ભૂગર્ભગટર વેરા મુદ્દે બંધના એલાનમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓ દ્વારા ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરાઇ, વેરો પાછો ખેંચવા માંગ

વિજાપુરઃ વિજાપુર પાલિકા દ્વારા લાગુ કરાયેલા ભૂગર્ભ ગટર વેરા મુદ્દે શુક્રવારે  બંધના એલાનમાં વેપારીઓએ બપોર સુધી દુકાનો બંધ રાખી  સમર્થન આપ્યું હતું. બાદમાં આ મામલે ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત પણ કરી હતી. વિજાપુર નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર વેરાનો બોજ નગરજનો ઉપર નાખવામાં આવતાં વિરોધ ઊઠ્યો છે. ગુરુવારે આ વેરો પાછો ખેંચવાની માંગ સાથે આવેદન આપ્યું હતું. જેમાં પોલીસે આઠ લોકોની અટકાયત કરી હતી. જે અનુસંધાને શુક્રવારે શહેર બંધનું એલાન આપતાં બપોર સુધી દુકાનો બંધ રહી હતી. આ સમયે પાલિકામાં વેપારીઓએ પણ વેરા મુદ્દે રજૂઆત કરી હતી. 
 
આ અંગે તનજીલ સૈયદ, મુસ્તકીમ સૈયદ, અસપાકઅલી સૈયદે જણાવ્યું કે, પાલિકા ચીફ ઓફિસર જયેશભાઇ પટેલે ભૂગર્ભ વેરા બાબતે સામાન્ય સભામાં જે નિર્ણય લેવાશે તે મુજબ અમલ કરાશે તેમ જણાવ્યું હતું. જ્યારે ભૂગર્ભ ગટર વેરા બાબતે શરૂઆતથી લડત આપનાર જગભાઈ બારોટે જણાવ્યું કે, ભૂગર્ભ ગટર વેરો પરત ખેંચવા અંગે મામલતદાર જી.કે. પટેલને આવેદનપત્ર સુપ્રદ કર્યું છે. યોગ્ય ન્યાય મળે તેવી સરકારને રજૂઆત આવેદનપત્ર સાથે કરી હતી, જેનો મામલતદારે સ્વીકાર કરી ન્યાય અપાવવા હૈયાધારણા આપી હતી. 
 

ગટર વેરો ઘરદીઠ રૂ.400 કરાતાં વિરોધ
રહેણાંક માટે વાર્ષિક પાણી વેરાનો દર 650થી રૂ.800, સફાઈ વેરો રૂ.213થી રૂ.300, દીવાબતી કર રૂ.88થી રૂ.120 કરી દેવાયા છે. ઉપરાંત, ભૂગર્ભ ગટર વેરો ઘરદીઠ 400 કરાતાં નગરજનોમાં આક્રોશ ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...