તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંબાજીમાં દર બે દિવસે 240 કિલો પ્રસાદી બને, રસોઈયા ચાખતા પણ નથી છતાં સ્વાદ એકધારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજી મંદિર - ફાઇલ તસવીર - Divya Bhaskar
અંબાજી મંદિર - ફાઇલ તસવીર
  • સોનાની થાળીમાં રાજભોગ ધરાવાયા બાદ ગાદી પરથી જ પ્રસાદ વિતરણ થાય છે
  • ભાદરવી મેળામાં અંદાજે 2.92 લાખ કિલો પ્રસાદી બને છે

ભાર્ગવ ઠાકર, અંબાજી મંદિરના પૂજારીઃ બનાસકાંઠાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદરૂપે અપાતા મોહનથાળનું વિશેષ મહત્ત્વ છે. દર બે દિવસે 240 કિલોથી વધુ પ્રસાદ તૈયાર થાય છે. જોકે એક પણ રસોઈયાએ આજદિન સુધી તૈયાર કરતી વખતે પ્રસાદ ચાખ્યો નથી. આમ છતાં આટલાં વર્ષોમાં ક્યારેય પ્રસાદના સ્વાદ, ગુણવત્તામાં રતિભર ફરક પડતો નથી. પ્રસાદ ક્યારેય ગેસ પર બનાવાતો નથી. અમે પરોઢિયે 5 વાગ્યે પ્રસાદી બનાવવાની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં લાકડાંને શુદ્ધની આહૂતિ આપવામાં આવે છે. ચૂલો પણ દિવાસળીથી નહીં દીવાની જ્યોતથી પ્રગટાવાય છે. 25 વર્ષથી 3 બ્રાહ્મણ રસોઇયા જ પ્રસાદી તૈયાર કરે છે. ત્રણ-ચાર કલાકમાં તો 24 પતરાં (240 કિલો) પ્રસાદ પાથરી દેવાય છે. પ્રસાદ માટે ચણાનો કકરો લોટ પાલનપુરની ફેક્ટરીમાંથી લાવવામાં આવે છે. એકવાર પ્રસાદ થઈ જાય પછી સોનાની થાળીમાં માતાજીને રાજભોગ ધરાવ્યા પછી જ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. અંબાજીના પ્રસાદની ખાસિયત એ છે કે, તે 1 મહિના સુધી બગડતો નથી. ભાદરવી મેળામાં અંદાજે 2.92 લાખ કિલો પ્રસાદી બને છે.

રેસિપી: આ રીતે પ્રસાદી બનાવાય છે

  • સૌથી પહેલાં 100 કિલો ખાંડની ચાસણી બનાવવામાં આવે છે.
  • ત્યાર બાદ ચણાનો કકરો લોટ ઘી સાથે ઉમેરી મિશ્રિત કરાય છે. આ મિશ્રણમાં દૂધ નાખ્યા બાદ તેને સેકી તેની પર ચાસણી નખાય છે.
  • અંતમાં આ મિશ્રણને પતરાં પર ઠંડું પાડવા માટે મૂકવામાં આવે છે અને ત્યાર બાદ તેને ચોરસ ભાગમાં કાપવામાં આવે છે.

‘મેં ઘરે બનાવી પણ મંદિર જેવી ન બની’
મંદિરના મુખ્ય ત્રણ રસોઇયા પૈકી એક રસોઇયાએ કહ્યું કે, ‘હું 25 વર્ષથી પ્રસાદ બનાવું છું. અમે મંદિરમાં પ્રસાદી બનાવીએ છીએ તે રીતે ઘરે બનાવવાનો ઘણી વાર પ્રયાસ કર્યો છે, પણ તેમાં મંદિરમાં બનતી પ્રસાદી જેવો સ્વાદ આવતો નથી. જ્યારે મંદિરનો સ્વાદ એકધારો રહે છે.’