તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માર્ચથી જૂન સુધી મોટા ભાગની સરકારી કચેરીઓ, કંપનીઓના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ કરાયો હતો. ચોરેકોર ડરનો માહોલ હતો. આવા સમયે અમદાવાદ મ્યુનિ. સહિત વિવિધ એમ્બુલન્સ, ડેડબોડી વાનના ચાલકોએ હિંમતભેર કોરોનાના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાની ફરજ અદા કરી હતી. ઘણા કોરોના દર્દી ઘરમાંથી બહાર આવતા ડરતા હતા ત્યારે એમ્બુલન્સ ચાલકોએ તેમને પકડી કોવિડ સેન્ટર લઈ જવા પડતા હતા.
ડેડ બોડી વાન લઈ જતો લોકો દૂર પાર્ક કરાવતા - અજમેરી શબ્બીર, ડ્રાઇવર, ડેડબોડી વાન
નારણપુરાની સોસાયટીમાં વજનદાર વ્યક્તિની ડેડ બોડી લઈ ગયો હતો ત્યારે લોકોએ મને વાન બહાર પાર્ક કરવા કકળાટ કર્યો હતો, પણ ડેડ બોડીનું વજન વધુ હોવાથી પરિવારજનોએ ઘર પાસે વાન લાવવા વિનંતી કરી. મેં લોકોને સમજાવ્યા કે કોરોનાથી મૃત્યુ થયું નથી છતાં જીદ કરી વાન બહાર મુકાવી હતી. આવા જ બીજો એક કિસ્સો પણ મારી સામે આવ્યો હતો, જેમાં ઇસનપુરમાં એક સિનિયર સિટીઝન જીવતા હોવા છતાં તેમના પરિવારજનોએ ડેડબોડી વાન મગાવી લીધી હતી. ઘર પાસે પહોંચ્યા પછી તેમણે કહ્યું કે, ભૂલથી મગાવી છે, તમારો ચાર્જ લઈ લો. અત્યાર સુધીમાં 200 ડેડબાડીનો નિકાલ કર્યો છે. ડર હતો, પણ ઘણી હિંદુ ડેડબોડીનો તેમના રિવાજ મુજબ નિકાલ કર્યો છે.
25 વર્ષની નોકરીમાં આવી ભયાનક સ્થિતિ નથી જોઈ
અત્યાર સુધીમાં 500થી વધુ કોરોના દર્દીઓને હોસ્પિટલ અને ઘરે પહોંચાડ્યા છે. અમને જોઈને દર્દીઓ ભાગવા માંડતા, પણ તેમને પકડીને સમરસ કોવિડ સેન્ટરમાં લઈ જતા હતા. માર્ચથી સતત ફરજ પર હાજર હતો. 23 જુલાઈએ હું કોરોનોમાં સપડાયો. સારવાર લઈ ઘરે આરામ કર્યો અને 9 ઓગસ્ટથી ફરી નોકરી પર હાજર થઈ ગયો. હોસ્પિટલમાં દાખલ થયો તેના બે દિવસ પછી 25 જુલાઈએ મારી માતાનું અવસાન થયું હતું, આથી તેમની અંતિમવિધિમાં જઈ શક્યો ન હતો. માતાને ગુમાવ્યાનું દુ:ખ ભુલાવી ફરીથી નોકરી શરૂ કરી દીધી હતી. મારી 25 વર્ષની નોકરીમાં પહેલીવાર કોઈ રોગનું ભયાનક સ્વરૂપ જોયું છે.
શરૂઆતમાં કોરોનાના દર્દીની ડેડબોડી જોઈ ડરી જતો
કોરોનાના કેસો વધી રહ્યા હતા ત્યારે ડેડ બોડી જોઈને ડર લાગતો હતો. હું પોતે પરિવારની ચિંતા કરીને ગભરાઈ ગયો હતો. મારી પત્ની, દીકરો, દીકરી પણ મારી ચિંતા કરતાં હતાં, પરંતુ 23 વર્ષની નોકરીમાં પહેલીવાર આટલી મોટી મહામારીમાં હું અત્યાર સુધી ડેડ બોડી જોઇને એક જ વાતનું રટણ કરું છું, કે આપણે પણ આ જ રસ્તે જવાનું છે, તો સેવા કરી પુણ્ય કમાઈએ. કામ દરમિયાન માસ્ક અને કિટ અવશ્ય પહેરું છું. આજની તારીખમાં ઘરે પહોંચ્યા પછી ગરમ પાણીથી નાહ્યા પછી જ કોઇ વસ્તુને સ્પર્શ કરું છું. મારા પરિવારનો પણ સહકાર રહ્યો છે.
વોરિયરની વીરગતિ - અનેક બીમારીઓ છતાં સામેથી કોરોના વોર્ડમાં ડ્યૂટી માગી
સિ વિલ હોસ્પિટલનાં 56 વર્ષીય હેડ નર્સ કેથરીનબેન અનુપમભાઈ ક્રિશ્ચિયનનું મે મહિનામાં કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. પોતાને અનેક બીમારીઓ હોવા છતાં તેમણે સામે ચાલીને કોરાનાના વોર્ડમાં ડ્યૂટી માગી હતી, પણ આ દરમિયાન તેઓ કોરોના સંક્રમિત થયાં હતાં. તેમને 1 દિવસ વોર્ડ અને 7 દિવસ વેન્ટિલેટર પર સઘન સારવાર આપવા છતાં બચાવી શકાયાં ન હતા. સિવિલના નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ બાબુભાઈ પ્રજાપતિ જણાવે છે કે, કેથરીનબેન હોસ્પિટલના ગાયનેક વોર્ડ જી-3માં ફરજ બજાવતાં હતાં. તેમને હાઈપર ટેન્શન, વધુ વજન અને હૃદયરોગની બીમારી હોવાથી સંક્રમણનું જોખમ હતું છતાં તેમણે સામેથી જ કોવિડ વોર્ડમાં ડ્યૂટી માગી હતી. તેમની દેખરેખ હેઠળ જ કોવિડ હોસ્પિટલનો એ-2 વોર્ડ તૈયાર કરાયો હતો. તેમને કોરોનાનાં લક્ષણો જણાયા બાદ 11મેએ શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલના બી-3 વોર્ડમાં દાખલ કરાયાં હતાં, પરંતુ 12મેએ તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં ઓ-2 આઈસીયુમાં શિફ્ટ કરાયાં હતાં. સાત દિવસ આઈસીયુમાં વેન્ટિલેટર પર સંઘર્ષ કર્યા બાદ 19 મેએ તેમનું મૃત્યુ થયું હતું. 32 વર્ષની કારકિર્દીમાં અનેક નર્સોને ટ્રેન કરનાર અને મળતાવડા સ્વભાવથી હોસ્પિટલમાં લોકપ્રિય કેથરીનબેને અનેક દર્દીઓની સારવાર કરી હતી.
સારવાર સાથે સહાનુભૂતિ આપી - આજે પણ વૃદ્ધ દર્દીઓના રડતા ચહેરા મારી સામે આવી જાય છે
મારી આંખોની સામે હજુ પણ એ દૃશ્યો આવ્યાં કરે છે જ્યારે વૃદ્ધ દર્દીઓ સતત રડ્યા કરતા હતા. વોર્ડમાં એક બે નહીં પણ સંખ્યાબંધ દર્દીઓ રડ્યા કરતા હતા. કારણ એટલું જ હતું કે, પ્રોટોકોલ પ્રમાણે કોરોનામાં દાખલ થતા દર્દીઓ સાથે તેમનાં સગાંને રહેવા દેવામાં આવતાં ન હતાં, જેથી દર્દીઓને એમ થતું હતું કે, કોરોના થતા તેમના પરિવારો તેમને હોસ્પિટલમાં મૂકીને જતા રહે છે. આ દર્દીઓને સમજાવવા અને તેેમને સાજા કરવા એ પણ અમારા માટે ખૂબ જ પડકારજનક હતંુ. તેમાં પણ એપ્રિલ અને મે મહિનામાં તો અમે ડોક્ટર્સ પણ એટલા જ ગભરાહટ સાથે કામ કરી રહ્યાં હતાં, પણ ડ્યૂટી પ્રત્યેના પોઝિટિવ એટિટ્યૂડે અમને ખૂબ જ સારાં પરિણામો આપ્યાં. સૌથી વધુ ડર ત્યારે લાગ્યો હતો કે જ્યારે અમે દરરોજ સવારે ફેકલ્ટી તેમ જ રેસિડેન્ટ ડોક્ટર્સ સાથે મીટિંગ કરીને વોર્ડના દર્દીઓની સ્થિતિ અંગે ચર્ચા કરી લાઇન ઓફ ટ્રીટમેન્ટ નક્કી કરતા, પણ સાંજે ખબર પડે કે જેમની સાથે તમે બેઠા હતા તે પોઝેટિવ આવ્યા છે અને મનમાં ડર લાગે કે હવે કાલે સવારે મને પણ કોરોના થઈ જશે. કોરોનાના દર્દીઓનાં મૃત્યુ એ અમારી માટે ખૂબ જ દુ:ખદ ઘટના હતી. મને એક દર્દી હજુ યાદ છે જેમનો જન્મદિવસ હતો અને હોસ્પિટલમાં 28 દિવસ થઈ ગયા હતા, પણ તેઓ એટલા પોઝેટિવ હતા કે મને કહેતા તમારી મહેનતથી હું મારા ઘરે સાજો થઈને જઈશ. અમારી આંખ સામે દર્દીઓનાં મૃત્યુ એ ખૂબ જ દુ:ખદ ઘટના બની રહેતી હતી. અમારી ટીમના ડોક્ટરો પણ બીજા કોઈને કોરોનાનો ચેપ ન લાગે એટલા માટે ખાલી ફ્લેટ અથવા હોટેલોમાં રહેવા જતા રહ્યા હતા. - ડો. મોનિલા પટેલ, પ્રોફેસર, મેડિસિન, એસવીપી હોસ્પિટલ
ક્વોરન્ટાઇનમાં પણ ડ્યૂટી કરી! - ઘરમાં બધાને કોરોના થયો, પણ સાજા થઈ તરત ડ્યૂટીમાં જોડાયા
મને સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે નિયુક્ત કરાયો ત્યારે હોસ્પિટલમાં કોરોનાના 200થી 300 દર્દી દાખલ હતા, પછી ધીમે ધીમે રોજના 100 દર્દી વધવા લાગ્યા, જેથી નવા વોર્ડ શરૂ કરવા પડતા હતા. એક ઓર્થોપેડિક સર્જન તરીકે કલાકો સુધી જટિલ સર્જરી કરી છે, પણ 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં સારવાર અને સંચાલનમાં રોજના 15 કલાક કપરા હતા. સવારે 9થી રાત્રે 2 સુધી હોસ્પિટલ-ઘરની વચ્ચે દોડધામમાં મને કોરોનાનું સંક્રમણ લાગ્યું. પ્રથમ લક્ષણોમાં મને ગળામાં ઇન્ફેક્શન થયું, જેથી 8 દિવસ સુધી ઘરે રહી દવા લીધા બાદ સ્વસ્થ થયો, પણ ફરી 2 જૂને ઠંડી ચઢીને તાવ આવ્યો, એટલે પાંચ દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેવું પડ્યુંં. આ દરમિયાન મારી પત્ની અને બે પુત્રના પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અમે ત્રણેય અલગ અલગ રૂમમાં રહેતાં હતાં. પત્નીને 2 વર્ષ પહેલાં સ્વાઇન ફ્લૂ થયો હતો અને બ્રોન્કોસ્કોપી પણ કરાવી હતી, પુત્રને પણ નીટની એક્ઝામ હોવાથી ચિંતા વધુ હતી. એક તરફ હું, મારી પત્ની અને મારા પુત્રો કોરોના સંક્રમિત હતાં, જ્યારે બીજી તરફ સિવિલ અને કોવિડ 1200 બેડ હોસ્પિટલમાં દર્દી-સગાંની વ્યવસ્થાની ઘટમાળને કારણે વધેલા સ્ટ્રેસથી શારીરક કરતાં માનસિક રીતે થાકી જતો હતો. સુપરિન્ટેન્ડેન્ટ તરીકેની જવાબદારી હોવાથી રાતે 2 વાગ્યા સુુધી ફોન સતત ચાલુ રહેતા હતા, પરંતુ આખરે અમે કોરોનાને હરાવી દીધો અને મેં પણ સાજા થઈ તરત ડ્યૂટી જોઇન કરી દીધી. હોસ્પિટલના સ્ટાફ તરફથી મળતા સહયોગથી ઘર, હોસ્પિટલ, દર્દીઓની જવાબદારી પૂર્ણ કર્યાનો આનંદ છે. - ડો. જયપ્રકાશ મોદી, સુપરિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ
પરિવાર પહેલાં ફરજ નિભાવી - કોવિડ ડ્યૂટીને લીધે 3 માસ સુધી 6 માસની પુત્રીનું મોં ન જોઈ શકી
કોરોનાના વોર્ડમાં મારી ડ્યૂટી હતી. કોરોનાના દર્દીઓની સારવારમાં પીપીઈ કિટ પહેરીને સતત ખડેપગે રહેવાનું હોવાથી ત્રણ મહિના સુધી છ માસની દીકરીનું મોં પણ જોઈ શકી ન હતી, પણ કોવિડ ડ્યૂટીમાંથી બ્રેક મળે એટલે વીડિયો કોલ કરી પતિ સાથે વાત કરતી અને ત્યારે દીકરીને જોઈ શકતી. મારી બાળકી છ મહિનાની હોવાથી અહીં મારી સાથે રાખવાથી સંક્રમણનું જોખમ હતું. મારી કોવિડ ડ્યૂટી હોવાને કારણે દીકરીને મારાં સાસુ અને પતિ સાચવતાં હતાં, જેથી સમાજ અને રાષ્ટ્રની સેવા કરી શકી તેનો મને આનંદ છે, પણ એક માતા તરીકે છ મહિનાની બાળકી હોવાથી સતત ચિંતા રહેતી હતી, દર્દી નાજુક હાલતમાં હોય છે ત્યારે એનેસ્થેટિસ્ટની કામગીરી ઘણી મહત્ત્વની હોય છે. દર્દીનું ખાસ ધ્યાન રાખવું જરૂરી હતું. કોવિડ વોર્ડમાં ડ્યૂટી દરમિયાન સતત 8 કલાક સુધી પીપીઈ કિટ પહેરીને દર્દીઓની સારવાર કરતી વખતે પણ સતત સંક્રમણનો ડર હતો, તેમ છતાં દર્દીને ઓક્સિજન અને વેન્ટિલેટર પર રાખવામાં આવે ત્યારે દર્દીનું સતત ઓબ્ઝર્વેશન જરૂરી હતું. આથી માતા તરીકે મમતાને દબાવીને કોવિડના દર્દીની સારવારને પ્રાધાન્ય આપ્યું હતું. કોવિડની ડ્યૂટીનું રોટેશન પૂર્ણ થયા બાદ મારી દીકરીને મળવાનું મન થઈ આવતું, પણ મારંુ ઘર રાજસ્થાનમાં છે અને લોકડાઉન હોવાથી ફ્લાઇટ અને ટ્રેન પણ બંધ હોવાથી ઘરે પણ જઈ શકંુ તેમ ન હતી. જોકે એકતરફ દીકરીથી દૂર રહેવાનું દુ:ખ હતંુ, જ્યારે બીજી તરફ કોવિડના દર્દીઓની સેવા કર્યાનો સંતોષ છે. - ડો. ક્રતિ સિંઘલ, એનેસ્થેટિસ્ટ, સિવિલ હોસ્પિટલ
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.