પક્ષ / દલિતોને વરઘોડાનો અધિકાર, સરકાર દલિતો સાથે હંમેશા છે અને રહેશે: પ્રદિપસિંહ જાડેજા

ખંભીસરથી માડી ગામ પહોંચેલી જાનની ફાઈલ તસવીર
ખંભીસરથી માડી ગામ પહોંચેલી જાનની ફાઈલ તસવીર

  • DySP ફાલ્ગુની પટેલ સામે અરવલ્લી SPને તપાસ કરવા ગૃહરાજ્યમંત્રીનો આદેશ
  • રાજ્યમાં સામાજીક સમરસતાનું વાતાવરણ બની રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ
  • ગુજરાતની શાંતિ હણનારા તત્વો દ્વારા રાજ્યની શાંતિ ડહોળવાના પ્રયત્નોને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં

DivyaBhaskar

May 15, 2019, 03:11 PM IST

ગાંધીનગર: ઉત્તર ગુજરાતમાં દલિતોને વરઘોડો કાઢવા બાબતે થયેલા હુમલાના બનાવો બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી. ગઈકાલે જ દલિત નેતા જિગ્નેશ મેવાણીએ સરકારી કાર્યવાહી નહીં કરે તો આંદોલન કરવાની ચીમકી આપીને દલિત મહાસંમેલનની જાહેરાત કરી હતી. ત્યારે રાજ્ય સરકાર વતી ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દલિતોને પણ વરઘોડા કાઢવાનો અધિકાર છે. સરકાર દલિતો સાથે હર હંમેશ છે અને રહેશે.
વરઘોડા દરમિયાન ઘટનાઓ ઘટી તે અત્યંત દુઃખદ: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યમાં સામાજીક સમરસતાનું વાતાવરણ બની રહે અને લોકો ભાઇચારાથી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં દલિત સમાજના યુવાનોને વરઘોડાનો અધિકાર છે પરંતુ રાજ્યમાં દલિત સમાજના વરઘોડા દરમિયાન જે ઘટનાઓ ઘટી રહી છે તે અત્યંત દુઃખદ છે. રાજ્ય સરકાર આ માટે સતત ચિંતિત છે. બનેલી ઘટનાઓ સંદર્ભે જે તત્વો સંડોવાયેલા હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. સરકાર હરહંમેશ દલિતોની સાથે છે અને કાયમ રહેશે જ.
લ્હોર ગામે પ્રથમ ઘટના બાદ તરત જ મુખ્યમંત્રીએ સંવેદના દાખવી: મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, કડી તાલુકાના લ્હોર ગામે પ્રથમ ઘટના બાદ તરત જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદના દાખવીને રાજ્યની શાંતિ, સલામતી અને ભાઇચારાની ભાવના ડહોળાઇ નહીં તે માટે સતત માર્ગદર્શન આપીને કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુચનાઓ આપી હતી. લ્હોર ગામે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા સ્થાનિક ધારાસભ્ય કરસનભાઇ સોલંકીએ રૂબરૂ પહોંચીને વિવિધ સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજીને તમામને સમજાવાયા હતા અને ગામમાં સુલેહ સ્થાપવાના પ્રયાસો પણ કરાયા હતા. સાથે સાથે રેન્જ આઇ.જી. અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની ત્વરિત કામગીરીના પરિણામે લ્હોર ખાતે જનજીવન ગણતરીની પળોમાં જ પૂર્વવત થઇ ગયું હતું.
વિધટનકારી તત્વોની ગુજરાતની શાંતિને હણવાનો પ્રયાસ: ગૃહ રાજ્યમંત્રી જાડેજાએ કહ્યું કે, ગુજરાત એ વિકસિત રાજ્ય છે. રાજ્ય સરકારની રાજકીય દ્રઢ ઇચ્છાશક્તિના પરિણામે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સુપેરે પરિસ્થિતિના કારણે રાજ્યમાં શાંતિ જળવાઇ રહી છે. ત્યારે કેટલાક વિધટનકારી તત્વો કે જે ચૂંટણીમાં હાર ભાળી ગયા છે તેઓ ગુજરાતની શાંતિને હણવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેને રાજ્ય સરકાર કયારેય સાંખી લેશે નહીં. આવા તત્વોને રાજ્યના સૌ પ્રબુધ્ધ નાગરિકો સારી રીતે ઓળખે જ છે. રાજ્યમાં ભાઇચારાની ભાવના વધુ બળવત્તર બને તે માટે સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કરીને રાજ્યના સૌ નાગરિકો પણ રાજ્ય સરકાર સાથે ખભે ખભા મિલાવીને દલિત સમાજની પડખે ઉભા રહીને સધિયારો આપે તે અત્યંત જરૂરી છે.
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, કડી તાલુકાના લ્હોર ખાતે બનેલા બનાવ સંદર્ભે પાંચ વ્યક્તિઓની અટકાયત કરાઇ છે. તેમજ મોડાસા તાલુકાના ખંભીરસર ગામે પણ દલિત સમાજ દ્વારા વરઘોડા માટે પોલીસ બંદોબસ્ત માંગતા પુરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ વરઘોડો શાંતિથી પૂર્ણ થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. વરઘોડા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા પુરતા પગલા લેવાયા હતા. જેના પરિણામે કોઇ ઘટના ઘટી ન હતી. નાયબ પોલીસ અધિક્ષક સામેના આક્ષેપો સંદર્ભે અરવલ્લી પોલીસ અધિક્ષકને તપાસ સોંપવામાં આવી છે અને અહેવાલ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરાશે.
પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો શાંતિપૂર્વક સંપન્ન થયો: તેમણે વધુમાં ઉમેર્યુ કે, પ્રાંતિજ તાલુકાના સીતવાડા અને બોરીયા ફળિયું ખાતે તથા વડાલી તાલુકાના ગાજીપુર ખાતે દલિત સમાજ દ્વારા દીકરા-દીકરીના લગ્ન સંબધે વરઘોડો કાઢવા સંદર્ભે પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા પુરતી તકેદારી રાખીને પુરતા પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો શાંતિપૂર્વક સંપન્ન થયો હતો અને કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નથી. સમાજના આગેવાનો દ્વારા ભાઇચારાની ભાવના બની રહે તે માટેના પ્રયાસો પણ થઇ રહ્યાં છે. ભાવનગર તાલુકાના વેળાવદર ખાતે કાઠી દરબાર દ્વારા દલિત યુવાનના વરઘોડામાં પોતાની ઘોડી આપીને અનેરૂ ઉદાહરણ સમાજને પુરૂ પાડયું છે ત્યારે રાજ્ય સરકારની સંવેદનશીલતા અને પ્રજાકીય સહયોગના પરિણામે રાજ્યમાં સામાજીક સમરસતાનું વાતાવરણ જળવાઇ રહે તે માટે આપણે સૌએ સહયારા પ્રયાસો કરવા પડશે.

X
ખંભીસરથી માડી ગામ પહોંચેલી જાનની ફાઈલ તસવીરખંભીસરથી માડી ગામ પહોંચેલી જાનની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી