તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમૃતા પ્રીતમનાં અમર સ્ત્રીપાત્રો:અમૃતા પ્રીતમ આઝાદ મિજાજ લેખિકા હતાં, જેમને એ વખતનાં સમાજ કે સાહિત્યજગત કોઈ સહજતાથી સ્વીકારી શક્યાં નહોતાં

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લેખિકા તરીકે અમૃતાને બહુ વિરોધનો સામનો કરવો પડ્યો હતો

કેટલીક વ્યક્તિઓનું જીવન એવું હોય છે જે બીજા માટે પ્રેરણારૂપ બની જાય છે. તેમના જીવવાનો અંદાજ બીજા માટે ઉદાહરણરૂપ બની જાય છે. અમૃતા પ્રીતમ એવાં જ એક લેખિકા હતાં, તેઓ માત્ર પોતાના સાહિત્યને કારણે નહિ, પણ જીવન જીવવાના અંદાજના કારણે પણ આગવા બની રહ્યાં હતાં. અમૃતા તેમના સમયથી આગળનું વિચારનારી લેખિકા હતાં. તેમણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે "મારી બધી જ રચનાઓ, કવિતા હોય, વાર્તા હોય કે નવલકથા, હું જાણું છું કે નાજાયજ સંતાનો જેવાં છે. એક લાવારીસ બાળકની હોય તેવી તેમની કિસ્મત છે. આખી જિંદગી તેમણે પોતાના માથે સાહિત્યિક સમાજનો બોજ ઉપાડીને ફરવાનો છે."

અમૃતાના ઉન્મુક્ત વ્યક્તિત્વને એ વખતનાં સમાજ કે સાહિત્યજગત પચાવી શક્યાં નહોતાં, પરંતુ તેમણે ક્યારેય પોતાને બદલવાની કોશિશ ના કરી કે પોતાની કલમને કાબૂમાં રાખવાનો પ્રયાસ ના કર્યો. કદાચ તેથી જ અમૃતા પ્રીતમની ઓળખ બની છે. માતાના મૃત્યુ બાદ તેમના પિતામાં વૈરાગ્ય ભાવ પેદા થયો હતો, પણ અમૃતાને કારણે સંસારનો મોહ છોડી શકતા નહોતા. એને કારણે અમૃતા ક્યારેક રડી પડતાં કે પિતા તેમને ખરેખર સ્વીકારે છે કે નહીં. તેમને પોતાનું અસ્તિત્વ ક્યારેય પ્રિયકર, ક્યારેક ખારું લાગતું હતું. એક કાલ્પનિક પ્રેમી રાજનના નામથી તેમની વાર્તાઓ શરૂ થઈ અને સાહિર સાથેના સંબંધો સુધી આગળ વધી હતી. અમૃતાનું મન એક પક્ષી જેવું હતું જે ખુલ્લા આસમાનમાં ઊડવા માગતું હતું, સ્વચ્છંદ થઈને વિહરવા માગતું હતું, પરંતુ એક તીવ્ર દર્દ તેમની સાથે ઊડ્યા કરતું હતું. આ પીડા તેમની કવિતાઓમાં વ્યક્ત થતી રહી છે.

સ્ત્રીઓ ઘૂંઘટ છોડીને બહાર નીકળવાનું વિચારી પણ નહોતી શકતી, એવા સમયે તેમણે સ્ત્રી સામર્થ્ય સાથે પોતાનું જીવન વિતાવ્યું. તેમણે પોતાનું જીવન નહિ, પોતાના સાહિત્યનાં સ્રી પાત્રોનું નિરૂપણ પણ બહુ સશક્ત રીતે કર્યું. માત્ર તે સમયે નહિ, આજે પણ આ પાત્રો એક મિસાલ બની શકે તેવા છે. ઊર્મિ, 36 ચક્રની અલકા, શાહજીની કંજરી કે પિંજરની પૂરો આ બધા પાત્રો અનોખાં બન્યાં છે.

તેમનાં સ્ત્રીપાત્રો નવી ઊંચાઈએ પહોંચ્યાં હતાં, જે પોતાને સંપૂર્ણ માનતી હતી પણ સાથે પુરુષથી પોતાને મહાન ગણાવામાં પડવા માગતી નહોતી. આ સ્ત્રીપાત્રોને પુરુષો સામે કોઈ દુશ્મની કે સ્પર્ધા પણ નથી, એ પોતાનામાં જ સંપૂર્ણ છે.

અમૃતા પ્રીતમનું નામ દંતકથા સમું બની ગયું હતું અને ભાગલા પછી તેમના અને ઇમરોજના સંબંધો પણ યાદગાર કથા બની ગયા. તેમનું મૂળ નામ ઇન્દ્રજિત હતું અને તેમનો અને અમૃતાનો સંબંધ "નજ્મ અને ઇમેજ"નો સંબંધ હતો. અમૃતાની કવિતાઓ કોઈ ચિત્ર જેવી હોય છે, ભલે તે ખુશી અને પ્રેમની હોય કે દર્દભરી હોય. તેમની કવિતા અને ઇમરોજનાં ચિત્રો જાણે એકમેક માટે સર્જાયાં હતાં.

સમાજની પરવા કર્યા વિના અમૃતાએ પોતાનું જીવન વિતાવ્યું. એકલ બનીને પોતાના પંથે તે વિહરી શકે તેવી હતી. તેમણે પોતાની ધારદાર કલમ વડે તે વખતની અનેક સામાજિક ધારાઓને નવી દિશા આપી હતી.

તેમના લેખનની મુખ્ય વિશેષતા એ હતી કે તેમાં સ્ત્રીના મન, તેમના દર્દ અને તેમની ભાવનાઓને ભરપુર અભિવ્યક્તિ મળી હતી. નારીવાદના જેટલા પણ પાસા હોય તે બધા તેમની રચનાઓમાં જોવા મળ્યા હતા. આ સ્ત્રીપાત્રો અબળા તરીકે નહિ, સશક્ત નારી તરીકે દેખાય છે, જે પરિસ્થિતિ સામે હારી જતી નથી. પોતાનું અને બીજાનું જીવન પણ સુધારે છે. આ જ અસલી નારીવાદ છે, જે અમૃતાની નાયિકાઓ સ્વયંમાં સાર્થક કરી દેખાડે છે.

લેખિકા તરીકે અમૃતાએ બહુ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સ્પષ્ટ અને નિષ્કપટ લખાણોને કારણે અને તેમની બિનધાસ્ત જીવનશૈલીને કારણે પણ ટીકાનો મારો સહેવો પડ્યો. પરંતુ તેમણે ક્યારેય ટીકાકારોની કે વિરોધીઓની પરવા કરી નહીં. પતિથી અલગ થતાં તેમણે સચ્ચાઇનો સામનો કરવો પડશે અને સમાજના તિરસ્કારની પરવા કર્યા વિના પોતપોતાના માર્ગે આગળ વધવું પડશે તે વાત પતિને સારી રીતે સમજાવી હતી.

તેમનું માનવું હતું કે વાસ્તવિકતા સ્વીકારવા માટે માણસમાં સાહસ અને મનોબળ હોવું જોઈએ એમ તેઓ માનતા હતા. એક હિન્દી લેખકે અમૃતા પ્રીતમને પૂછ્યું હતું કે "તમારા પુસ્તકની બધી નાયિકાઓ જો સત્યની ખોજમાં નીકળી પડશે તો શું સામાજિક અનર્થ નહીં થઈ જાય?" અમૃતાએ બહુ શાંતિ સાથે જવાબ આપ્યો હતો કે "ખોટાં સામાજિક મૂલ્યોને કારણે કેટલાંક ઘરો તૂટતાં હોય તો સચ્ચાઈની વેદી પર કેટલાંક ઘરોનું બલિદાન થઈ જવા દેવું જોઈએ."

અમૃતા રોકકળ કરનારી નથી. સામાન્ય સ્ત્રીની જેમ રુસણાં લેવા, ફરિયાદો કરતી નથી. પ્રેમમાં તે ખુદ્દારીની વાતને જોડે છે. જિંદગીના સુમસાન સમયગાળાને અને ઉદાસ દિવસોને તે એકાકીપણા સાથે ચૂપચાપ વીતાવી દે છે. કદાચ એ જ કારણે શિક્ષિત યુવતીઓની એક પેઢી અમૃતાના પગલે ચાલવા અને તેમની જેમ બિનધાસ્ત જીવવા માટે તૈયાર થતી રહી. મુક્ત વિચારોમાં માનનારી યુવતીઓ માટે અમૃતા એક રૉલ મૉડલ બની રહ્યા. માત્ર તેમના જ ક્ષેત્ર કે ભાષાની નહિ, સર્વત્ર તેનું અનુસરણ કરનારી યુવતીઓ હતી. ભાષાની હદોને પાર કરીને પોતાના શબ્દોને પાંખો આપીને તેને ખુલ્લા આકાશમાં ઉડાડ્યા અને તેના કારણે જ અમૃતા પ્રીતમ માટે ખાસ આકર્ષણ રહ્યું છે.

તેમની આત્મકથા ‘રસીદી ટિકિટ’ વિશે લેખિકા પદ્મા કહે છે, 'અમૃતાજીને પોતાના લખાણો દ્વારા એ નારીઓને માર્ગ દેખાડ્યો, જે ત્યાં સુધી બંધ દરવાજા પાછળ સોસવાયા કરતી હતી.'

કદાચ તેના કારણે જ તેમની નવલકથાઓમાં એવાં સ્ત્રી-પુરુષોના સંબંધોની કથાઓ હતી, જે મનુષ્યને મનુષ્ય સાથેના અને પછી એક દેશના બીજા દેશ સાથેના સંબંધો સુધી પહોંચાડે. એવા સંબંધો જે હજીય ગૂંચવાયેલા છે, કેમ કે બંને અધૂરા છે અને એક બીજાને સમજી શકતા નથી. તેઓ માનતા હતા કે આપણે જવાની અને ખૂબસુરતીના કારણે આપણે કેટલાં સુખોને પ્રેમનું નામ આપી દેતા હોઈએ છીએ, પરંતુ મહોબ્બત માત્ર પૂર્ણ નારી અને પૂર્ણ પુરુષ વચ્ચે જ થઈ શકે. પૂર્ણ નારી એટલે શું તેનો સુંદર જવાબ તેમણે આપેલો, “એ નારી જે આર્થિક રીતે, લાગણીની રીતે અને વિચારોની રીતે સ્વતંત્ર હોય. આઝાદી ક્યારેય કોઈ પાસે માગી શકાય નહીં કે છીનવી શકાય નહીં. તે પહેરી શકાતી નથી, તે વજૂદની માટીમાં ઊગી નીકળે છે.”

પોતાની શરતે જીવવા માગતી અમારા જેવી લેખિકાઓને અમૃતા પ્રીતમ હંમેશા પ્રેરણા આપતી રહી છે. તેઓ એ શક્તિ અને સાહસનું ઉદાહરણ છે, જે આજે પણ તેમના સાહિત્ય મારફત સ્ત્રીઓને જીવવાની નવી દિશા દેખાડે છે.

અન્ય સમાચારો પણ છે...