ખેરવામાં ત્રણ મહિનાની પુત્રીને તળાવ કિનારે મૂકી માતાએ તળાવમાં પડતું મૂક્યું, શોધખોળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીને અટકાવવા દોડેલા 3 વ્યક્તિ પહોંચે તે પહેલાં તળાવમાં કૂદી પડી

મહેસાણાઃ ખેરવા ગામે ત્રણ દિવસથી પિયર આવેલી 21 વર્ષની યુવતીએ પોતાની 3 મહિનાની પુત્રીને તળાવ કિનારે રડતી મૂકી તળાવમાં મોતની છલાંગ લગાવી હતી. ઘટના સમયે દોડી ગયેલા ગામના 3 વ્યક્તિઓએ યુવતીને બચાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, ઘટનાના કલાકો બાદ પણ તળાવમાંથી લાશ નહીં મળતાં હવે ગુરુવારે શોધખોળ હાથ ધરાશે.
ખેરવાથી બે કિમી દૂર ગામતળાવ પાસે બુધવારે બપોરે 12.30 વાગે 3 મહિનાના બાળક સાથે ઉભેલી યુવતી વારંવાર તળાવ તરફ જતી જોઇ નજીકમાં ખેતરમાં કામ કરતા 3 વ્યક્તિઓ તળાવ તરફ દોડી ગયા હતા, પરંતુ ત્યાં પહોંચે તે પહેલાં જ યુવતી બાળકીને કિનારા પર મૂકી તળાવમાં છલાંગ લગાવી ચૂકી હતી. આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા સરપંચ ગોવિંદભાઇ પટેલે તપાસ કરતાં તળાવમાં પડેલી યુવતી આરતી બાબુભાઇ રાવળ (21) હોવાનું અને તે 3 દિવસથી પિયર આવી હોવાનું ખુલ્યું હતું. મહેસાણા પાલિકાની ફાયર ટીમને બોલાવી તળાવમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સાંજે 5 વાગ્યા બાદ વરસાદ આવતાં ટીમ પરત ફરતાં ગુરુવારે પુન: શોધખોળ હાથ ધરાશે.

પરિવારે કહ્યું, યુવતીને વળગણ વળગ્યું હતું
મહેસાણા તાલુકા પોલીસે તેના પરિવારના નિવેદન લીધા હતા. જેમાં યુવતીનાં સાસરિયાં ખૂબ સારાં છે. તેને વળગણ વળગેલું હોઇ કેટલાક સમયથી માનસિક હાલત ખરાબ હોવાનું જણાવ્યું હતું.

ગરમ પથ્થર પર સુવાડેલી બાળકી દાઝી
યુવતીએ 3 મહિનાની પુત્રીને તળાવ કિનારે પથ્થર પર મૂકી તળાવમાં પડતું મૂકયું હતું. માતાના મૃત્યુથી અજાણ બાળકી પણ રડતી હતી, તેને જ્યાં સુવડાવી હતી તે પથ્થર ગરમ હોઇ બાળકી દાઝી હતી.