રૂ.50ના સ્ટેમ્પની અછત,અરજદારોને 20ના ત્રણ સ્ટેમ્પમાં રૂ.10નું નુકસાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આવક-જાતિના દાખલાના સોગંદનામામાં રૂ.20ના જૂના સ્ટેમ્પ પકડાવાય છે

મહેસાણાઃ રાજ્ય સરકાર દ્વારા  સ્ટેમ્પ ડ્યુટીના દરમાં તોતિંગ વધારો કરાયા પછી નવા દર મુજબના પૂરતા સ્ટેમ્પનો સ્ટોક જ ફાળવાયો નથી. રૂ.100ના કામકાજ માટેના સ્ટેમ્પનો દર વધારી રૂ. 200-300 કરી દેવાયો છે, પણ તેના સ્ટેમ્પ જ છપાઇને આવ્યા નથી. બીજી તરફ અરજદારોને આવક- જાતિના દાખલા માટે રૂ.50ના સ્ટેમ્પ નહીં મળતાં જૂના રૂ.20ના ત્રણ સ્ટેમ્પ પાછળ કુલ રૂ.60 ખર્ચવા પડે છે. તો કેટલાક અરજદારો રૂ.50ના સ્ટેમ્પ લેવા નવી કોર્ટ સુધી ચક્કર લગાવી રહ્યા છે.
છુટાછેડા લેખ, ગીરો છોડાવાના લેખ, લીઝ રિલીઝ લેખ, વહીવટી ખત, ટ્રસ્ટ લેખો સહિતની સ્ટેમ્પ ડ્યુટી દર રૂ.100થી વધારીને રૂ. 200 અને 300 અમલમાં મૂકાયા છે. જોકે, સ્ટેમ્પ ડ્યુટી રાજ્ય સ્તરેથી જ પખવાડિયુ વિત્યું છતાં હજુ નવા રૂ. 200 કે 300ના દરના સ્ટેમ્પ ફાળવાયા નથી. ટ્રેઝરી કચેરીના સૂત્રોએ કહ્યું કે, રૂ.100ના બે કે ત્રણ સ્ટેમ્પ ગ્રાહ્ય છે તેનો ઉપયોગ થઇ શકે.
મહેસાણા મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટરમાં રોજ આવક-જાતિ સહિતના દાખલા, સર્ટી કઢાવવા 500થી વધુ અરજદારો આવે છે. ત્યાં વેન્ડરો પાસે સોગંદનામા માટે જરૂરી નવા દર મુજબ રૂ.50ના સ્ટેમ્પ મળતા નથી અને જૂના રૂ.20ના  સ્ટેમ્પ થોકબંધ પડ્યા હોઇ તે અરજદારોને થમાવી રહ્યા છે.

અઠવાડિયામાં બે દિવસ ટ્રેઝરી કચેરી દરેક વેન્ડરને ને વધુમાં વધુ 200 સ્ટેમ્પ ફાળવે છે
મામલતદાર સંકુલમાં વેન્ડર સૂત્રો કહે છે, અઠવાડિયામાં બે દિવસ ટ્રેઝરી કચેરી દરેકને વધુમાં વધુ 200 સ્ટેમ્પ ફાળવે છે. જે વિતરણ થઇ ગયા પછી રૂ.20ના સ્ટેમ્પથી ચલાવીએ છીએ. કેટલાક નવી કોર્ટના વેન્ડરથી લઇ આવે છે. જોકે, રૂ.50ના દરના સ્ટેમ્પના બદલે જૂના રૂ.20ના દરના ત્રણ સ્ટેમ્પમાં અરજદારને રૂ.10નું નુકસાન થઇ રહ્યું છે. 

જિલ્લા ટ્રેઝરી અધિકારી ફ્રેન્કિંગ સુચવે છે, તો મહેસાણા મામલતદાર કહે છે ફરિયાદ નથી
જિલ્લા ટ્રેઝરી અધિકારી સ્ટેમ્પ ડ્યુટી ના.કલેકટર રાહે ડિમાન્ડ મુજબ સ્ટોક ફાળવાય છે તે મુજબ વિતરણ કરાય છે. ફ્રેન્કિંગનો વિકલ્પ પણ છે તેમ કહીને સ્ટેમ્પની ઘટની વાત ટાળી રહ્યા છે. જ્યારે મહેસાણા મામલતદારે કહ્યું કે, મારી પાસે કોઇ ફરિયાદ આવી નથી, ટ્રેઝરીથી સ્ટેમ્પ ફાળવાય છે.