માઉન્ટ આબુમાં ભૂકંપને પગલે પ્રવાસીઓ હોટલો છોડી રસ્તા પર ઉતર્યા, દીવાલોમાં તિરાડ પડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રવાસીઓ હોટલો છોડી રાતોરાત ગાડીઓમાં રવાના થઈ ગયા
  • પશ્ચિમ રાજસ્થાનથી અમદાવાદ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો

પાલનપુર/ માઉન્ટ આબુ: ઉત્તર ગુજરાતની પડખે આવેલા પર્યટન સ્થળ માઉન્ટ આબુથી લઇ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં બુધવારે રાત્રીના 10:31 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. 4.8 તીવ્રતાના ભૂકંપના આંચકાથી પ્રવાસીઓ હોટલો છોડીને બહાર નીકળી ગયા હતા. જ્યારે ત્યાંની ઈમારતોની દીવાલોમાં તિરાડ પડી હતી. ભૂકંપનું એપિસેન્ટર પાલનપુરથી 31 કિલોમીટર દૂર નોંધાયું હતું ત્યારે 10 સેકન્ડ સુધી અનુભવાયેલા આંચકાથી લોકો ગભરાઈને બહાર દોડી ગયા હતા.
ગિરિમથક પર ભૂકંપનો આંચકો: ઉનાળાની કાળઝાળ ગરમીનો આખો દિવસ હેરાનગતિથી પસાર કર્યા પછી રાત્રે ઠંડક હજુ માંડ પ્રસરી ત્યાં રાત્રે લગભગ 10.30 કલાકે જોરદાર ભૂકંપ આવતા સમગ્ર ઉત્તર ગુજરાત સહિત ગિરિમથક માઉન્ટ આબુ આસપાસના વિસ્તારોની ધ્રુજાવી દીધા હતા. ભૂકંપની અસર માઉન્ટ આબુ, આબુ રોડ, પાલનપુર, ડીસા, રાજસ્થાનના સિરોહી પંથક તેમજ સમગ્ર પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા ,સાબરકાંઠા જિલ્લાના મોટા વિસ્તારોમાં ભૂકંપ અનુભવાયો હતો.
ભૂકંપને પગલે કોઈ જાનહાની નહીં:  ભૂકંપ અનુભવાતા માઉન્ટ આબુમાં વેકેશનની મોજ માણી રહેલા લોકો હોટલમાંથી તેમજ રેસ્ટોરાંમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપને પગલે ઘણી જગ્યાએ દીવાલોને તિરાડો પડી હતી. જો કે ભૂકંપને પગલે કોઈ જાનહાનીના સમાચાર નોંધાયો ન હતા. ભૂકંપને પગલે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રવાસીઓ આબુ છોડી ગયા: માઉન્ટ આબુમાં કેટલીક બિલ્ડિંગના કાચ તૂટી ગયા હતા. ભૂકંપના આંચકાના કારણે મધરાતે માઉન્ટ આબુના પહોંચેલા લોકો રસ્તા પર આવી ગયા હતા. વિવિધ વિસ્તારથી પહોંચેલા પ્રવાસીઓમાં ડર ઊભો થતાં વાહનોમાં બેસી રાતોરાત ગિરિમથક માઉન્ટ આબુ છોડીને જતા રહ્યા હતા. રાત્રિના સમયે અનેક લોકો હોટલો ખાલી કરીને ગુજરાત તેમ જ રાજસ્થાન તરફ નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
(માહિતી અને તસવીર: જીતેન્દ્ર પઢિયાર, પાલનપુર)