અર્બન બેન્કના ડિરેકટર કિરીટ પટેલને પત્ની, પુત્ર, પુત્રી, જમાઇએ ફટકાર્યો, સામે પત્નીની પણ હુમલાની ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરનું મહાભારત : રણેલાની ઘટના, પુત્રને આપેલા નાણાંને લઇ ચાલી રહેલો ઘરકંકાસ મારામારી બાદ પોલીસથાણે પહોંચ્યો
  • લોખંડની પાઇપ અને ધોકાથી હુમલામાં ઘવાયેલા કિરીટ પટેલે મહેસાણા સિવિલમાં સારવાર લીધી, સોનાની માળા પડી ગઇ : જમાઇનો પણ શર્ટ ફાટી ગયો

મહેસાણા: લાંબા સમયથી ઘરમાં ચાલી રહેલા આંતરિક ડખા વચ્ચે મંગળવારે રાત્રે મહેસાણાની અર્બન બેંકના ડિરેકટર કિરીટભાઇ પટેલ ઉપર તેમની પત્ની, પુત્ર, પુત્રી અને જમાઇ સહિત પાંચ જણાએ લોખંડની પાઇપ, લાકડી અને હોકીથી કરેલા હુમલામાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તો સામે પક્ષે કિરીટભાઇની પત્નીએ પતિ, બે દિયર અને બે નણંદ સામે મોઢેરા પોલીસમાં મારામારીની ફરિયાદ નોંધાવી છે.   

મહેસાણા અર્બન બેંકના ડિરેકટર કિરીટભાઇ ભાઇલાલભાઇ પટેલ મંગળવારે રાત્રે રણેલા સ્થિત સરસ્વતી કોલેજ સંકુલમાં આવેલા તેમના મકાનમાં ટીવી જોઇ રહ્યા હતા, ત્યારે ઘરે આવેલા જમાઇ પરાગકુમાર અને પુત્રી શીતલબેને હરેશભાઇને આપેલા રૂ.5 લાખની ઉઘરાણી કરી હતી. કિરીટભાઇએ મેં તમારી પાસેથી પૈસા લીધા નથી, જેથી તમે તેની પાસેથી લઇ લો,કારણ કે અગાઉ પણ મેં તેનું દેવુ ચૂકતે કરેલું છે તેમ કહેતાંની સાથે તેમની પુત્રી, જમાઇ અને પત્નીએ બોલાચાલી કરી મારપીટ કરી હતી. આ સમયે હરેશ અને જીતેન્દ્ર સીતારામ પટેલે કિરીટભાઇના જમણા હાથે છરી તેમજ બંને પગ ઉપર હોકી મારી ઇજા પહોંચાડી હતી. જમાઇએ લોખંડની પાઇપ મારી હતી. ઝપાઝપીમાં કિરીટભાઇના ગળામાંથી સોનાની સાડા ત્રણ તોલાની તુલસીમાળા તૂટી ગઇ હતી. કિરીટભાઇ પટેલે મહેસાણા સિવિલમાં સારવાર લીધા બાદ પત્ની નીલાબેન સહિત 5 વ્યક્તિ સામે મોઢેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

સામાજિક ચર્ચા માટે બોલાવી જમાઇ પર હુમલો કર્યો : નીલા 
સામે પક્ષે કિરીટભાઇનાં પત્ની નીલાબેન પટેલે પણ પતિ સહિત 5 જણા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમના પતિ કિરીટભાઇએ પુત્રી શીતલ અને જમાઇ પરાગકુમારને પુત્ર હરેશ બાબતે સામાજિક ચર્ચા કરવા બોલાવ્યા હતા, પરંતુ તેમણે હરેશભાઇની ચર્ચામાં મારું શું કામ છે તેમ કહેતાં કિરીટભાઇએ તેમને અપશબ્દો બોલી શર્ટ ફાડી નાખ્યો હતો. જ્યારે તેમના દિયર નરેન્દ્રભાઇ અને દિનેશભાઇ તેમજ બે નણંદે ભેગા મળી નિલાબેન અને તેમની પુત્રી, જમાઇને લોખંડની પાઇપથી ગોંધા માર્યા હતા. જોકે, આ સમયે હોબાળો મચી જતાં ગામમાંથી લોકો દોડી આવતાં ભાગી ગયા હતા.

કિરીટભાઇની પત્ની, પુત્ર, જમાઇ સહિત 5 સામે મારામારીની ફરિયાદ
1.નીલાબેન કિરીટભાઇ પટેલ (પત્ની) રહે. રણેલા
2.હરેશ કિરીટભાઇ પટેલ (પુત્ર) રહે. મહેસાણા
3.જીતેન્દ્રકુમાર સીતારામ પટેલ રહે. ચાણસ્મા
4.શીતલ પરાગકુમાર પટેલ (પુત્રી) રહે. વિસનગર 
5.પરાગ યદુકાન્તભાઇ પટેલ (જમાઇ) રહે. વિસનગર

નીલાબેને પતિ, બે દિયર, બે નણંદ સામે રાયોટિંગની ફરિયાદ નોંધાવી
1.કિરીટ ભાઇલાલભાઇ પટેલ (પતિ) રહે. રણેલા
2.નરેન્દ્ર ભાઇલાલભાઇ પટેલ (દિયર) રહે. રણેલા
3.દિનેશ ભાઇલાલભાઇ પટેલ (દિયર) રહે. રણેલા
4.પાર્વતીબેન ભાઇલાલભાઇ પટેલ (નણંદ)
5.પ્રવિણાબેન ભાઇલાલભાઇ પટેલ (નણંદ)