- અનુપ્રિયાના પિતા પોલીસ કોન્સ્ટેબલ છે
- અનુપ્રિયાએ પાઇલટ બનવા માટે તેણે એન્જિનિયરિંગ અધૂરું મૂકી દીધું હતું
- ઓરિસ્સાના મુખ્યમંત્રીએ તેને અભિનંદન પાઠવ્યા
Divyabhaskar.com
Sep 11, 2019, 05:08 PM ISTયૂથ ઝોન ડેસ્ક: ઓરિસ્સામાં આદિવાસી કોમની એક છોકરીએ નાનપણમાં પાઇલટ બનાવનું સપનું જોયું હતું, જે તેણે અનેક આકરા સમયમાંથી પસાર કરીને પૂરું કર્યું છે. ઓરિસ્સામાં 27 વર્ષની અનુપ્રિયા લાકડા આદિવાસી કોમની પ્રથમ મહિલા પાઇલટ બની છે.
સપના પૂરાં કરવા એન્જિનિયરિંગ છોડી દીધું
અનુપ્રિયાએ તેણે પોતાના સપના પૂરા કરવા માટે ભુવનેશ્વરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ અધવચ્ચે જ મૂકી દીધો હતો. તેણે એવિએશન સેક્ટરમાં જવાનું નક્કી કરી લીધું અને વર્ષ 2012માં ગવર્નમેન્ટ એવિએશન ટ્રેનિંગ સેન્ટરમાં એડમિશન લીધું. રાત-દિવસ એક કરીને તેણે પોતાનો સંપૂર્ણ ફોકસ માત્ર ભણવા પર જ રાખ્યો હતો.
'આખા જિલ્લાને મારી દીકરી પર ગર્વ છે'
અનુપ્રિયાનાં પિતા ઓરિસ્સા પોલીસમાં કોન્સ્ટેબલની ફરજ બજાવે છે અને તેમની માતા હાઉસ વાઈફ છે. તેની માતાએ 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. અનુપ્રિયાના પિતાએ કહ્યું કે, મારી દીકરીનો ગર્વ ખાલી મને જ નહીં પણ આખા જિલ્લાને છે. મલકાગિરિ કે તે જિલ્લાનું નામ પણ ઘણા લોકોને ખબર નથી તેવી જગ્યાએથી પાઇલટ બનીને તેણે આખા દેશને સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે માત્ર મારો પરિવાર જ નહીં પણ અમારો આખો જિલ્લો ખુશ છે. અનુપ્રિયાની સફળતા પાછળ તેની માતાનો પણ પૂરો સપોર્ટ છે.
'તેનો ભણવાનો ખર્ચો ઉપાડીએ તેવી પરિસ્થિતિ નહોતી'
માતા જીમજે જણાવ્યું કે, એવિએશન સેક્ટરમાં અભ્યાસ કરતી વખતે અનુપ્રિયાને જે જોઈએ તે આપવું અમારા માટે ઘણું અઘરું રહ્યું હતું. તેના ભણવાનો ખર્ચો ઉપાડવો અમારા માટે સહેલો નહોતો, પણ આજે અમને તેની મહેનત પર ગર્વ છે. તે સાચેમાં પાઇલટ બની ગઈ છે. હું દેશના અન્ય લોકોને પણ આજીજી કરું છું કે તમારી દીકરીને ભણાવો અને તેના સપના પૂરા કરો.
સીએમે અભિનંદન પાઠવ્યા
ટૂંક સમયમાં સુપ્રિયા પોતાની મહેનતને પગલે એક પ્રાઇવેટ એરલાઇન્સમાં કો-પાઇલટની સેવા આપવાની છે. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ અનુપ્રિયાને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા છે.