- હાતિમનો ત્રણ વર્ષ સુધી ભણવાનો અને રહેવાનો ખર્ચ ઓક્સફોર્ડ અને ચીનની યુનિવર્સિટી દ્વારા કરવામાં આવશે
- તે ઓક્સફોર્ડમાં ગરીબી અને અસમાનતા પર Ph.d કરશે
Divyabhaskar.com
Nov 29, 2019, 11:42 AM ISTયૂથ ઝોન ડેસ્ક: વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓક્સફોર્ડમાં ભણવાનું દરેક તેજસ્વી વિદ્યાર્થીનું સપનું હોય છે. જેના માટે ઓક્સફોર્ડ દ્વારા રોડ્સ સ્કોલશિપ વિશ્વભરના વિદ્યાર્થીઓને અપાય છે. ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી(જીએનએલયુ)માં સ્ટડી કરી રહેલા હાતિમ હુસૈન નામના વિદ્યાર્થીને રોડ્સ સ્કોલરશિપ મળી છે. આ સાથે તેને ચીનના શીંઘવા યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી શ્વાર્ઝમેન સ્કોરશિપ પણ મળી છે. હાતિમ હુસૈન પ્રથમ એવો ભારતીય વિદ્યાર્થી છે જેને આ પ્રકારે વિશ્વની બે પ્રતિષ્ઠિત સ્કોલરશિપ એકસાથે મળી છે.
હાતિમ હાલ સુપ્રિમકોર્ટના ન્યાયાધીશ સાથે કામ કરી રહ્યો છે
હાતિમ હાલમાં ભારતની સુપ્રિમકોર્ટના ન્યાયાધીશ ડૉ.ધનંજય ચંદ્રચુડ સાથે બે મહિનાની ઈન્ટર્નશિપ કરી રહ્યો છે. તે ઉપરાંત જુલાઈ 2019થી એક વર્ષ માટે ચીનમાં હાંગઝોઉ સ્થિત ઝેજીયાંગ યુનિવર્સિટીની એકેડેમી ઓફ ઈન્ટરનેટ ઓફ ફાઈનાન્સ ખાતે 'ક્રોસ રિજ્યોનલ સ્ટડી'ના પ્રોજેક્ટમાં એકેડમિક આસિસ્ટ તરીકે કામ કરી રહ્યો છે.
ઓક્સફોર્ડમાં ગરીબી અને અસમાનતા પર Ph.d કરશે
હાતિમે પોતાનો ફ્યૂચર પ્લાન શેર કરતા કહ્યું કે, 'હું ઓક્સફોર્ડમાં બેચરલ ઓફ સિવિલ લૉ અને ત્યાર બાદ પીએચ.ડી કરવું છે. હું સમાજમાં ગરીબી અને અસમાનતા દૂર કરવા માટે કેવા પ્રકારના રેગ્યુલેટરી મોડલ્સ વિકસાવી શકાય તેના ઉપર પીએચ.ડીમાં સંશોધન કરવા માગું છુ. હું પોતે એક સામાન્ય પરિવારમાંથી આવું છુ. તેથી આ વિષય મારા માટે ખૂબ મહત્ત્વનો છે. જેના પર આ સ્કોલરશિપની મદદથી કામ કરીશ.
આ બંને યુનિવર્સિટીમાં કેવી રીતે સ્ટડી કરશે?
ઓક્સફોર્ડ: યુનિવર્સિટી અને કોલેજની તમામ ફી, એરટ્રાવેલ સાથે વાર્ષિક સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. આ સામાન્ય રીતે બે વર્ષ માટે આપવામાં આવે છે. જે પર્ફોર્મન્સના આધારે ત્રણ વર્ષ સુધીનો સમયગાળો પણ થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે રોડ્સ એલ્યુમનાઈમાં યુ.એસના પૂર્વ પ્રેસિડેન્ટ અને ઓસ્ટ્રેલિયાના બે પૂર્વ વડાપ્રધાન સાથે નોબલ પ્રાઈઝ મેળવનાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
ચીન: શીંઘવા યુનિવર્સિટીમાં અભ્યાસ માટે શ્વાર્ઝમેન સ્કોલરશિપ ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રોડ્સ સ્કોરલશિપમાંથી પ્રેરણા લઈને બનાવી છે. વિશ્વના શ્રેષ્ઠ યુવાનોને એક પ્લેટફોર્મ લાવવાનો અને તે દ્વારા ચીન અને વિશ્વના અન્ય દેશો વચ્ચેની કડીઓને વધુ અસરકારક બનાવવાનો સ્કોલરશિપ ઉદેશ્ય છે. આ સ્કોલરશિપમાં વિશ્વના 200 સ્કોલરને ગ્લોબલ અફેરના માસ્ટર ડિગ્રી માટે મદદ કરે છે. આ વર્ષે 4700 એપ્લિકેશન આવી હતી.