‘વાયુ’ની અસર / મોડી રાત્રે ઉત્તર ગુજરાતમાં 25 કિમીની ઝડપે વાવાઝોડા સાથે વરસાદ, આજે પણ આગાહી

Rainfall with thunderstorm at 25 kmph in late night in North Gujarat today also predicted for rain and heavy wind

  • આજે બનાસકાંઠા-સાબરકાંઠામાં 40-50 અને મહેસાણા, પાટણ અને અરવલ્લીમાં 30-40 કિમીની ઝડપે વાવાઝોડા સાથે વરસાદની આગાહી
  • વિજાપુર- આનંદપુરા રોડ પર ત્રણ ઝાડ ધરાશાયી થયા
  • આરોગ્ય સહિત સરકારી કર્મચારીઓની રજા રદ
  • પાટણમાં 36 સગર્ભાઓને દવાખાનામાં દાખલ કરાઇ
  • સાંતલપુર પંથકના 180 અગરિયાને વતન મોકલાયા
  • મહેસાણા સહિત જિલ્લામાં લાઇટો ડૂલ, લોકો હેરાન થયા

Divyabhaskar.com

Jun 13, 2019, 07:41 AM IST

મહેસાણા: વાયુ વાવાઝોડાની તીવ્ર અસરના કારણે બુધવારે ઉત્તર ગુજરાતમાં હવાનું હળવું દબાણ સર્જાયું હતું. મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ 25 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું હતું અને પછી ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. આજે ગુરુવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં 40 થી 50 કિમી અને મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં 30થી 40 કિમીની ઝડપે વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા અપાઇ છે. વિજાપુર- આનંદપુરા રોડ પર ત્રણ ઝાડ ધરાશાયી થયા હતા. જ્યારે આરોગ્ય સહિત સરકારી કર્મચારીઓને હેડ કવાર્ટર નહીં છોડવા સૂચના અપાઇ હતી.
બુધવારે સાંજે વાતાવરણમાં પલટા બાદ અરવલ્લીના બાયડથી ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. હિંમતનગર થઇ મહેસાણા જિલ્લામાં વાવાઝોડું પ્રવેશે તે પહેલાં બાયડ, વડાગામ, પુંસરી અને હિંમતનગરમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. મોડી સાંજે વિજાપુરથી વડનગર, વિસનગર થઇ મહેસાણામાં વાવાઝોડું પ્રવેશ્યું હતું અને વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. રાત્રે પાટણ અને પાલનપુરમાં પણ વરસાદ શરૂ થયો હતો. મહેસાણા શહેરમાં 25 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. માત્ર 100 મીટરની વિજીલીબીટીના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, પવનરૂપી વાવાઝોડું આવતાં ટુ વ્હિલર હવામાં ફંગોળાતાં હોઇ રોડની બાજુમાં ઉભા રાખવાની ફરજ પડી હતી. જેને લઇ મુખ્ય હાઇવે પરનો ટ્રાફિક ધીમો પડ્યો હતો. જેના કારણે કેટલાક સ્થળોએ ટ્રાફિક જામના દ્રર્શ્યો સર્જાયા હતા. વાવાઝોડાના કારણે લાઇટો ડૂલ થઇ જતાં લોકો બફારાના કારણે અકળાયા હતા.
પાટણ જિલ્લાના 45 હજાર ખેડૂતોને વોઇસ મેસેજથી જાણ કરાઇ છે. સાંતલપુર, સમી, શંખેશ્વર તાલુકાના રણકાંઠાના ગામડામાં 36 સગર્ભા મહિલાઓને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. જ્યારે 180 અગરિયાઓને તેમના વતન પરત મોકલાયા છે. ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લામાં ફાયર વિભાગ, જીઇબી, વન, માર્ગ મકાન તેમજ તમામ ડિઝાસ્ટર વિભાગના કર્મચારીઓને ફરજ પરનું સ્થળ ન છોડવા આદેશ કરાયા છે.
સૌરાષ્ટ્ર, કચ્છ, દ.ગુ.ના એસટી રૂટોમાં કાપ
વાયુ વાવાઝોડુ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતને અસર કરવાની આગાહીને પગલે મહેસાણા એસટી વિભાગે 11 ડેપોથી આ રૂટમાં દોડતી બસોનું બુધવારથી શુક્રવાર સુધી થયેલું 425 ટિકિટ (સીટ) બુકિંગ રદ કરી દીધું છે. આ રૂટમાં 89 ટ્રીપો સમય સંજોગોને ધ્યાને રાખીને દોડાવાશે. વિભાગની રોજ 89 બસો માંડવી, નખત્રાણા, ભુજ, રાપર, મુન્દ્રા, દ્વારકા, સોમનાથ, વલસાડ, પોરબંદર, જામખંભાળીયા, ખંભાત, સુરેન્દ્રનગર, પાટડી, બોરીવલી, સેલવાસ, વાપી વગેરે રૂટમાં દોડે છે. હાલ આ તમામ બસો રાબેતા મુજબ જ-તે ડેપોથી બુધવારે ઉપડી હતી. જોકે, સાયક્લોનના સમય સંજોગો પ્રમાણે અંતિમ સ્ટેશન સુધી બસ ન જાય અને રૂટ ટૂંકાવી પણ શકાય છે તેમ વિભાગના સૂત્રોએ કહ્યું હતું.

X
Rainfall with thunderstorm at 25 kmph in late night in North Gujarat today also predicted for rain and heavy wind
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી