તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Advocates Menaka Guruswamy, Arundhati Katju On Time’s 100 ‘most Influential’ People List

'કલમ 377'ને પડકારનારાં વકીલો અરુંધતી કાત્જુ અને મેનકા ગુરુસ્વામી 'ટાઈમ' મેગેઝીનના 100 પ્રભાવશાળી લોકોમાં સામેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરુંધતી કાત્જુ અને મેનકા ગુરુસ્વામી - Divya Bhaskar
અરુંધતી કાત્જુ અને મેનકા ગુરુસ્વામી
  • અરુંધતી કાત્જુ અને મેનકા ગુરુસ્વામીએ કલમ 377માં સમલૈંગિકતાને ગુનો ગણવા સામે કાયદાકીય લડાઈ લડી હતી
  • ટાઈમ મેગેઝીનના લિસ્ટમાં મુકેશ અંબાણી સહિત માત્ર ત્રણ જ ભારતીયો સામેલ
દિલ્હી: 'ટાઈમ' મેગેઝીને 2019 માટે વિશ્વના 100 સૌથી વધુ પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે, જેમાં ભારતના મુકેશ અંબાણીની સાથે વકીલો અરુંધતી કાત્જુ અને મેનકા ગુરુસ્વામી જેવી ત્રણ ભારતીય વ્યક્તિઓ સામેલ છે. અરુંધતી કાત્જુ અને મેનકા ગુરુસ્વામી સુપ્રીમ કોર્ટનાં વકીલ છે, જેમણે સેક્શન 377માં સમલૈંગિકતાને ડિક્રિમિનલાઈઝ કરવાના (ગુનાને પાત્ર ન ગણવાના) ઐતિહાસિક ચુકાદામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. સમલૈંગિક સંબંધોને ગેરકાનૂની ગણાવતી ઇન્ડિયન પીનલ કોડની 157 વર્ષ જૂની કલમ 377માં સુધારો કરવા માટે સુપ્રીમ કોર્ટનાં વકીલ મેનકા ગુરુસ્વામી અને અરુંધતી કાત્જુએ સુપ્રીમ કોર્ટમાં લડત લડી હતી. પ્રિયંકા ચોપરાએ ટાઈમ મેગેઝીનમાં આ બન્ને વકીલ માટે લખ્યું છે કે, અરુંધતી અને મેનકાએ દુનિયાની સૌથી મોટી ડેમોક્રેસીમાં LGBTQ કમ્યુનિટીના હક માટે એક વિશાળ પગલું ભર્યું છે. તેમની કાનૂની લડતને કારણે તેમણે સમાજને બતાવ્યું કે, એક સમાજ તરીકે આપણે સાથે મળીને કઈ રીતે પ્રોગ્રેસ કરી શકીએ છીએ.

1) કલમ 377 સામે કાનૂની લડત

2016માં કલમ 377માં સુધારો કરવા માટે 'નવજોત સિંહ જોહર vs યુનિયન ઓફ ઇન્ડિયા' નામનો કેસ ફાઈલ થયો હતો. અરુંધતી અને મેનકા નવજોત સિંહ જોહર વતી આ કેસ લડી રહ્યાં હતાં. 2018માં આ કેસનો ઐતિહાસિક ચુકાદો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રાની પેનલે આપ્યો હતો. આ કેસ દ્વારા તેમણે સમલૈંગિક સંબંધોને 'અનનેચરલ ઓફેન્સ' ગણાવતી કલમ 377માં સુધારો કરીને સંમતિથી બંધાતા સમલૈંગિક સંબંધોને માન્યતા આપી હતી. આ કેસમાં બન્ને વકીલ અરુંધતી કાત્જુ અને મેનકા ગુરુસ્વામીની તર્કબદ્ધ દલીલો અને પ્રોપર રિસર્ચને કારણે કોર્ટે કલમ 377માં સુધારાનો ઐતિહાસિક ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, 'હું જેવો છું એવો છું, મને હું જેવો છું તેવો જ સ્વીકારો.'

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાનાં સિનિયર એડવોકેટ મેનકા ગુરુસ્વામી 2007થી સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરી રહ્યાં છે. મેનકા ગુરુસ્વામીએ 1997માં બેંગ્લોરની નેશનલ લૉ સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીમાંથી BA. LLB (Hons.)ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ તેમણે 2000માં યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડમાંથી બેચલર ઓફ સિવિલ લૉ (BCL)ની ડિગ્રી મેળવી. મેનકા 'રોડ્સ સ્કોલર (Rhodes Scholar)' છે, આ સ્કોલરશિપ પ્રોગ્રામ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડમાં યોજાય છે. માસ્ટર ઓફ લૉ (LLM)ની ડિગ્રી તેમણે 2001માં હાર્વર્ડ લૉ સ્કૂલમાંથી મેળવી હતી. વર્ષ 2015માં યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડમાંથી તેમણે D.Phill (ડોક્ટરેટ ઓફ લૉ)ની ડિગ્રી હાંસલ કરી.

સપ્ટેમ્બર 2017માં રોડ્સ હાઉસમાં 'રોડ્સ વિમેન'નાં 40 વર્ષની ઉજવણીના ભાગરૂપે મેનકાના ચિત્રનું અનાવરણ થયું હતું. તાજેતરમાં ઈન્ટરનેશનલ વિમેન્સ ડે પર આ ચિત્રોનું એક પ્રદર્શન પણ યોજાયું હતું.

અરુંધતી કાત્જુ ભારતમાં અને ન્યૂ યોર્કમાં લૉની પ્રેક્ટિસ કરે છે. અરુંધતીએ 2005માં બેંગ્લોરની નેશનલ લૉ સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીમાંથી BA. LLB (Hons.)ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 2017માં તેમણે કોલમ્બિયા લૉ સ્કૂલમાંથી માસ્ટર ઓફ લૉ (LLM)ની ડિગ્રી મેળવી. ત્યાં તેઓ જેમ્સ કેન્ટ સ્કોલર છે અને તેમને પબ્લિક ઈન્ટરેસ્ટનું પણ સન્માન મળેલું છે. હાલ તેઓ કોલમ્બિયા લૉ સ્કૂલમાં જ JSD (Doctor of Juridical Science)નું ભણી રહ્યાં છે. અરુંધતીએ વર્ષ 2006થી 2011 સુધી જુનિયર કાઉન્સેલ તરીકે કામ કર્યું હતું. તેઓ દિલ્હીની નેશનલ લૉ યુનિવર્સિટીમાં તેઓ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ કામ કરી ચૂક્યાં છે. તેઓ દિલ્હી હાઈ કોર્ટની લીગલ સર્વિસ કમિટીમાં ક્રિમિનલ સાઈડના પેનલ લૉયર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યાં છે.

અમેરિકાના વિખ્યાત ન્યૂઝ મેગેઝીન 'ટાઈમ' દર વર્ષે વિશ્વનાં અલગ અલગ ક્ષેત્રોના 100 પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડે છે. આ વર્ષની યાદીમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા, અંગ્રેજી ગાયિકાઓ લેડી ગાગા અને ટેલર સ્વિફ્ટ, ઇન્ડિયન-અમેરિકન કોમેડિયન હસન મિન્હાજ સહિત 100 હસ્તીઓનાં નામ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...