તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાંગરોડીયાના CRPF જવાનનું અકસ્માતમાં મોત, વતન લવાતાં ગામ હીબકે ચઢ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાગપુરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હંસરાજ આહીરના કાફલા સાથે હતા
  • માર્ગમાં ડમ્પર અને CRPFની ગાડી વચ્ચે અકસ્માત
  • શહીદ ફલજીભાઇને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ ક્રિયા કરાઇ

વડગામ-છાપીઃ વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામના જવાન સીઆરપીએફ બટાલીયનમાં ફરજ બજાવતાં હતા. જે નાગપુરમાં માર્ગ અકસ્માતમાં શહીદ થતાં પાર્થિવ દેહને મુંબઇથી વિમાનમાં અમદાવાદ લાવ્યા બાદ વતન ભાંગરોડીયા ગામ લવાતાં આખું ગામ હીબકે ચઢ્યું હતું. જેમની અંતિમવિધીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. જેમને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધી કરવામાં આવી હતી.
 
ફલજીભાઇ સરદારભાઇ પટેલ (ઉં.વ.-32) જેઓ છેલ્લા આશરે 11 વર્ષથી સીઆરપીએફમાં ફરજ બજાવતાં હતાં. મહારાષ્ટ્રના નાગપુર ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી હંસરાજ આહીરના કાફલા સાથે હતા. તે સમયે રસ્તામાં ડમ્પર અને સીઆરપીએફની ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા ફલજીભાઇ પટેલ અને બાજુમાં બેઠેલા ડ્રાયવરનું ઘટના સ્થળે નિધન થયું હતું. જ્યારે અકસ્માતમાં ઘાયલ ચાર જવાનોને હોસ્પિટલ રિફર કરાયા હતા. જવાનના મૃતદેહને પી.એમ. અર્થે મોકલી ત્યાંથી કાર્યવાહી પૂર્ણ થયા બાદ મુંબઇથી અમદાવાદ એરપોર્ટ પર પ્લેનમાં મૃતદેહ લાવવામાં આવ્યો હતો. 
 
સીઆરપીએફ બટાલિયનના 15 જવાનો તેમના વાહનમાં માદરે વતન લાવતાં ગામ સહિત આસપાસના લોકો મોટી સંખ્યામાં ભાંગરોડીયા દોડી આવ્યા હતા. ફલજીભાઇની અંતિમયાત્રામાં સગા-સંબંધીઓ ગામના તમામ સમાજ સાથે લઘુમતી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં. ફલજીભાઇ અમર રહોના નારાથી ગામની ગલીઓ ગુંજી ઉઠી હતી. સ્મશાનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમક્રીયા કરાઇ હતી. ફલજીભાઈ પરિવારને મળવા પંદર દિવસ પૂર્વે વતન આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. 
 

સરદારભાઇ પટેલે ત્રણ પુત્રો પૈકી એક ગુમાવ્યો​​​​
સરદારભાઇને ત્રણ પુત્રો હતાં. જેમાં મોટા દિનેશભાઇ, બીજા નંબરે ફલજીભાઇ અને નાનો રાજેશભાઇ છે. ફલજીભાઇના લગ્ન પણ થયા ન હતાં. માત્ર તેમના સગપણ જ નક્કી કરાયા હતા. ઘરના કુટુંબની જવાબદારી ફલજીભાઇ નિભાવતા હતા. સીઆરપીએફ જવાનમાં ફરજ બજાવતાં ફલજીભાઇના અચાનક નિધનથી કુટુંબીજનો શોકાતુર બની ગયા હતા.અંતિમવિધીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
 

અંતિમયાત્રા દરમિયાન દેશ ભક્તિના ગીતો
વીર શહીદ જવાનની અંતિમયાત્રા દરમિયાન દેશ ભક્તિના ગીતો ડી.જે. દ્વારા વગાડતા વાતાવરણ ગમગીન બન્યું હતું. જ્યારે યાત્રામાં હાજર સૌની આંખો ભીની બની ગઈ હતી.