• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Chancellor In Charge Takes A Salary Of 1.77 Lakh Instead Of 44 Thousand: The Trustee, Paid According To The Rules, Is Wrong If Ready To Return The Salary: E. Chancellor

ઈન્ચાર્જ કુલપતિ 44 હજારના બદલે 1.77 લાખ પગાર લે છેઃ ટ્રસ્ટી, નિયમ મુજબ ચુકવાય છે ખોટું હશે તો પગાર પરત કરવા માટે તૈયારઃ ઈ. કુલપતિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ચાર્જ કુલપતિ પર કોલેજના ટ્રસ્ટી દ્વારા વધુ એક ભ્રષ્ટાચારનો આક્ષેપ
  • છ માસમાં યુનિવર્સિટીમાંથી 7.50 લાખ રૂપિયા પગાર લઇ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ -1988 મુજબ ફોજદારી ગુન્હો કર્યો હોવાના આક્ષેપો કરાયા

પાટણઃ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ પર કોલેજના ટ્રસ્ટી દ્વારા વધુ એક ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં ઇન્ચાર્જ કુલપતિ ડો.અનિલ નાયક દ્વારા યુનિવર્સિટીમાંથી સત્તાનો દુરઉપયોગ કરી કાયમી કુલપતિનો પગાર લઇ છ માસમાં 7 લાખથી વધુનો ભ્રષ્ટાચાર  આચાર્યો હોવાની રાવ સાથે સરકાર અને યુનિવર્સિટીને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે કુલપતિ દ્વારા આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી નિયમ મુજબ જ પગાર લીધો હોવાનું જણાવી  જો સરકારના નિયમ વિરુદ્ધ ખોટી રીતે પગાર લીધો હશે તેવું સાબિત થશે તો પગાર પરત કરવાની તૈયારી બતાવી હતી.
 
યુનિ.માં ડો.અનિલ નાયકની ઇન્ચાર્જ કુલપતિ તરીકે ખોટી રીતે નિમણુંક કરી હોવાની સુજાણપુર કોલેજના ટ્રસ્ટી દશરથ પટેલ દ્વારા કોર્ટમાં કો વોરંટો પિટિશન દાખલ કરી છે. ત્યારે ઇસી મેમ્બરો દ્વારા ટ્રસ્ટીની કોલેજને મંજૂરી ન આપતા કુલપતિને દબાવવા ખોટી પિટિશન કરી હોવાના બચાવ કરી રહ્યા છે ત્યારે ટ્રસ્ટી અને અને યુનિ.ના સત્તાધીશો આમને સામને એક બીજા પર આક્ષેપોનો મારો કરી રહ્યા છે.
 
ત્યારે શુકવારે ટ્રસ્ટી દશરથ પટેલ દ્વારા પાટણમાં પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે ઇન્ચાર્જ કુલપતિ અનિલ નાયકને પોતાના પગારથી 10 ટકા વધુ ભથ્થું મળવા પાત્ર હોવા છતાં સત્તાનો દૂર ઉપયોગ કરી કાયમી કુલપતિનો પગાર લઈ રહ્યા છે અને માસિક 44 હજારના બદલે તેઓ 1.77 લાખ રૂપિયા પગાર લઇ ફક્ત છ માસમાં યુનિ.માંથી 7.50 લાખ રૂપિયા પગાર લઇ ભષ્ટાચાર નિવારણ અધિનિયમ -1988 મુજબ ફોજદારી ગુન્હો કર્યો હોવાના આક્ષેપો કર્યા છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે આ બાબતે તપાસ કરવા યુનિવર્સિટી તેમજ સરકારને રજૂઆત કરી છે જો આ બાબતે કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ફોજદારી કાર્યવાહી કરીશું.
 

કોલેજ માટે મંજૂરી ન આપતા ખોટો બદનામ કરવા પ્રયાસ કરી રહ્યા છે: ઇ.કુલપતિ 
ડો.અનિલ નાયકે જણાવ્યું કે યુનિ.ના એકાઉન્ટન્ટ વિભાગ દ્વારા શરૂઆતથી મને એમના નિયમ મુજબ પગાર ચુકવાય છે મેં સામેથી કોઈ પગારની માંગણી કરેલ નથી છતાં મને મળેલ પગાર સરકારના નિયમ વિરુદ્ધ હશે તો હું પરત કરવા તૈયાર છું આમાં કોઈ ભ્રષ્ટાચારની વાત જ નથી કોલેજને જોડાણ માટે મંજૂરી ન આપતા ખોટો બદનામ કરવા માટે લોકો પ્રયાસ કરી રહ્યા છે. 
 

ખોટી રીતે પગાર ચૂકવી ભ્રષ્ટાચાર કરી રહ્યો હોય સરકારમાં રજૂઆત કરી છે : દશરથ પટેલ
દશરથ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત મુલ્કી સેવા નિયમો-47 અને 27 મુજબ જે કર્મચારીને પોતાની ફરજ સિવાય બીજા હોદાનો ચાર્જ સોંપાય તેના સંભાવી (ચાર્જ માટેનો પગાર) મૂળ પગાર ઉપર 10 ટકા એલાઉન્સ આપી શકાય છે તેનાથી વધુ નહીં જે ગુજરાત સરકારનો આ નિયમ તમામ કર્મચારીઓને લાગુ પડે છે. પરંતુ યુનિવર્સિટીમાં અનિલ નાયકને તેના મૂળ પગાર અને 10 એલાઉન્સ સાથે 44 હજાર રૂપિયા મળવા પાત્ર પગાર સામે કાયમી કુલપતિનો 1.77 લાખ પૂરો પગાર અપાય છે તે ખોટી રીતે પગાર ચૂકવી ભ્રષ્ટાચાર કરી રહ્યો હોય મેં સરકારમાં રજૂઆત કરી છે
 

ઇ.કુલપતિને કાયમી કુલપતિ જેટલો પગાર ચૂકવાય છે : યુનિ. એકાઉન્ટન્ટ અધિકારી 
યુનિવર્સિટીના એકાઉટન્ટ અધિકારી એ.આર.મકવાણાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં કુલપતિ માટે નિયમ મુજબ જે બેઝીક પગાર હોય છે તે ઇન્ચાર્જ કુલપતિને આપવામાં આવે છે.કારણ કે હોદાની રાહે ઇન્ચાર્જ કુલપતિની કામગીરી યુનિવર્સિટીમાં ફૂલ ટાઈમ હોય છે. જેથી એવો નિયમ નથી કે પગાર ન આપી શકાય છતાં અમને રજૂઆત મળી છે તે બાબતે અમે તપાસ કરીશું.