તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્કઆઉટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી:ગર્ભાવસ્થા દરમિયાન કમરના દુખાવા અને મૂડ સ્વિંગ્સથી પરેશાન છો, તો આ યોગાસનોથી થશે ફાયદો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

યોગ અને કસરત કરવાના ઘણા ફાયદા છે, પણ ગર્ભાવસ્થાની વાત આવે ત્યારે ખાસ સાવધાની રાખવાની જરૂર હોય છે. ગર્ભવતી મહિલાઓ માટે યોગ અને કસરત ખૂબ ફાયદાકારક હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન શરીરની અંદર જે હોર્મોનલ ફેરફારો થાય છે તેટલા જ ફેરફારો બહાર પણ દેખાય છે. આ દરમિયાન મહિલાઓને પગમાં સોજા, પીઠમાં દુખાવો, વજન વધવું જેવી તકલીફોનો સામનો કરવો પડે છે.

જો થોડીઘણી કસરત અને યોગ કરવામાં આવે તો આ મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. આવો, જાણીએ યોગનિષ્ણાત કપિલદેવ કેસરી પાસેથી, ગર્ભાવસ્થા દરમિયાન કયા કયા યોગથી ફાયદો થાયઃ

તાડાસન

આ આસન કરવા માટે સીધા ઊભા રહી જાઓ. શરીરને સ્થિર કરો અને શરીરનું વજન બંને પગ પર સરખા ભાગે વહેંચી દો. તમારી ગરદન અને કમર ટટ્ટાર રાખો. હવે બંને હાથને આગળની તરફ લઈ જઈને માથા ઉપર લાવો ને શ્વાસ લેતાં ધીરે ધીરે આખા શરીરને ખેંચો. તમે પગની આંગળીથી લઈને હાથની આંગળીઓ સુધી આ ખેંચાણ અનુભવશો. થોડો સમય આ રીતે રહો. પછી ધીમે ધીમે શ્વાસ છોડતાં શરૂઆતની સ્થિતિમાં આવી જાઓ.

ફાયદોઃ આ આસનથી કરોડરજ્જુ મજૂબત થવા સાથે પીઠના દુખાવામાં પણ રાહત મળે છે.

ત્રિકોણાસનઃ સૌથી પહેલા એક યોગા મેટ પર ઊભા થઈ જાઓ. બંને પગને પહોળા કરો ને જમણા પગના પંજાને હળવેથી બહારની તરફ કાઢો. હવે ડાબા હાથની હથેળીને જમીન પર રાખો અને બીજા હાથને ઉપરની તરફ ઊંચો કરો. ગરદનને ઉપર તરફના હાથ તરફ ઘુમાવીને સ્થિર કરો. અમુક સેકન્ડ આ સ્થિતિમાં જ રહો અને સામાન્ય શ્વાસ લેતા રહો. પછી ધીમે ધીમે શ્વાસ છોડો અને સામાન્ય સ્થિતિમાં આવી જાઓ. બીજી બાજુ પણ આ જ પ્રક્રિયા ફરી કરો.

ફાયદોઃ ગર્ભાવસ્થામાં ત્રિકોણાસન કરવાથી પ્રસૂતિ સમયે પીડા ઓછી થાય છે. આ આસનથી હાથ, પગ, નિતંબ, કરોડરજ્જુ અને છાતી મજબૂત બને છે. આ આસન ગર્ભવતી મહિલાઓમાં તણાવ ઘટવામાં પણ મદદ કરે છે.

ઉત્કટાસનઃ

આ આસન કરવા માટે જમીન પર સીધા ઊભા રહો અને પગ વચ્ચે થોડું અંતર રાખો. બંને હાથને આગળની તરફ ફેલાવો, હથેળીઓને જમીન તરફ ખુલ્લી રાખો. કોણીએથી હાથ સીધા રહે એનું ધ્યાન રાખો. હવે ઘૂંટણોને સહેજ વાળો અને પેલ્વિકને નીચેની તરફ દબાવો. તમે જાણે ખુરશી પર બેઠા હો એવી સ્થિતિમાં હશો. તમારું વજન વધારે હોય તો દીવાલની મદદ લઈને પણ આ આસન કરી શકાય છે.

ફાયદાઃ આ આસન કરવાથી નિતંબ, કરોડરજ્જુ અને છાતીના સ્નાયુઓ સારી રીતે ખેંચાશે અને પગ, ઘૂંટણના સ્નાયુઓ, પગની એડી અને જાંઘના સ્નાયુઓ મજબૂત બનશે. સાંધાનો દુખાવો અને કમરના દુખાવો ઘટવામાં મદદ કરે છે.

પર્વતાસન (અધોમુખ શ્વાનાસન)

હાથ અને પગને વાળીને એના પર આવી જાઓ. શરીરને ટેબલ જેવી સ્થિતિમાં લાવી દો. તમારી પીઠ ટેબલનો ઉપરનો ભાગ હોય અને બંને હાથ જાણે ટેબલના પાયા. શ્વાસ લેતાં કમરને ઉપર ઉઠાવો. ઘૂંટણ અને કોણીને મજબૂત રાખીને ટટ્ટાર કરો અને શરીરથી ઊંધા ‘વી’નો આકાર બનાવો. લાંબો ઊંડો શ્વાસ લો, અધોમુખ શ્વાનની સ્થિતિમાં જ રહો. તમારી નજર ડૂંટી પર સ્થિર રાખો. શ્વાસ છોડતાં ઘૂંટણને વાળો અને ફરી ટેબલ જેવી સ્થિતિમાં આવી જાઓ અને આરામ કરો.

ફાયદોઃ આ આસન કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે અને પ્રસૂતિ પછી વજન પણ બહુ વધતું નથી. લોહીનું પરિભ્રમણ સારું બને છે અને મૂડ સ્વિંગ્સમાં પણ ફાયદારૂપ છે.

બદ્ધકોણાસનઃ બંને પગને આગળની બાજુ ફેલાવીને બેસો. હવે બંને ઘૂંટણોને વાળીને પગ પાસે લાવો અને બંને પગનાં તળિયાં એકબીજાં સાથે મેળવો. બંને હાથની આંગળીઓને એકબીજામાં ભરાવી દો, પગની આંગળીઓને બંને હાથની પકડમાં લો અને કરોડરજ્જુ ટટ્ટાર રાખો. જેમ પતંગિયા આસનમાં બેસીએ છીએ એ રીતે. હાથને સીધા કરો અને પગને વધુ ને વધુ પોતાની પાસે લાવવાનો પ્રયત્ન કરો, જેથી આખું શરીર ખેંચાય. ઊંડો શ્વાસ લો અને શ્વાસ છોડતાં જઈને ધીમે ધીમે કમરથી આગળની તરફ એવી રીતે ઝૂકો જેથી કરોડરજ્જુ અને પીઠના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય.

ફાયદોઃ આ આસન કરવાથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરવામાં મદદ મળે છે. જાંઘ અને નિતંબ ફ્લેક્સિબલ બને છે. એ સાથે સામાન્ય પ્રસૂતિ થવા માટે પેલ્વિકને ખુલ્લું કરવામાં મદદ કરે છે.

નોંધઃ ગર્ભાવસ્થા દરમિયાન કંઈપણ અપનાવતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂર લો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો