સફળતા / ધો. 7 પાસ ખેડૂતે 6 મહિનામાં માત્ર 1.40 લાખમાં મિની ટ્રેક્ટર બનાવ્યું

  • થરાદના દાંતિયાના ખેત મજૂરોની સમસ્યા નિવારવા ટ્રેકટર બનાવ્યું

Divyabhaskar.com

Sep 16, 2019, 06:00 PM IST

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી તેમજ અન્ય ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. ત્યારે થરાદ તાલુકાના દાંતીયા ગામના 7 પાસ ખેડૂતએ મજુરોની અછતને લઇ મીની ટ્રેકટર બનાવવાનો વિચાર કર્યો અને 6 માસની અંદર રૂ. 1.40 લાખના ખર્ચે મીની ટ્રેકટર બનાવ્યું હતું. આમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એન્જિનિયરો અને મિકેનીકલોને પણ પાછળ પાડી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતીયા ગામના 7 પાસ ખેડૂત નાગજીભાઈ નરસેગાભાઇ પટેલએ મીની ટ્રેક્ટર બનાવ્યું છે. દાડમના વાવેતરમાં થરાદ તાલુકો મોખરાનું નામ ધરાવે છે. ત્યારે ખેડુતે દાડમના બગીચામાં ઓછી મજુરી થાય અને થોડો ખર્ચ થાય એવી રીતે ટ્રેક્ટર બનાવ્યું છે. ખેડૂત નાગજીભાઇ ખેતી કામમાંથી ટાઇમ બચાવીને છ માસની મહેનતના અંતે મીની ટ્રેકટર તૈયાર કર્યું છે. આવા મીની ટ્રેકટરો બજારમાં રૂપિયા 2.80 લાખ સુધી વેચાઇ રહ્યા છે. ત્યારે ખેડૂતે પોતાની આગવી સૂઝથી નજીવી કિંમત રૂ.1.40 માં ખેતી કામ કરતું ટ્રેક્ટર બનાવ્યું છે.

આ અંગે નાગજીભાઇ પટેલએ જણાવ્યું હતું કે, ‘મારે 20 એકર જેટલી જમીન છે. જેમાં અંદાજે 7 એકરમાં દાડમની ખેતી છે. જેમાં દાડમના બગીચામાં ખેતી કરવા માટે મજુરો મળતાં ન હતા. એટલે વિચાર આવ્યો કે મજુરી ખર્ચ બચે અને ઝડપી કામ થાય એવા આશયથી ટ્રેકટર બનાવવાનું શરૂ કર્યું હતું. જેમાં ઇન્ટરનેટ અને મારા નોલેજ પ્રમાણે 6 માસની અંદર 10 હોર્સ પાવરનું ટ્રેકટર બનાવ્યું છે. જેમાં બજારના ટ્રેકટર કરતાં ડીઝલની બચત થાય છે.’ અત્યારે તેમની પાસે તાલુકાના અનેક ખેડૂતો પ્રેરણા લેવા અને આ મીની ટ્રેકટર દેખવા માટે આવી રહ્યા છે.

ઓજારો પોતાના હતા અને રોજ 2 કલાક મજૂરી કરી
માત્ર સાત ચોપડી ભણેલા નાગજીભાઇ પાસે વેલ્ડિંગ માટેના ઓજારો પોતાના હતા. જાતેજ મજૂરી કરી 2 કલાક ટ્રેકટર માટે કાઢતા હતા. જાતેજ નવું શીખતાં હતા, ક્યારેક નિષ્ફળતા મળતી હતી પરંતુ પોતાના કાર્યને પડતું મૂક્યું ન હતું. સતત પરિશ્રમ અને ધગશ સાથે આગળ વધતા નાગજીભાઈને આખરે સફળતા મળી ગઈ અને પોતાના સપના મુજબનું ટ્રેકટર તેઓ તૈયાર કરી શક્યા.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી