તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠાકોર સમાજને મનાવવા ખુદ CM રૂપાણીને દિયોદર દોડી જવું પડ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઠાકોર સમાજે મને મળવા બોળાવ્યો છે એટલે તમારી સમક્ષ આવ્યો છુ: રૂપાણી
  • બનાસકાંઠામાં પાલનપુર, દિયોદર અને પાંથાવાડામાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સભા સંબોધી

દિયોદર: બનાસકાંઠામાં ચૌધરી સમાજ બાદ સૌથી વધુ વોટ ઠાકોર સમાજના છે.લોકસભાની ટિકિટ ન આપતા ઠાકોર સમાજ ભાજપથી નારાજ છે. દિયોદર વિધાનસભાની સીટ ઠાકોર ઉમેદવારને અપાઈ હોવા છતાં હારી ગયા હતા. દરમિયાન અલ્પેશ ઠાકોરે પોતાની સેનામાંથી ઉમેદવાર ઉભો કરતા વોટના વિભાજનમાં ભાજપને નુકસાન થાય તેવી શક્યતાના પગલે ઠાકોર સમાજના નેતાઓને મનાવવા ખુદ સીએમ રૂપાણી દિયોદર દોડી આવ્યા હતા અને સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને ઠાકોર સમાજના આગેવાન કેશાજી ચૌહાણ, ડીસાના ઠાકોર સમાજના આગેવાન લેબજી ઠાકોર, પાલનપુરના ઠાકોર સમાજના આગેવાન મેરુજી ધૂંખ સહિતના હાજર રહ્યા હતા.

આ વખતે વ્યાજ સાથે મત આપો હું સવાયા વ્યાજ સાથે પાછું આપીશ: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ઠાકોર સમાજના આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે "ઠાકોર સમાજના આગેવાનોએ મને મળવા બોલાવ્યો એટલે આપ સમક્ષ આવ્યો છું. ગુજરાતની નવી સરકારને સવા વર્ષ થયું છે. સમાજની જે આવશ્યકતા હશે તે માટે ધડાધડ નિર્ણયો કરીશું. દેવું છે તો વટથી દેવું છે. કરવું છે તો હિંમતથી કરવું છે. લોકોના કામ કરવાના જ હોય. ગઈ ચૂંટણીમાં થોડું ઓછું થયું હતું. કોંગ્રેસને મત મળી ગયા હતા. આ વખતે વ્યાજ સાથે મતો આપવા. તેના સવાયા વ્યાજ સાથે હું પરત આપીશ. આખું ઠાકોર સમાજ વિકાસની કેડી તરફ આગળ વધે.’

પાલનપુરમાં ખાનગી યુનિટમાં પાટીદાર આગેવાનો સાથે મુખ્યમંત્રીની બેઠક: પાલનપુરમાં જાહેર સભા સંબોધ્યા બાદ પાણીએ પાલનપુરમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે ખાનગી યુનિટમાં બેઠક કરી હતી અને સમાજના કમીટેડ વોટ ઉપરાંત જે બીજે જાય છે તે પણ અહીં વોટ કરે તેવી અપીલ કરી હતી. જોકે રૂપાણીની આ બેઠકથી મીડિયાને દૂર રખાયું હતું. ઉલ્લેખનીય છે કે ગઢમાં અનામત આંદોલન સમયે પોલીસ દ્વારા ફાયરિંગ કરાયું હતું ત્યાર બાદની સ્થિતિને લઈ પાટીદાર યુવાનો વિરુદ્ધ કેસો કરાયા હતા જેને લઈ સમાજના યુવાનોમાં હજુ નારાજગી છે તેવામાં આ બેઠક સૂચક બની હતી.

એક તરફ ચોરોની જમાત છે તો બીજી તરફ ચોકીદાર છે- રૂપાણી: સાંજે રાજ્યના રૂપાણીની જાહેર સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ અને તેના ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા.અને કહ્યું હતુંકે " કોંગ્રેસ કહે છે કે મુસ્લિમોનો વિકાસ નથી થયો તેમને લાભો મળવા જોઈએ તો અમારા શાસનમાં તો મહમદભાઈને લાભ મળે તો મોહનભાઈને પણ લાભ મળવો જોઈએ અને પચાસ વર્ષ સુધી કોંગ્રેસે કેમ કાઈ કામ ના કર્યું તેમ કહી આડકતરી રીતે હિન્દુત્વ પર ભાર મુક્યો હતો. વધુમાં કહ્યું હતું કે એક તરફ ચોરોની જમાત છે તો બીજી તરફ ચોકીદાર છે તેમ કહી ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી.