તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અસલ દેવુભાભીની જેમ જ સાદ લંબાવતાં દિશા બોલી,’ એ.. ..એમ વાત નથી!’
દિશા જોડે નિલેશના લગ્ન પહેલાં દેવુભાભી મારી પાસે સ્કૂલે આવેલા, પણ તે દિવસે વાર્ષિક નિરીક્ષણ હોવાથી હું વ્યસ્ત હતો. મને ઊભાઊભ કહે ,’ મારે તમને એક વાત કરવી છે, પણ પછી વાત...!’ ને નીકળતાં નીકળતાં તેઓ નિરીક્ષકને કહેતા ગયા, ‘ મારી છોકરી દસમા ધોરણમાં ટકા લઇ આવી એ આ સા’બના પ્રતાપે.’ નિરીક્ષણ પૂરું થયા પછી મેં જોયું તો મારી સર્વિસ બુકમાં ઉત્તમ રિમાર્ક હતી, એટલે આભાર માનવાય મારે દેવુભાભીને મળવું તો હતું.
પણ હમણાં હમણાંથી હું દેવુભાભીને જોતો ન હતો, નહીંતર નિશાળે આવતા-જતા મને સામા મળે ને હેતથી વાતો શરૂ કરી દે, ‘તમારા ભાઇએ તો પોપટ પાળ્યો છે?’ હું કહું ,’ એને એવો શોખ ક્યારથી જાગ્યો?’ ત્યારે એના પોતીકા લહેકામાં એ બોલે, એ.. ..એમ વાત નથી!’ ઇ તો કાંટો વાગતા એની આંગળી પાકી છે. ખબર કાઢવા તો આવો!’ હું કહું ‘હા, આવીશ’ એટલે તરત એ કહે, ‘ખાવ મારા સમ!....’
આ ગામમાં સૌથી પહેલી ઓળખાણ ને મિત્રતા મારે રસિકભાઇ જોડે થયેલી. ગામમાં તેઓ ગ્રેજ્યુએટ થયેલા ને વિકાસલક્ષી અભિગમના એટલે મને તેમના પ્રત્યે માન!
રસિકભાઇ મને પહેલોવહેલો તેમના ઘેર લઇ ગયેલા ત્યારે મેં વિવેક કરતાં પૂછેલું,’ કેમ છો દેવુબેન!’
એ બોલેલા, ‘ મારે તમારી જોડે નથી બોલવું!’
રસિકભાઇ કહે ,’ કેમ એ આટલા દિવસ સુધી ઘેર ન આવ્યા એટલે?’
‘ એ... ...એમ વાત નથી! ઇ તો સ્કૂલમાં કામ હોય તો નોય આવી શકે!’
‘ તો ચોખવટ તો કર!’
‘ તમારી હારે ચોખવટ નથી કરવી. મને એની હારે ચોખવટ કરવા દો! ‘ પછી મારી સામે જોઇને કહે, ‘ લ્લે .... હું તમારી બેન થાઉં?! આપણે બેય એક ગામના છીએ હે?! એ... હું તમારી ભાભી થાઉં..... ભાભી!’ રસિકભાઇ હસી પડેલા, ‘ જોઇને તમારી ભાભી?!’
હમણા શહેરમાં જવા હું બસ સ્ટેશને ઊભો હતો. બસની તૈયારી હતી. ત્યાં દૂરથી ટેક્ટરમાં વાડીએ જતા તેઓ મને જોઇ જતા, બૂમો પાડતા સાદ દેવા લાગેલા,’ ભાઇ!.... વાડીએ આવજો! મારે કામ છે. ઘેર નહીં હો... વાડીએ.... સમજાણું!’
‘એ હા...’ મેં હાથ હલાવતાં મોટેથી કહ્યું.
પાસે આવ્યા હોત તો ચોક્કસ કહેત ‘આવશો ને? ખાવ મારા સમ!’
બસમાં મને વિચાર આવતો હતો,’ દેવુભાભી મને ઘરને બદલે વાડીએ આવવાનું કેમ કહે છે? મેં બને તેટલા વહેલા તેમની વાડીએ જઇ આવવાનો મનોમન નિર્ણય કર્યો.
શહેરમાંથી આવીને બીજે દિવસે જ હું વાડીએ ગયો. ‘ઓહો! કાંઇ ઘણા દિવસે ભૂલા પડ્યા! ‘ કહેતાં દેવુભાભી સામે આવ્યાં. રસિકભાઇ પણ ત્યાં હતા. મારા આશ્ચર્ય વચ્ચે તેઓ ઘણુંખરું વાડીએ રહેવા આવી ગયા હતા. મેં તેનું કારણ પૂછ્યું તો દેવુભાભી કહે, ‘આપણે નિલેશની સગાઇ કરી છે ને એ દિશા બહુ ભણેલી ને ફોરવર્ડ છે. ઇ ગામડામાં રહેવા તો તૈયાર થઇ છે પણ કહે છે કે મારે સેપરેટ રહેવા જોઇએ. એટલે અમો વાડીયે રહેવા આવ્યા છીએ. હું તમારા ભાઇને અહીં રહેવા સમજાવું છું પણ એ ગામમાં જાવું જાવું કરે છે.
મેં કહ્યું કે, ‘એ વાત બરોબર નથી. નિલેશે એની મંગેતરને સમજાવવી જોઇએ.’
દેવુભાભી એ જ લહેકામાં વાત કરતાં કહે, ‘ એ ... એમ વાત નથી! ઇ તો નવા પરણેલા છોકરા ભલે ને છૂટથી રહે’
‘તો શું વાત છે?’
‘નિલેશ અને તમારા ભાઇનું કહેવાનું એમ છે કે આપણા ઘરની બાજુમાં વાડો છે ત્યાં છ- સાત મોટાં ઝાડ છે એ કાપી નાખીએ અને ત્યાં બીજા બે રૂમ લઇ લઇએ! પણ મારી ચોખ્ખી ના છે. મરી જાઉં તોય એક પણ ઝાડ કાપવા નો દઉં. મે તમારા ભાઇને કહી દીધું છે કે તમારે ઝાડ કાપવાની છૂટ પણ પહેલો કુહાડો મારા ઉપર મારવાનો! એમાં પેલી આંબલી અને સપ્તપર્ણીતો મારી બહેનપણીયું છે. ને આમેય ભાઇ મોટી ખેતી એટલે હડિયાપટ્ટી રહે છે. ઇ તો ઠીક છે પણ આ કુદરતને ખોળે રહેવાનો મોકો મળ્યો છે તો શું કામ નો રહેવું!’
મને દેવુભાભીએ ઝાડ કરતાંય લીલો કરી દીધો. મેં કહ્યું,’ રસિકભાઇ! તેમનો જીવ અહીં રહેવામાં ઠરે છે તો રહોને! કુદરતના સાંનિધ્યમાં રહેવાય એ તો બહું મોટી વાત છે.’
રસિકભાઇ કહે, ‘ ભલે’
દેવુભાભી રાજીના રેડ થઇ ગયા. મને કહે , ‘ ભાઇ! એટલે જ તમને બોલાવતી હતી!. મને સો ટકા વિશ્વાસ હતો કે આ તમારું માનશે!’
નિલેશના લગન વેળા હું જાનમાંય જઇ આવ્યો. સામેવાળા સગા ખરેખર સારે ખાતે હતા.
એક દિવસ દેવું ભાભી એની પુત્રવધૂ દિશાને લઇને સ્કૂલે મારી પાસે આવ્યા! મેં દિશાને જોઇ. ખરેખર કેળવાયેલી અને ફોરવર્ડ હતી. શ્વેત પાયજામા ઉપર રેશમનું આછું ગ્રે કલરનું ટોપ અને તેનાથીય આછી ઓઢણી તેના વ્યક્તિત્વને વધારે નિખારતા હતા. મેં તેઓને બેસવા કહ્યું.
‘નમસ્તે.. ગુડ મોર્નિંગ ... સર!’ કહેતા એ નમી ને પછી મારી સામે દેવુભાભીની સાથે ગોઠવાઈ.
દેવુભાભી તો પ્રસન્ન પ્રસન્ન. મને કહે , ‘ અમે તો તમને મળવા ઘેર આવતા હતા તો રસ્તામાં હિંમત મળ્યો તો કહે કે,’ તમો તો સ્કૂલે છો! તે પછી અહીં જ આવ્યા. તે તમે રવિવારેય સ્કૂલે રહો છો?’
મેં કહ્યું,’ હા ભાભી! હમણા વાર્ષિક ફંક્શન કરવાનું છે તે થોડું કામ રહે છે!’ પછી હું દિશાને સંબોધીને બોલ્યો, ‘ દિશાજી! તમે દેવુભાભીને લઇને કાર્યક્રમમાં આવજો.’
દિશા બોલી, ‘ સર! નોટ દિશાજી! ઓનલી સે દિશા! આઇ એમ ઇમ્પ્રેસ્ડ બાય યોર યુનિવર્સલ એજ્યુકેશન. તમે આટલા એજ્યુકેટેડ પરસન હોવા છતા શહેરમાં રહેવાને બદલે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો અને ગ્રામ્ય બાળકોના વિકાસ માટે આટલી જહેમત કરો છો, ઇટ્સ વેરી ટચિંગ! તમને આ ગામમાં ખૂબ ગમતું લાગે છે.’
મેં કહ્યું, ‘ આ ગામ ક્યાં છે? આ તો ધામ છે અહીં દેવુભાભી છે ને!’
‘ એબ્સ્યોલુટલી રાઇટ’ અને પછી દેવુભાભી સામે જોઇને કહે, ‘ યુ આર સો ગ્રેટ મિસિસ દેવુ આર ગેલાણી!’
દેવુભાભી નાચી ઊઠતાં કહે, ‘ જોયું ભાઇ! કેવું ઇગ્લીશ બોલે છે! મને ફટ દઇને અમેરિકા સગા હારે વાત કરાવી દે!’
હું ખરેખર પ્રસન્ન થઇ ગયો. હું બોલ્યો, ‘ પુરુષાર્થ તો સંપત્તિ લાવે છે પણ સ્નેહ તો બધું જ લાવે છે.’
દિશા પણ દૂરથી જોઇ જાય તો બૂમ પાડ્યા વગર ન રહે,’હાય સર! હાય અંકલ!’ જાણે દેવુભાભી ગામમાં જ રહેતા હોય તેવું લાગે.’
એકવાર શહેરમાં તેના પપ્પા ભેગા થઇ ગયેલા. દીકરીના ખબર અંતર પૂછવાને બદલે વેવાણના ખબરઅંતર પૂછતાં કહે ‘ તમારાં દેવુભાભી શું કરે છે!’
મેં કહ્યું, ‘ મજા ...!’
તો મને કહે, ‘ એ મારી દીકરીને એવા તે શું મેવા ને પકવાન જમાડે છે કે એ પિયર આવવાનું નામ નથી લેતી! સાતમ-આઠમ ઉપરેય ફોન આવ્યો કે મારે તહેવાર અહીં જ કરવા છે! વેવાણના મૂલ ન થાય!’
રવિવારે સ્કૂલમાં મેડિકલ કેમ્પ હોવાથી હું ચક્કર મારવા ગયો! ત્યાં દિશા આવી. ને મને કહે, ‘ સર! આજે મારી સાથે વાડીએ આવવાનું છે.
મેં કહ્યું, ‘ આજ જ?!’
તે કહે ,’ આજ જ નહીં. અત્યારે ને અત્યારે! તમને સાથે લઇ જવા હું રાહ જોતી હતી. માંડ રવિવાર આવ્યો.’
મને થયું કંઇ ખાસ કામ હશે પણ બધા વચ્ચે ન પૂછતાં મે કહ્યું, ‘ સારું! તું પહોંચ વાડીએ. હું ડોક્ટરોને મળીને હમણાં આવું છું.
તો મને કહે, ‘ તમતમારે શાંતિથી મળી લો. હું અહીં ઊભી છું.’
મે કહ્યું, ‘ સારું. આવું છું.’
‘આવો છો ને? ખાઓ મારા સમ!’
હું દિશા સામે જોઇ રહ્યો. જાણે દેવુભાભી એના પંડમાં આવ્યાં હતાં! હું ડોક્ટરોને મળીને બહાર નીકળ્યો ત્યાં તો એ સ્કૂલના દરવાજે પહોંચી ગઈ. તેની પાસે પહોંચતાં જ મને કહે,‘ સર! હું તમારા સ્કૂટર પાછળ બેસી જાઉં?’
મેં સ્કૂટરવાળીને ઊભું રાખ્યું ને કહ્યું, ‘ બેસી જા!’
સ્કૂટર પર બેસતાં કહે, ‘ એક બાજુએ બેસું કે ઘોડો પલાણીને?”
ઘણાખરા લહેકા પણ એ દેવુભાભીની જેમ કરવા લાગી હતી! અમે સ્કૂટર વાડીના માર્ગે ઉપાડ્યું. રસ્તામાં તે કરન્ટ બનાવો, નવી આવેલી ટેલન્ટો, ગુજરાતી સિનેમાના બદલાયેલા પ્રવાહો વગેરેની વાતો કરતી હતી.!’
મેં કહ્યું, ‘તારું નોલેજ અદભુત છે! પણ આ બધી વાતો પછી! મને એ તો કહે કે એકાએક વાડીએ શું કામ જવું છે?’
‘તેડવા!’
‘કોને દેવુભાભીને?’
‘હા! તમારે એમાં હેલ્પ કરવાની છે!’
‘શું કાંઇ નિલેશ સાથે મનમોટાવ થયો?’
અસલ દેવુભાભીની જેમ જ સાદ લંબાવતા દિશા બોલી,’ એ..... એમ વાત નથી!’
‘તો દેવુભાભીને શું કામ તેડી આવવા છે?’
મને કહે, ‘ સાચી વાત કહું?’
મે કહ્યું, ‘ કહેને’
મારા કાન પાસે મોઢું લાવી એ તળપદું બોલતા કહે, ‘ મને એના વિના સોરવતું નથી!’
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.