કસ હતું કે હત્યારો જાણભેદુ છે અથવા તેની સાથે આવનાર વ્યક્તિને વિમલેશકુમારી ઓળખતા હશે અને એ પરિચિત વ્યક્તિને જોઇને દરવાજો ખોલ્યો હશે. 

લૂંટારૂઓએ ઓળખ છુપાવવા વૃદ્ધાની હત્યા કરી

પીઆઇ જાડેજા મનોમન લૂંટ-હત્યાને સાંકળતી કડીઓ જોડી રહ્યા હતા. જે પ્રકારે ગુનાને અંજામ અપાયો હતો એ જોતા લૂંટારા એકથી વધુ અને જાણભેદુ હોવાની પૂરી સંભાવના હતી. કારણકે વૃધ્ધા પ્રતિકાર કરે તો પણ લૂંટારા હત્યા કરવાના બદલે તેને બાંધીને કે અન્ય રીતે લૂંટને અંજામ આપી શક્યા હોત. પરંતુ લૂંટારાએ ઓળખ છુપાવવા વૃધ્ધાને પતાવી દીધા હશે. આ શક્યતા ચકાસવા દૂધવાળા, શાક-ભાજી દેવા આવતા ફેરીયા, ધોબી, આ એપાર્ટમેન્ટમાં ઘરકામ કરતી મહિલા, ઘરઘાટીની યાદી તૈયાર કરાવવાની તેમજ આ ઢબે હત્યા કરીને લૂંટ કરતા અપરાધીઓના લોકેશન ચેક કરવાની સૂચના આપીને પીઆઇ જાડેજાએ એપાર્ટમેન્ટની આસપાસના ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું. 

સીસીટીવી ફુટેજ ચેક કરતાં ભાંડો ફૂટ્યો

પોલીસે મોડી રાત સુધી સીસીટીવ ફૂટેજ જોયા હતા. એક ફૂટેજમાં ઉપરોક્ત એપાર્ટમેન્ટમાંથી એક યુવતી ઝડપની બહાર નિકળતા દેખાયા પછી એક પાતળાં બાંધાનો યુવક દોડતો દોડતો બહાર નિકળતો દેખાયો હતો. પોલીસે બન્નેના ચહેરા ઝૂમ કરીને જોતા યુવકનો જે ચહેરો સામે આવ્યો એ જોઇને પોલીસને પોતાની આંખ ઉપર ભરોસો બેસતો ન હતો. એ યુવક બીજો કોઇ નહીં પરંતુ અગાઉ મામૂલી રકમ માટે એક એક કરીને પાંચ વ્યક્તિના ગળા કાપીને ઘાતકી હત્યા કરનાર સિરિયલ કિલર નિલય મહેતા હતો! બીજી તરફ જે શંકાસ્પદ યુવતી એપાર્ટમેન્ટમાંથી બહાર નિકળતી દેખાઇ હતી એ યુવતીની ઓળખ મેળવવા પોલીસે એક ટીમને કામે લગાવી હતી. 

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ક્રાઇમ બ્રાંચની ટીમે ફૂટેઝમાંથી શકમંદ યુવતીના ફોટા કઢાવીને તેની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા. ફ્લેટ ધારકો, આસપાસમાં દુકાન ધરાવતા વેપારીઓ, લારી,ગલ્લાવાળાઓને ફોટા દેખાડ્યા હતા. એક વ્યક્તિએ ફોટો ધ્યાનથી જોયા પછી કહ્યું કે, સાહેબ, જેની હત્યા થઇ છે એ વિમલેશકુમારીના ઘરે અગાઉ એક મહિલા ઘરકામ કરવા આવતી હતી. એ મહિલા સાથે ક્યારેક ક્યારેક એક યુવતી પણ આવતી હતી અને આ ફોટો એ યુવતીનો હોય તેવું જણાય છે. જોકે આ ફોટો એ યુવતીનો જ છે તે ચોક્કસ કહી શકાય નહીં. વિમલેશકુમારીએ દરવાજો ખોલીને આંગુતકને ઘરમાં પ્રવેશ આપ્યો હોવાની શંકાને સમર્થન આપતી પહેલી કડી મળી. દરેક શંકાસ્પદ મુદ્દાને બારીકાઇથી તપાસવા જોઇએ તેવો આગ્રહ રાખતા પીઆઇ જાડેજાએ વિમેલશકુમારીના ઘરે અગાઉ કામ કરતી મહિલાનું નામ, સરનામુ મેળવવાની અન્ય એક ટીમને જવાબદારી સોંપી. 

(આવતી કાલે રાજકોટ સિરિયલ કિલર ભાગ-2માં વાંચો, વૃધ્ધાની હત્યા સમયે સિરિયલ કિલરની સાથે હાજર હોવાની પ્રેમિકાએ કબૂલાત કરી)

અન્ય સમાચારો પણ છે...