ડીસા / ઉ.ગુ.માં ફરી 13-14મીએ મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી

Weather forecast for moderate rainfall

  • અરબી સમુદ્રમાં અપરએર સાયકલોનિક સર્ક્યુલેશનની અસરરૂપે ચાર દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે
  • બુધવારે બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં, જ્યારે ગુરુવારે બનાસકાંઠા, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની શક્યતા

Divyabhaskar.com

Nov 11, 2019, 08:41 AM IST

ડીસા: હાલમાં અરબી સમુદ્રમાં અપરએર સાયકલોનિક સર્ક્યુલેશનની અસર વર્તાઇ રહી છે. જેને લઇ આગામી ચાર દિવસ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે અને આકાર વાદળછાયું બનશે અને બુધવારે તથા ગુરુવારે ઉ.ગુ.માં ખાસ કરીને મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એકબાજુ, ખેડૂતો ચોમાસુ પાકમાં સતત વરસાદના કારણે ભલીવાર આવી ન હોઇ શિયાળુ પાક સારો પાકવાની આશામાં વાવણીની તૈયારીમાં લાગ્યો છે, ત્યાં હજુયે કમોસમી વરસાદની સંભાવનાને લઇ ચિંતામાં મુકાયો છે.


સામાન્ય રીતે 15 નવેમ્બર બાદ ઠંડીની શરૂઆત થાય છે. ત્યારે ચાલુ વર્ષે પહેલાં ક્યાર અને પછી મહા વાવાઝોડાના કારણે હવામાનમાં ખાસ્સો ફેરફાર નોંધાયો છે. છેલ્લા એક માસમાં મહા વાવાઝોડા તથા અપરએર સાયકલોનિકની અસર વર્તાતાં કમોસમી વરસાદની સાથે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ત્યાં આગામી બુધવાર તથા ગુરુવારે અરબી સમુદ્રમાં સર્જાયેલા અપરએર સાયકલોનિક સર્ક્યુલેશનની અસર વર્તાશે. જેમાં બુધવારે બનાસકાંઠા, પાટણ તથા મહેસાણામાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે ગુરુવારે બનાસકાંઠા, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ અસરના ભાગરૂપે આગામી ત્રણ-ચાર દિવસ ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેને લઇ ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે.


જુવાર,બાજરી,કપાસને નુકસાન થઇ શકે
હાલમાં ખેતરોમાં બીજા તબક્કાના કપાસનો પાક ઉભો છે. જો વરસાદ પડે તો તે પાણીમાં પલળતાં રૂ કાળંુ પડી જાય, જુવારમાં પાણી પડતાં ઘાસચારો પશુને ખાવાલાયક ન રહે. બાજરી અને એરંડાને પણ નુકસાન થઇ શકે. કમોસમી વરસાદ પછી વધુ બે દિવસ વરસાદની વકી છે, ત્યારે સરકારે સર્વે કરવાના બદલે બધા ખેડૂતોને સહાય કરવી જોઇએ. - વિષ્ણુભાઇ ચૌધરી, અગ્રણી મહેસાણા ભારતીય કિસાન સંઘ


15 તારીખ પછી ઉ.ગુ.માં ઠંડીનું પ્રમાણ વધશે
સામાન્યત: નવેમ્બર મહિનાના આરંભથી જ ઉત્તર ગુજરાતમાં ઠંડીની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે વાવાઝોડાની સાઇડ ઇફેક્ટના કારણે વાતાવરણ પર અસર નોંધાઇ છે. તાજેતરમાં ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને લઇ ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ હવામાન વિભાગના સૂત્રો કહી રહ્યા છે.

X
Weather forecast for moderate rainfall
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી