પાલનપુરમાં 65 કરોડના ખર્ચે બનેલા 240 આવાસોમાં તકલાદી વીજ વાયરિંગના લીધે ફાળવવામાં 6 માસ મોડું થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોન્ટ્રાક્ટરે એક જ પાઇપમાં અનેક વાયરો ઉતારી દેતા વીજ કંપનીએ સર્ટીફીકેટ આપ્યું નહીં

પાલનપુર: 65 કરોડના ખર્ચે બનેલા 240 આવાસો તકલાદી વીજ વાયરિંગના લીધે ફાળવવામાં અત્યંત વિલંબ થઈ રહ્યો છે. પાલનપુરમાં રાજીવ આવાસ અંતર્ગત કામ કરનાર કોન્ટ્રાક્ટરે એક જ પાઇપમાં અનેક વાયરો ઉતારી દેતા વીજ કંપનીએ મીટર માટેના વીજજોડાણ આપ્યા નહોતા.જોકે પાલિકાના સ્ટાફે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી 20 દિવસ ખડે પગે રહી વીજ લાઈનનું કામ સુધારી લેતા મીટર ફાળવણી માટેનો રસ્તો મોકળો બનતા હવે ટેસ્ટ રિપોર્ટની કામગીરીનો આરંભ થયો છે.
પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં ઝૂંપડપટ્ટી પુનઃવસન યોજના અંતર્ગત 65 કરોડના ખર્ચે 240 આવાસો માર્ચ મહિનામાં સાંસદ હરિભાઈના હસ્તે જે તે અરજદારોને ફાળવવામાં આવ્યા હતા. જે તે મકાન માલિકોને પોતાના ફ્લેટની ચાવી મળી ગઈ હોવા છતાં તેમાં રહેવા જઈ શક્યા ન હતા. જેમાં વીજ મીટર અને પીવાના પાણીના બોરની વ્યવસ્થા ન હોવાથી આવાસો સુના હતા. આવાસ માટે  સામૂહિક મીટર લગાવવા માટે વીજ કંપનીએ તપાસ કરાવતા આવાસ યોજનામાં કરેલું વાયરીંગ હલકી કક્ષાનું તેમજ એક બ્લોકનું વાયરીંગ 1 જ પાઇપમાં કરી દેવાતા ભવિષ્યમાં વીજ ઉપકરણનું સામૂહિક નુકસાન થાય તેવી શક્યતાના પગલે વીજવિભાગે પાલિકાને નોટિસ પાઠવી હતી.જેને લઇ નગરપાલિકા દ્વારા તાત્કાલિક આવાસ યોજના તૈયાર કરનાર કોન્ટ્રાક્ટરને બોલાવી લાઈટનું બ્લોકવાઇસ ફીટીંગ નવેસરથી કરાવ્યું હતું. અંદાજિત 20 દિવસ કામ ચાલ્યા બાદ વીજ વિભાગે હવે અહીં નવી ડીપી ઉભી કરી છે.
ઉપરાંત પાલિકા દ્વારા મીટર લગાવવા માટે અરજદારો પાસેથી ટેસ્ટ રિપોર્ટ કરાવવાની કામગીરીનો આરંભ કર્યો છે.હાલ 145 અરજદારો દ્વારા નવા મીટર માટેની માગણી કરાઈ છે. જેના ટેસ્ટ રિપોર્ટ થયા બાદ નવા મીટર લગાવાશે.અહીં રહેવા આવતા દેવીપૂજક પરિવારના સભ્યએ જણાવ્યું કે "હાલ લાઇટના અભાવે દિવસે રહેવા માટે આવીએ છીએ."
પીવાના પાણી માટેની હજુ કોઈ વ્યવસ્થા નથી
એક અરજદારે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે મકાનો બનાવ્યા છે તેમાં પાણીની પાઈપલાઈનનું સુવ્યવસ્થિત નેટવર્ક ઊભું કરવામાં આવ્યું નથી અધૂરામાં પૂરું અહીં ઓવરહેડ પાણીની ટાંકી પણ બનાવવામાં આવી નથી. 240 પરિવારો રહેવા આવવાના હોય તો તેમના બાળકો માટે જે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી કોઇ વ્યવસ્થા અહીં કરવામાં આવી નથી જેથી અહીં રોગચાળાની સ્થિતિ જન્મી શકે તેમ છે.
 

અન્ય સમાચારો પણ છે...