સમી / કોડધા પાસે કચ્છના નાનારણમાં આવેલો વાડીલાલ ડેમ બે વર્ષ બાદ છલકાયો

The Vadilal Dam near Koddha, overflow after two years

  • ઘુડખર, નીલગાય અને  વિદેશીપક્ષીઓનું આશ્રય સ્થાન બનશે
  • એક કિમીના ડેમમાં 9600 ચોરસ ઘનમીટર પાણીનો સંગ્રહ

Divyabhaskar.com

Sep 16, 2019, 09:05 AM IST

હારિજઃ સમી તાલુકાના કોડધા નજીક કચ્છના નાના રણમાં પાટણ વન વિભાગે વરસાદી પાણીના સંગ્રહ માટે વર્ષ 1996-97માં બનાવેલો વાડીલાલ ડેમ બે વર્ષ બાદ છલકાયો છે. ગત 25 ફેબ્રુઆરીના રોજ મંત્રી દિલીપ ઠાકોરના હસ્તે ડેમને ઉંડો કરવાનું કામ શરૂ કરાયું હતું. જેના કારણે એક કિલોમીટરના ઘેરાવામાં પથરાયેલા આ ડેમમાં 9600 ચોરસ ઘનમીટર કરતાં વધુ પાણી સંગ્રહ થયું છે.

વન વિભાગના ફોરેસ્ટર વિજયસિંહ વાઘેલાએ કહ્યું કે, ડેમ (તળાવ) ઉંડો કરાતાં પાણીસંગ્રહની ક્ષમતા વધી છે. જેના કારણે આગામી ચોમાસા સુધી ઘુડખર અને નીલગાય જેવા સ્થાનિક વન્ય પ્રાણીઓને પીવા માટે પૂરતું પાણી મળી રહેશે. સાથે શિયાળામાં મોટી સંખ્યામાં વિદેશીપક્ષીઓ આવતાં પક્ષીવિદો સાથે પ્રવાસીઓનો ધસારો પણ વધશે. ઉલ્લેખનીય છે કે, વાડીલાલ ડેમ સાઈટ ખાતે દરેક શિયાળા દરમ્યાન ફ્લેમિંગો, કોમાં, પેન, ડૂબકી, સારસ, ઉલ્ટી ચાંચ, ટીટોન્ડી, ભગતડું, ગજપાંઉ, ચમચો, માજી કાળીયો, ઢંગની, કાળો કોશી અને વગડાઉ બટટોવટ્ટો અને ઢાંક જેવા પક્ષીઓ જોવા મળે છે. અહીંયા ઘુડખર સિવાય ઝરખ, રાણી બિલાડીઓ, સાબર સિંગા જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે. તો વનસ્પતિમાં ઊંટ મરોડ, ભોંય મરોડ, પીલૂ, દેશી બાવળ, સુબાબુલ જેવી રણીય વનસ્પતિ જોવા મળે છે.

પાટણ જિલ્લાનું એકમાત્ર ઇકોટુરિઝમ સ્પોટ
વાડીલાલ ડેમ પાટણ જિલ્લાનું એકમાત્ર ઇકો ટુરિઝમ સ્પોટ છે. જ્યાં વરસાદી પાણીના સંચય દ્વારા રણવિસ્તારને ફળદ્રુપ બનાવી વિવિધ વનસંપદાના ઉછેર સાથે વિસ્તારને હર્યો ભર્યો બનાવાયો છે. વાડીલાલ ડેમમાં નૌકાવિહાર અને શિયાળામાં હજારો યાયાવર પક્ષીઓની આવન જાવન વચ્ચે ડેમસાઇટ પ્રકૃતિવિદો અને વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અહીં પ્રવાસીઓ માટે ટેન્ટ, વોચટાવર પણ છે. ડેમસાઇટની સાથે અહીં રણદર્શન અને ઘુડખર સહિતના વન્યજીવો પણ જોવા મળે છે.

X
The Vadilal Dam near Koddha, overflow after two years

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી