તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસ્સા જિંદગીના અને જિંદગી બચાવવાના:અહીં ક્લિક કરી વાંચો વડોદરામાં કોરોનાકાળ સમયના કેટલાક સંઘર્ષભર્યા કિસ્સાઓ જેણે અનેક જિંદગીઓ બચાવી

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કસોટી : વડોદરામાં બેવાર ઓક્સિજન ખૂટે તેવી હાલત સર્જાઇ ત્યારે મેનેજમેન્ટ કામે લાગ્યું
 • કોરોના ઓએસડી અને ગોત્રીના નોડલ ઓફિસરને જાણ થતાં કંપની સાથે સંકલન કરીને સપ્લાય પહોંચાડ્યો

વડોદરા શહેરમાં સપ્ટેમ્બર મહિનામાં કોરોનાના રોજના 120 જેટલા દર્દીઓ ઉમેરાતા જતા હતા. ઓક્સિજનની જરૂર પડતી હોય તેવા દર્દીઓની સંખ્યા 500ની આસપાસ રહેતી હતી. જેથી ઓક્સિજનની માગ વધીને રોજની 45 ટનની થઇ ગઇ હતી. ઓક્સિજનનનો 70 ટકા જથ્થો 200 કિમી દૂરના ભાવનગરથી આવતો હતો.ાં સપ્ટેમ્બરના પહેલા બે અઠવાડિયાના બે દિવસમાં ઓક્સિજનની કટોકટી સર્જાતા 500 દર્દી માટે જોખમ ઊભુ થયું હતું. જોકે કોરોના ઓએસડી અને ગોત્રીના નોડલ ઓફિસરે કુનેહપૂર્વક કો ઓર્ડિનેશન કરીને સપ્લાય પહોંચાડ્યો હતો.

45 ટન ઓક્સિજનની જરૂર હતી,19 ટનની ટ્રક રાજકોટ ડાઇવર્ટ થતાં અટકાવી વડોદરા મગાવી
કો રોના ઓએસડી ડો. વિનોદ રાવ આ કિસ્સા વિશે કહે છે કે, ‘2જી સપ્ટેમ્બરે 11 વાગ્યે રાત્રે ગોત્રીના કોરોના નોડલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રીએ મને જાણ કરી કે, કાલે જે ઓક્સિજન સપ્લાય આવવાનો છે તે પૈકીનો 19 ટનનો જથ્થો લઇ જતી ટ્રક ભાવનગરથી રાજકોટ તરફ જઇ રહી છે. ઓક્સિજન પૂરો પાડનાર શ્રીરામ ગેસ એજન્સીના માલિકને આ વિશે પૂછતાં તે પોતે કંઇ કરી શકે તેમ નથી એવો જવાબ તેણે આપ્યો. તે સમયે વડોદરાને રોજનો 45 ટન ઓક્સિજન જોઇતો હતો. ગોત્રી કોરોના હોસ્પિટલમાં જ 400 દર્દીઓ કોવિડના અને 100 દર્દીઓ બીજા હતા. જ્યારે શહેરમાં કુલ 800 દર્દીઓને કેટલાક સમયથી સતત ઓક્સિજનની જરૂર પડતી હતી. ત્યારે તુરંત જ ભાવનગર કલેક્ટરને મેં ફોન કર્યો અને એક ડેપ્યૂટી મામલતદાર અને પોલીસની સાથે એ ટેન્કરને વડોદરા લાવવાની કાર્યવાહી કરાઇ. ટેન્કર 6 વાગ્યા સુધીમાં વડોદરા આવી ગઇ હતી.’ ત્યારબાદ બીજી 7.30 વાગ્યે અને ત્રીજી અન્ય એક કંપનીમાંથી 8.30 વાગ્યે વડોદરામાં આવી ત્યારે હાશકારો થયો હતો.

ગોત્રીમાં 2 કલાકમાં ઓક્સિજન ખૂટે તેમ હતો, સમયસર ટેન્કર સાથે ક્રાયોજેનિક પંપ મગાવાયો
ગો ત્રીના કોરોના નોડલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રી કહે છે કે, ‘ ગોત્રી હોસ્પિટલમાં તબીબોએ 8મીએ રાત્રે 10 વાગ્યે ધ્યાન દોર્યું કે, હવે બે કલાકમાં ઓક્સિજન ખલાસ થઇ જશે. જ્યારે ભાવનગરથી નિકળેલું ટેન્કર બે વાગ્યા પહેલા આવે તેવી શક્યતા ન હતી. મેં ઉપલબ્ધ 75 સિલિન્ડર જે ક્રિટિકલ દર્દીઓ હતા તેમની પાસે મૂકાવી દીધા. ડો. રાવને જાણ કરતા તેમણે VMC અને પોલીસ કમિશનરનો સંપર્ક કરીને ધર્મજ ચોકડી પાસેથી ઓક્સિજન ટેન્કરના ડ્રાઇવરને એસ્કોર્ટિંગ કરીને લાવવા મોકલ્યાં. તે સમયે ઓક્સિજનને ટેન્કરમાં ખાલી કરવા હાલોલ મોકલવી પડે તેમ હતી. કારણ કે ત્યાં ક્રાયોજેનિક પંપ હતો. શક્તિ ટ્રાન્સપોર્ટના વિપુલ પટેલને કોઇ કરી ક્રાયોજેનિક પંપની માગણી કરી. આ પંપને વાપરવાની વિશેષ મંજૂરી લેવી પડે તેમ હતી પણ સેંકડો લોકોની જાન જોખમમાં હતી એટલે તેને સીધો ગોત્રી હોસ્પિટલ મંગાવી લીધો. રાત્રે 1.00 વાગ્યા સુધીમાં જ ટેન્કરઆવતા સપ્લાય પૂર્વવત થયો. જો મોડુ થાત તો હોનારત સર્જાઇ હોત.

માતાના ગર્ભમાં રહી પુત્રીએ 201 િદવસ કોિવડમાં ફરજ બજાવી
માતાના ગર્ભમાં રહી પુત્રીએ 201 િદવસ કોિવડમાં ફરજ બજાવી

2 માસનો ગર્ભ હતો ત્યારથી હેલ્થ વર્કર પલ્લવીએ પ્રસૂતિના 15 દિવસ પહેલાં સુધી ફરજ નિભાવી
વડોદરા. સમા અર્બન હેલ્થ સેન્ટરમાં ફિલ્ડ હેલ્થ વર્કર તરીકે કામ કરતાં પલ્લવી કસોટે પ્રજાપતિએ જ્યારે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન કોરોનાએ કહેર વર્તાવ્યો હતો ત્યારે ગર્ભવતી હોવા છતાં ઘેર ઘેર ફરી ફિલ્ડ હેલ્થ વર્કરની કામગીરી કરી હતી. પ્રસવના 15 દિવસ પહેલાં સુધી તેમણે ડ્યૂટી કરી હતી. પલ્લવીબેન કહે છે કે, ‘કોરોના શરૂ થયો ત્યારે મને 2 મહિનાનો ગર્ભ હતો. મનમાં બીક પેસી ગઇ હતી. તે સમયે મારાં મમ્મીનું જીવનસૂત્ર યાદ આવ્યું કે, કપરી સ્થિતિ આવે તેનો હસતા મોંએ સામનો કરવો. નાસીપાસ થવું નહીં. મે નક્કી કર્યું કે, હું છેક સુધી ડ્યૂટી કરીશ. પારિવારિક દૃષ્ટિએ આ પડકારજનક નિર્ણય હતો. જોકે મારા પતિએ પણ પૂરતો સહકાર આપ્યો. પ્રસવના 15 દિવસ પહેલાં સુધી ફરજ બજાવી હતી. 27 ઓક્ટોબરે પુત્રીને જન્મ આપ્યો હતો. હવે મેં ફરીથી ડ્યૂટી શરૂ કરી દીધી છે. તેમની સાથે ગર્ભમાં ઉછરી રહેલી બાળકીએ પણ 201 દિવસ સુધી માતાની સાથે ફરજ બજાવી હતી.

પરમો ધર્મ : 1 હજાર પરિવારના ઘરનું ભાડું અને વીજબિલ ભર્યું, જૈન સમાજે 1 કરોડનું ફંડ ભેગું કર્યું
લોકડાઉનમાં નોકરી-ધંધા બંધ થઈ જતાં લોકોને ઘરમાં ખાવાના પણ ફાંફાં પડ્યાં હતાં. આવા સમયે જૈન સમાજ દ્વારા રૂ.1 કરોડનું ફંડ ભેગું કરીને 1 હજાર પરિવારોના મકાનના ભાડા અને અનાજના ડબ્બા ભરી આપવા ઉપરાંત લાઈટ બિલ, બાળકોની સ્કૂલની ફી ભરી આપવામાં આવી હતી. જૈન સમાજના અગ્રણી દિપક શાહે જણાવ્યું હતું કે, જૈન સંઘોએ ભેગા મળીને લોકડાઉનમાં રૂ.1 કરોડ જેવી માતબર રકમનું ફંડ ભેગું કર્યું હતું. જેમાંથી જરૂરિયાતમંદ પરિવારોના સ્વાભિમાનને ઠેસ ન પહોંચે તે માટે સંસ્થાએ તેમના ખાતામાં જ રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. જેમાં તેઓ પોતાના મકાનનું ભાડું, લાઈટ બિલ, બાળકોની ફી તેમજ રાશન લાવી શકે. વેપારીઓને વગર વ્યાજની લોન આપી હતી. જેની ભરપાઇ કરવાની મુદત સગવડ થતાં સુધીની રાખી હતી.

પોલીસે 5 હજાર વૃદ્ધોને માવતરની જેમ સાચવ્યા
પોલીસે 5 હજાર વૃદ્ધોને માવતરની જેમ સાચવ્યા

કાળજી : પોલીસે 5 હજાર વૃદ્ધોને માવતરની જેમ સાચવ્યા, લોકડાઉનમાં મદદ માટે સતત ખડેપગે
વડોદરા. શહેરમાં લોકડાઉન દરમિયાન એકલવાયું જીવન ગુજારતા સિનિયર સિટીઝનને રૂબરૂ મળીને શહેર પોલીસના સિનીયર સિટીઝન સેલ દ્વારા તેમને દવા, ગ્રોસરી અને તબીબી સારવાર પૂડી પાડવામાં આવી હતી. સિનીયર સિટીઝન સેલના મહિલા સહિતના પોલીસકર્મીઓએ શહેરના 5 હજારથી વધુ સિનિયર સિટિઝનના સંતાનોની ગરજ સારી હતી અને તેમને પોતાના વડીલની જેમ સાચવ્યા હતા. સિનિયર સિટીઝન સેલના પીઆઈ જે.આર. સોલંકી અને તેમની ટીમ રોજ 20થી 25 વૃદ્ધોને રૂબરૂ મળતી હતી અને તેમને જે પણ મદદની જરૂર હોય તે પહોંચાડતી હતી. ખાસ પોલીસ કિચન પણ શરુ કરાયું હતું.

સમજ : સાસુને કોરોના થતાં વહુએ જાગૃતિ માટે 22 કેમ્પ કર્યા, સિંગર મનીષા શર્માની પાઠશાળા
વડોદરા. આમ તો મૂળ વ્યવસાય સિંગર અને એન્કરિંગ કરવાનો, પરંતુ પરિવારના એક સભ્યને થયેલા કોરોના બાદ આ યુવતીની જિંદગી બદલાઈ ગઈ હતી. તેણે લોકોને કોરોનાની સાચી સમજ આપવા માટે 22 કેમ્પ કર્યા હતા. ગોરવાના મનીષા શર્મા મૂળ સિંગર છે. કોરોના કાળ શરૂ થયા બાદ સંગીતના કાર્યક્રમો બંધ થઈ ગયા હતા અને તેમાં તેમનાં સાસુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમની સેવા-સુશ્રુષામાં લાગી ગયાં હતાં. કોરોના અંગે લોકોમાં સાચી સમજ અને પૂરતી જાણકારી નથી તેવું તેમને લાગ્યું હતું. તેમણે તેમના મિત્ર વર્તુળ અને એક તબીબ મિત્રની મદદથી ઓફિસ, શો રૂા, સહિતના સ્થળે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અંગેની અપીલ તેઓ કેમ્પમાં કરતાં હતાં. આવા 22 જાગૃતિ કેમ્પ તેમણે 4 મહિનામાં કર્યા હતા.

8000 km 108 ચલાવી કોરોનાના 3000 દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા
8000 km 108 ચલાવી કોરોનાના 3000 દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા

ઓનડ્યૂટી : 8000 km 108 ચલાવી કોરોનાના 3000 દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા, 9 મહિનામાં એક પણ દિવસ રજા ન લીધી
વડોદરા. કોરોનાના રોજના 90થી વધુ કેસો આવી રહ્યા છે. આ સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સના ચાલક 35 વર્ષીય વિનોદ માલિવાડ માર્ચ મહિનાથી એટલે કે 9 મહિનાથી આજ સુધી એક પણ વધારાની રજા પાડ્યા વિના સળંગ ફરજ બજાવી રહ્યા છે. આજે પણ તેઓ રોજના 3 કોરોના પેશન્ટને હોસ્પિટલે લઇ જાય છે. વિનોદભાઇએ સળંગ આટલા મહિના ફરજ બજાવી 3 હજાર દર્દીને હોસ્પિટલ પહોંચ્યા હતા. 9 મહિનાથી તેઓ પત્ની અને બાળકોને મળ્યાં નથી. વિનોદભાઇ મૂળ મહીસાગરના ખાનપુર તાલુકાના નાનકડા કાનોડપાદેરી ગામના વતની છે.

આ વિશેનો સવાલ પૂછતાં તેઓ કહે છે કે, આ બાબતની પ્રેરણા મારા પિતાએ જ આપી હતી. વાત રસપ્રદ છે. કોરોનાના કેસો આવતા થઇ ગયા હતા. મને અંદાજ હતો કે આગામી દિવસોમાં રજાઓ કદાચ નહીં મળે. તેથી ત્રણ દિવસની રજા લઇને વતન પહોંચી ગયો હતો. ઘરે પહોંચ્યો ત્યારે પિતા તાડૂક્યા. તેમણે કહ્યું, ‘રોગચાળો ફાટી નીકળ્યો છે ને તું અહીં આવ્યો? આ તો યુદ્ધ ફાટ્યું હોય ને સૈનિક ભાગી આવે તેવી વાત થઇ. તું હમણા જ પાછો નીકળી જા…’ મેં સમજાવ્યા ત્યારે માંડ એક દિવસ રહેવાની છૂટ આપી.

બીજા જ દિવસે વડોદરા પરત આવ્યો ત્યારે મારા ‘સર’ને પણ નવાઇ લાગી. જોકે પિતાના શબ્દોએ નવો આત્મવિશ્વાસ ભરી દીધો હતો અને નક્કી કર્યું કે, સળંગ ડ્યૂટી તો કરવી જ છે. વિનોદભાઇ કહે છે કે, શરૂઆતમાં લોકડાઉનમાં ખાસ કરીને એપ્રિલ અને મેમાં લોકોમાં એટલો ડર હતો કે, સોસાયટી કે ફળિયામાં 108 આવે તો પાડોશીના ઘરનાં બારી-બારણાં ટપોટપ બંધ થવા માંડતાં. કેટલાય કિસ્સોમાં તો દર્દીના જ ઘરના સભ્યો દર્દીને હાથ લગાડવા સુધ્ધાં તૈયાર થતા નહીં. અમે પરિવારજનોને પીપીઇ કિટ, માસ્ક, ગ્લવ્ઝ આપતા. એક તરફ દર્દીનો શ્વાસ એવો ચાલતો કે એમ્બ્યુલન્સ સુધી ઝડપથી ન લઇ જઇએ તો ગમે ત્યારે અટકી પડે.

આ દિવસો દરમિયાન 108 દ્વારા જે લંચ પેક અપાતું તેમાં જ દિવસ ખેંચી કાઢવો પડતો હતો. જોકે કેટલાક દિવસો દરમિયાન સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ નાસ્તો પૂરો પાડ્યો હતો. બાકી સવારે લીંબુ શરબત અને ગરમ પાણી પીને જ નીકળી જતા હતા. કેટલાક દિવસો બાદ અમને આયુર્વેદિક ઉકાળા અને અન્ય દવાઓ પણ અપાતી હતી. જેથી હજી સુધી 108ના માંડ 4 કર્મી જ કોરોનાગ્રસ્ત થયા છે. આ સમજ સાથેની સાવચેતીથી ડર કાયમ માટે નીકળી ગયો છે.

વેન્ટિલેટર પર જતાં પહેલાં ડૉક્ટરે ચિઠ્ઠી લખી, હું નહીં મારાં ફેફસાં થાકી ગયાં છે
વેન્ટિલેટર પર જતાં પહેલાં ડૉક્ટરે ચિઠ્ઠી લખી, હું નહીં મારાં ફેફસાં થાકી ગયાં છે

સંઘર્ષ : વેન્ટિલેટર પર જતાં પહેલાં ડૉક્ટરે ચિઠ્ઠી લખી, હું નહીં મારાં ફેફસાં થાકી ગયાં છે, કોરોનામાં ઈક્મોથેરાપીથી સાજો થનાર ગુજરાતનો પ્રથમ દર્દી
વડોદરા શહેરમાં 4 ટર્શરી કેર સેન્ટર હોસ્પિટલ ચલાવતા ડો. વિશાલ સરધારા 14મી જૂને પોઝિટિવ આવ્યાં હતા. એ અગાઉના કેટલાક દિવસો અગાઉ તેમણે 4થી 5 દર્દીને વેન્ટિલેટર પર રાખ્યા તે સમયે તેઓ પણ હોસ્પિટલમાં હાજર હતા. તે સમયે એકાદ કેસમાં લેરિન્ગોસ્કોપી કરતા સમયે ફેસશિલ્ડ કેટલાક સમયે ઊતાર્યું હતું અને સંક્રમણનો ભોગ બની ગયા.

ડો.વિશાલ 45 દિવસ સુધી કોરોના સામે લડીને જીત મેળવી ફરી કોરોનાના દર્દીની સારવાર કરી રહ્યા છે
એ દિવસને યાદ કરતા ડો. વિશાલ કહે છે કે, ‘ રાત્રે 8 વાગ્યે ઘરે આવ્યો અને બેડ પર સૂઇ જ ગયો. મને અહેસાસ થયો કે હું બીમાર છું. રિપોર્ટમાં સીટી ( સાઇકલ થ્રેશોલ્ડ) વેલ્યૂ 19 આવી હતી. જે વધુ હતી. કોરોનાની તકલીફો 19 જૂનની આસપાસ શરૂ થઇ ગઇ હતી. ’ છતાં મિત્રોને તો મજાકમાં તેમણે કહ્યું ચાઇનિઝ વાઇરસ ખોટી જગ્યાએ આવી ગયો છે. 23મી જૂને તેમને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઇ ગઇ હતી. ડોક્ટર હોવાને લીધે એક વાતે હું સ્પષ્ટ થઇ ગયો. હવે મને ઇન્કયૂબેટ તો જ કરવો પડશે. મેં એક ચિઠ્ઠી લખી. જેમાં પત્ની સહિત સૌ માટે સંદેશો મૂકી દીધો. જેમાં લખ્યું, - હું માનસિક રીતે થાક્યો નથી પણ ફેફસા થાકી ગયા છે. ત્યારબાદ મને વેન્ટિલેટર પર લઇ જવાયો હતો.’ ડો. વિશાલના મિત્રોને ખયાલ હતો કે કોરોના બાદ ફેફસામાં કાયમી તકલીફ પડી શકે છે. છેવટે ઇકમો થેરાપી આપવાનો નિર્ણય તુરંત જ લેવાયો. અમદાવાદથી ટીમ આવી ગઇ. ઇકમોમાં વ્યક્તિના ફેફસા કામ નથી કરતા પણ એ કામ વિશેષ ઇકમો મશીનને સોંપાય છે. આ થેરાપીનો રોજનો ખર્ચ રૂ.1.25ની આસપાસ થાય છે. 14 દિવસ સુધી સારવાર ચાલી. સારવાર દરમિયાન મેં આંખ ઊઘાડી પણ જીભ ઉપડતી ન હતી. મને નામ પૂછવામાં આવ્યું ? તમે કોણ છો ? એવા સવાલ પૂછાયા. મેં લખીને કહ્યું હું હજી ભણી રહ્યો છું. હું મારી જૂની યાદદાસ્તમાં હતો. બેડની સામે ટીવી હતું. તેમાં કોરોનાને લગતા સમાચારો આવતા મેં સવાલ કર્યો.‘ આ કોરોના ચાલે છે તે શું છે ?’ જુદી જુદી સારવાર બાદ 14મી જુલાઇએ રિપોર્ટ નેગેટિવ આવ્યોને 29મી જુલાઇએ હોસ્પિટલમાંથી રજા અપાઇ.’ ઇકમો થેરાપી બાદ કોરોનામાંથી બચ્યા હોય તેવા ગુજરાતના પહેલા દર્દી બન્યાં.

સૌથી વધુ 7000 કોરોના દર્દીઓનો ઇલાજ કર્યો
સૌથી વધુ 7000 કોરોના દર્દીઓનો ઇલાજ કર્યો

ડોક્ટરનો જંગ : સાૈથી વધુ 7000 કોરોના દર્દીઓનો ઇલાજ કર્યો
વડોદરા. કોવિડની સારવાર શહેરની 60થી વધુ હોસ્પિટલોમાં સેંકડો તબીબો કરી રહ્યાં છે. આ તબીબો પૈકીના એક છે પલ્મોનોલોજિસ્ટ ડો. તેજસ કક્કડ, તેઓ કોરોનાના પાંચસો હજાર નહીં પણ 7 હજાર દર્દીઓને સારવાર આપી ચૂક્યાં છે. કોરોનાના કેસો શરૂઆતમાં આવ્યા ત્યારે અન્ય પલ્મોનોલોજિસ્ટની જેમ તેમની સમક્ષ પડકાર અને જવાબદારી બંને હતા. ગણતરીના દિવસોમાં જ ગંભીર દર્દી આવવા માંડ્યા. શરૂઆતના એક ગંભીર કેસ વિશે વાત કરતા તેઓ કહે છે કે, ‘કોરોના સંક્રમિત 65 વર્ષના એક દર્દી આવ્યા ત્યારે જ તેમનાં ફેફસાં 90 ટકા સંક્રમિત થઇ ચૂક્યાં હતાં. તેમને રેમડેસિવિર અને ટોસિલીઝુમેબ અપાયા. આ રીતે દર્દી સાજા થતાં જતાં આત્મવિશ્વાસ વધવા માંડ્યો. જૂનના અંતમાં મને કોરોના થયો. કોરોના થતાં હું પણ ખુશ એટલા માટે થયો કે દર્દી કેવું વિચારતા હશે તેવું હું જાતે સમજવાની તક મળી. મુશ્કેલ સ્થિતિમાં પણ આપણી પાસે અકસીર એક જ જડીબુટ્ટી છે, એ છે પોઝિટિવ વિચારવાની તાકાત. કોરોના નબળો પડ્યો છે તે માનીને સોશિયલ ડિસ્ટન્સની કે માસ્ક પહેરવાની જવાબદારી જાળવવી પડશે.

7000 વેન્ટિલેટર વડોદરામાં બન્યાં, જે દેશભરમાં વપરાયાં
7000 વેન્ટિલેટર વડોદરામાં બન્યાં, જે દેશભરમાં વપરાયાં

આત્મનિર્ભર : 7000 વેન્ટિલેટર વડોદરામાં બન્યાં, જે દેશભરમાં વપરાયાં, શહેરના ઉદ્યોગકારનું વોકલ ફોર લોકલ
વડોદરા. એપ્રિલમાં કોરોનાના કેસ વધવા માંડ્યા, ગંભીર દર્દી માટે હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં વેન્ટિલેટર્સની જરૂર ઊભી થઇ ત્યારે વડોદરાની મેક્સ કંપનીએ વેન્ટિલેટર્સ પૂરા પાડ્યાં હતા. આ મહિનાઓ દરમિયાન 7000 જેટલા વેન્ટિલેટર્સ બનાવ્યાં છે, જે એસએસજી-ગોત્રી હોસ્પિટલ ઉપરાંત પણ દેશભરની હોસ્પિટલોમાં વપરાયા છે. કંપનીમાં 10 એન્જિનિયર્સ સહિતની 100 જણની ટીમ વેન્ટિલેટર્સ બનાવે છે. 10 એન્જિનિયર્સ રિસર્ચ કરે છે. મૂળ IIT ચેન્નાઇમાંથી ઇલેક્ટ્રોનિક્સમાં એમટેક કરી ચૂકેલા અશોક પટેલ કહે છેે, ‘વેન્ટિલેટર્સમાં 1800 પાર્ટ વપરાય છે. 40 વ્યક્તિ રોજ 8 કલાક કામ કરે ત્યારે મહિને 12 વેન્ટિલેટર તૈયાર થાય. કોરોના અગાઉ મહિને 15થી 20 વેન્ટિલેટર અને નાના 30થી 40 વેન્ટિલેટર બનાવતા હતા. એક દિવસ ગાંધીનગરથી ફોન આવ્યો કે, 50 વેન્ટિલેટર્સ તુરંત જોઇએ છે. પછી ઉત્પાદન વધાર્યું. 1 વેન્ટિલેટર પાછળ 70થી વધુ ટેસ્ટિંગ થાય છે. મોટાભાગના વેન્ટિલેટરો યુરોપીય ડિઝાઇનના હોય છે જે વીજળીનો 10 ટકા ફેરફાર સહન કરી શકે છે. જેથી ગુજરાતમાં પહેલીવાર વિશેષ ફેરફારો કરી 20 ટકા ફ્લક્ચુએશન ખમી શકે તેવા વેન્ટિલેટર્સ બનાવ્યાં છે.’

કોરોનામાં મોતના 8 કલાક પહેલાં સુધી દર્દીઓને પ્રિસ્ક્રિપ્શન મોકલ્યાં
કોરોનામાં મોતના 8 કલાક પહેલાં સુધી દર્દીઓને પ્રિસ્ક્રિપ્શન મોકલ્યાં

દૃષ્ટાંત : કોરોનામાં મોતના 8 કલાક પહેલાં સુધી દર્દીઓને પ્રિસ્ક્રિપ્શન મોકલ્યાં, પત્ની ડો.મોનાલી શાહે તબીબ પતિનાં સંસ્મરણો વાગોળ્યાં
વડોદરા. કોરોનામાં દર્દીઓની સારવાર કરતાં 6 માસ અગાઉ 46 વર્ષીય અમિત શાહ તબીબી વ્યવસાયમાં દૃષ્ટાંતરૂપ પ્રદાન આપી ચાલ્યા ગયા હતા. એ દિવસે તેમના પરિવાર, સમાજ અને તબીબી આલમમાં જ નહીં દર્દીઓ અને તેમના પરિવારે વેદનાભર્યો આંચકો અનુભવ્યો હતો. 9 જુલાઇએ સવારે 7 વાગ્યાના સુમારે તેમણે અંતિમ શ્વાસ લીધો તે અગાઉ 8 જુલાઇએ રાતે 11 વાગ્યા સુધી દર્દીઓને દવા અંગે માર્ગદર્શન વોટ્સ એપ પર આપતા રહ્યા.

ડો. અમિત શાહની કોરોના સામેની લડાઇ અને દર્દીઓ સાથેના સંબંધ વિશે તેમનાં પત્ની ડો.મોનાલી શાહ કહે છે, ‘25 માર્ચે લોકડાઉન થયું ત્યારે તેમણે (ડો. અમિત શાહે) ટેલિફોનિક કન્સલ્ટેશન શરૂ કર્યું હતું અને પછી હોસ્પિટલ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ હોસ્પિટલમાં રાત્રે 11 વાગ્યા સુધી રોકાતા. એક દિવસ તેમણે કહ્યું ભૂખ ઓછી લાગે છે. બીજા દિવસે કહ્યું ‘શ્વાસમાં તકલીફ છે. સવિતા હોસ્પિટલ લઇ જાઓ. કોરોના થવા છતાં બેડ પર પ્રિસ્ક્રિપ્શન લખતા. તેઓ દૃઢ હૃદયના ખુશમિજાજ વ્યક્તિ હતા. આગલા દિવસે બાયપેપ કાઢી ઇશારાથી સારો હોવાનું જણાવ્યું હતું.’ ડો. અમિત શાહ એક અમિટ છાપ મૂકી બીજા દિવસે કાયમ માટે ચાલ્યા ગયા હતા.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો