આજની લાઇફસ્ટાઇલને કારણે જંક ફૂડના વધુ પડતા સેવનને કારણે ખીલની સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. ખીલથી જો કોઈ પરેશાન હોય તો સૌથી વધુ યુવા વર્ગ છે. તો ઉનાળાની ગરમીમાં ખીલ, બ્લેકહેડસ, દાગ-ધબ્બાની સમસ્યા વધી જતી હોય છે. બ્યુટી એક્સપર્ટ શહનાઝ હુસૈને જણાવ્યું હતું કે, ઘરગથ્થુ ઉપચારથી ખીલની સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય.
શરીરમાં હોર્મોન્સ બદલાવવાને કારણે મોઢા પર ખીલ જોવા મળે છે. યુવાવર્ગ ખીલની સમસ્યાથી સૌથી વધુ પરેશાન છે.જેના કારણે ત્વચા પર દાગ-ધબ્બા થઇ જાય છે અને ચહેરો ખરાબ થઇ જાય છે. ખીલની સમસ્યાથી બચવા માટે એક માત્ર રસ્તો હોય તો તે છે તેને ફેલાવવાથી રોકવું. આમ છતાં પણ ખીલની સમસ્યા રહેતી હોય તો એક્સપર્ટની સલાહ લેવી જોઈએ.
જે લોકોની સ્કિન ઓયલી હોય છે તે લોકો ખીલની સમસ્યા સૌથી વધુ હોય છે. ખીલની શરૂઆત બ્લેક હેડસથી શરૂ થાય છે. તેથી બ્લેકહેડસને કયારે પણ નજર અંદાજ ના કરો. ખીલ અનેક પ્રકારના હોય છે. જેમાં બ્લેકહેડસ, વ્હાઇટ હેડસ, ગાંઠ હોય છે. જો તમારી સ્કિન ઓયલી હોય તો બ્લેક હેડસ કઢાવવા માટે થોડા-થોડા સમયે સલૂનમાં જઈને 'ક્લીનઅપ' કરાવવું જોઈએ. આ સાથે જ વાળની પણ સફાઈ રાખવી જોઈએ. જો વાળ ઓયલી હશે અને માથામાં ખોડો હશે તો પણ ખીલ થવાની શક્યતા રહેલી છે. સુવાના સમયે વાળને ચહેરાથી દૂર રાખો. એક ચમચી એન્ટિસેપ્ટિક લોશન ઉમેર્યા પછી સાબુવાળા ગરમ પાણીમાં ઓશીકાના કવર અને ટુવાલને ધોઈ લો.
ખીલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ડાયેટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો, જે સિસ્ટમને શુદ્ધ કરવાની સાથે-સાથે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ માટે તમારા આહારમાં ફળો, સલાડ, ફણગાવેલું કઠોણ, દહીં, તાજા ફળોના રસ, સૂપ, લસ્સીનો સમાવેશ કરો. દરરોજ 8 ગ્લાસ પાણી પીવો. સવારે ઉઠીને સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ મિક્સ કરીને તેનું સેવન કરો.
જો તમે ખોટી રીતે ત્વચાને સાફ કરો છો તો ખીલની સમસ્યા થઇ શકે છે. વધુ પડતા સાબુ અને પાણીથી ત્વચાને ધોવાનું ટાળો, કારણ કે આ ત્વચાના pH સ્તરના સંતુલનને બગાડે છે. ખીલ સામાન્ય રીતે તૈલી ત્વચા પર થાય છે, તેથી આવી ત્વચાને સાફ કરવા માટે લીમડો અને તુલસી ધરાવતા ફેસવોશનો ઉપયોગ કરો અથવા મેડિકેટેડ ક્લીંઝરનો ઉપયોગ કરો.
ઓયલી ત્વચા પર ક્લીન્ઝિંગ ક્રિમ અને ભારે મોઇશ્ચરાઇઝર્સનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે આ છિદ્રોને બંધ કરી શકે છે અને ખીલને વધારી શકે છે. ખીલ ના થાય તે પ્રકારના ક્રીમ અને લોશનનો ઉપયોગ કરો. જેમાં લવિંગ તેલ, નીલગિરી તેલ, ગુલાબજળ, તુલસી, લીમડો અને ફુદીનો જેવા ઘટકો હોય. ઉદાહરણ તરીકે, લીમડો માત્ર સૌથી શક્તિશાળી કુદરતી એન્ટિસેપ્ટિક્સમાંનું એક નથી, પણ પ્રકૃતિનું પોતાનું એન્ટિબાયોટિક પણ છે. લીમડામાં કાર્બનિક સલ્ફર સંયોજનો હોય છે.
4 કપ પાણીમાં થોડા લીમડાના પાન નાખીને ધીમી આંચ પર એક કલાક સુધી ઉકાળો. તેને આખી રાત રહેવા દો. બીજા દિવસે સવારે આ પાણીને ગાળીને તેના પાંદડાની પેસ્ટ બનાવી લો. લીમડાના પાનની પેસ્ટને ખીલ પર લગાવો. આ પાણીનો ઉપયોગ ચહેરો ધોવા માટે કરી શકાય છે.
ઓયલી સ્ક્રીન વાળા લોકોએ ક્રીમની બદલે વોટર બેઝડ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો જોઈએ.
શહનાઝ હુસૈન ચંદન આધારિત કવર ક્રીમનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. જેમાં મેટ મોઇશ્ચરાઇઝર મિક્સ કરવામાં આવે છે. તે ખીલવાળી ત્વચાને સારી કરે છે. તૈલી દેખાવ ઘટાડવા માટે પ્રેસ્ડ પાવડર અથવા પાવડર કોમ્પેક્ટનો ઉપયોગ પણ કરી શકાય છે.
ગ્રીન ટી એક સારી એસ્ટ્રિજન્ટ ટોનર છે. ગ્રીન ટીના પાંદડા અથવા ટી બેગને ગરમ પાણીમાં અડધો કલાક પલાળી રાખો. આ બાદ આ પાણીને ઠંડુ કરો પછી ગાળો. આ પાણીને ખીલવાળી ત્વચા પર લગાવો.
ખીલ, ફોલ્લીઓ અને ગુમડા પર ચંદનનો લેપ લગાવો
એક ચમચી તજ પાવડર, અડધી ચમચી મેથી પાવડર, લીંબુનો રસ અને મધના થોડા ટીપાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. ફક્ત તેને ખીલ પર લગાવો અને તેને થોડા કલાકો અથવા આખી રાત રહેવા દો.
ટી ટ્રી ઓઇલના 2 ટીપાને પાણી અને ગુલાબ જળમાં મિક્સ કરો. આ મિશ્રણને ખીલ પર લગાવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.