તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઢ ગામમાં ભાજપની સભામાં જિલ્લા પ્રભારી સામે પાટીદારોનો હોબાળો, ખુરશી છોડી મંચ પર ચડ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સભા દરમિયાન આક્રોશ ઠાલવી રહેલો પાટીદાર યુવાન - Divya Bhaskar
સભા દરમિયાન આક્રોશ ઠાલવી રહેલો પાટીદાર યુવાન
  • ખાટલા બેઠકમાં પાટીદાર યુવકોએ કેસો ખેંચાવવા મુદ્દે ભાજપના હોદ્દેદારોને ઉધડો લીધો
  • પાટીદાર અનામત આંદોલન વખતે ગઢમાં જે 167 પાટીદાર યુવાનો ઉપર કેસો થયા હતા
  • અમારા કેસો પાછા ખેંચીલો તમારે આ વિસ્તારમાં ભાજપનો પ્રચાર કરવાની જરૂર નથી

પાલનપુરઃ તાલુકાના મડાણા (ગઢ) ખાતે બુધવારે પાટીદાર સમાજનાં આગેવાનો સાથે ગોરધન ઝડફીયા ખાટલા બેઠક યોજવા આવવાના હતાં. પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તેઓ ન આવી શકતા બનાસકાંઠા ભાજપના પ્રભારી દુષ્યંત પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પાટીદારો ઉપર થયેલા કેસો પાછા ખેંચવા મુદ્દે પાટીદાર યુવાનોએ હોબાળો કર્યો હતો અને ભાજપના સ્થાનિક આગેવાનો સામે ભારે રોષ ઠાલવ્યો હતો. તેમજ પાટીદાર યુવાનો ખુરશી છોડીને મંચ પર ચડી ગયા હતાં.

ત્રણ વર્ષથી રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથીઃએસ.પી.જી.
દુષ્યંત પંડ્યાએ જણાવ્યું હતું કે ‘પાટીદાર સમાજ હમેશાં ભાજપની સાથે જ રહ્યો છે. માંગણી અનુસાર ચૂંટણી પૂરી થયાં બાદ રોડ બનાવવાની ખાતરી આપી હતી.’ ત્યાર બાદ આભારવિધિ કરવા માટે ઉભા થયેલ બનાસકાંઠા જિલ્લાના એસ.પી.જી પ્રમુખ દેવાભાઈ સાળવીએ ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જણાવ્યું હતું કે 2014માં પાટીદારો ભાજપની સાથે હતાં અને હાલમાં પણ છે.પરંતુ પાટીદાર અનામત આંદોલન વખતે ગઢમાં જે 167 પાટીદાર યુવાનો ઉપર કેસો કરવામાં આવ્યા તેની ત્રણ વર્ષથી રજૂઆત કરી રહ્યો છું, પણ ભાજપમાં કોઈ અમારૂ કોઈ સાંભળતું નથી. તેમજ કેસો પાછા ખેંચવા આપ હજુ મુખ્યમંત્રીની મુલાકાત લઈને રજૂઆત કરવાની વાત કરો છો? અમારા પરના કેસો પાછા ખેંચી લો તો તમારે આ વિસ્તારમાં ભાજપનો પ્રચાર કરવાની જરૂર નથી.અમે ભાજપનો પ્રચાર કરીશું.

નીતિન પટેલે કેસો પાછા ખેંચવા વાત કરી પણ ખેંચાયા નથી
દેવાભાઈ સાળવીએ વધુમાં ઉમેર્યું કે, અગાઉ અમને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ કેસો પાછા ખેંચવાની વાત કરી હતી.પરંતુ હજુ સુધી કેસો પાછા ખેચવામાં આવ્યાં નથી.બાદમાં ઉશ્કેરાયેલા પાટીદાર યુવાનોએ ભાજપનાં હોદ્દેદારોનો ઉધડો લીધો હતો.અને આ બેઠકમાં થોડીવારમાં પાટીદાર યુવાનો ખુરશીમાંથી ઉભા થઇ મંચ ઉપર આવીને ભારે આક્રોશ ઠાલવ્યો હતો.જોકે અગ્રણીઓએ પાટીદાર યુવાનોએ શાંત પાડ્યા હતાં.

( તસવીર અને માહિતી- જીતેન્દ્ર પઢિયાર, પાલનપુર)