જીપમાંથી ઊતરતા જ ONGCની ગેસ લાઇનમાં વિસ્ફોટ; ડ્રાઇવર- સફાઇકર્મી, ખેડૂત સળગતી હાલતમાં 300 મીટર દોડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસથી ગેસ લીકેજ હતો, ચેક કરવા ONGCએ સફાઇકર્મીને મોકલ્યો : જીપમાં સ્પાર્ક થતાં ધડાકા સાથે આગ ફાટી, ત્રણ દાઝ્યા
  • સફાઇ કામદારે કહ્યું-સિફ્ટ ઇન્ચાર્જે લીકેજ લાઇન જોઇ હેડર પરના વાલ્વ બંધ કરવા મોકલ્યો હતો : ખેડૂત આખા શરીરે દાઝી ગયો છે
  • લીકેજનું તુરંત સમારકામ કર્યું હોત તો દુર્ઘટના સર્જાઇ ન હોત, આ ONGCની બેદરકારી છે : ખેડૂત

મહેસાણાઃ મહેસાણા તાલુકાના મીઠા ગામની સીમમાં ખેતરમાંથી પસાર થતી ONGCની પાઇપ લાઇનમાંથી બે દિવસથી થતું લીકેજ જોવા બુધવારે રાત્રે જીપ લઇને ગયેલા ખેડૂત, ONGCનો સફાઇ કામદાર અને ડ્રાઇવર જીપમાંથી નીચે ઉતર્યા ત્યાં જ ધડાકા સાથે જીપ અને ખેતરમાં  આગ ભડકી ઊઠી હતી. આથી ત્રણેય જીવ બચાવવા નેળિયામાંથી સળગતી હાલતમાં 300 મીટર સુધી દોડ્યા હતા. જેમાં ગંભીર રીતે દાઝી જતાં ત્રણેયને સારવાર માટે મહેસાણા લવાયા હતા, પરંતુ ખેડૂત 60 ટકાથી વધુ દાઝેલા હોઇ અમદાવાદ ટ્રાન્સફર કરાયા હતા. સાંથલ પોલીસે નોંધ  કરી છે. જીપ ચાલુ હોઇ સ્પાર્ક થવાથી બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે.
 
મહેસાણામાં રહેતા હિમાંશુભાઇ પટેલે તેમનું મીઠા ગામની સીમમાં આવેલું ખેતર રણછોડભાઇ રબારીને વાવણી માટે આપ્યું હતું. છેલ્લા બે દિવસથી આ ખેતરમાંથી પસાર થતી ONGCની પાઇપ લાઇનમાંથી ગેસ ગળતર થતું હોઇ રણછોડભાઇએ બુધવારે બલોલ જીજીએસ-1માં જઇ રજૂઆત કરી હતી. જેથી અત્રેના અધિકારીએ ONGCની જીપમાં સફાઇ કામદાર વિરમભાઇ શીવાભાઇ વાલ્મિકીને લીકેજ જોવા મોકલ્યા હતા. રાત્રે 7.30 થી 8 દરમિયાન જીપ નેળિયામાં ઉભી રાખી ખેડૂત રણછોડભાઇ, સફાઇ કામદાર વિરમભાઇ અને ડ્રાઇવર દશરથભાઇ તૂરી હજુ 5 ડગલાં ચાલ્યા હશે ત્યાં જ જીપ બ્લાસ્ટ સાથે સળગી ઊઠી હતી અને ખેતરમાં આગ ફેલાઇ ગઇ હતી. જેમાં ત્રણે જણા ગંભીર રીતે દાઝી જતાં મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં લવાયા હતા. જોકે, રણછોડભાઇ દેસાઇની હાલત કથળતાં તેમને અમદાવાદ ટ્રાન્સફર કરાયા હતા. ઇજાગ્રસ્ત સફાઇ કામદાર વિરમભાઇ વાલ્મિકીએ કહ્યું કે, સીફ્ટ ઇન્ચાર્જ પી.એસ. પ્રજાપતિએ સ્ટાફની શોર્ટેજ હોઇ લીકેજ લાઇન જોઇ હેડર પરના વાલ્વ બંધ કરવા કહ્યું હતું. જીપમાંથી ઉતર્યા અને ઘડીકમાં  જીપમાં બ્લાસ્ટ થયો હતો.
 

ટેકનિકલ ખામીને કારણે લીકેજ
 પાઇપ લાઇન લીકેજની માહિતી મળતાં જોવા ગયા તે સમયે બનાવ બન્યો છે. એફએસએલે લીકેજ પાઇપ લાઇનની ચકાસણી કરી છે, ટેકનિકલ ખામીને કારણે બનાવ બન્યો છે. હાલના તબક્કે જાણવા જોગ નોંધી છે.- જી.એ. સોલંકી, પીએસઆઇ, સાંથલ
 

જવાબદારો સામે પગલાં લો
બે દિવસથી લીકેજ હતું અને તેની ફરિયાદ કરવા છતાં પગલાં ન લીધા. જો લીકેજનું સમારકામ તુરંત કર્યું હોત તો આ હોનારત ન સર્જાત. આ ONGCની બેદરકારી જ કહેવાય, જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવાવાં જોઇએ. -  હિમાંશુ પટેલ, ખેતરમાલિક

ગેસ પાઇપલાઇનમાં આગની ઘટના સંબંધે ઇન્કવાયરી સોંપાઇ
બનાવને પગલે એસેટ મેનેજરે ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ ઇન્કવાયરી સોંપી છે. આમાં કોની ભૂલ કે બેદરકારી છે તે ઇન્કવાયરી રિપોર્ટ બાદ જ કહી શકાય. મેનેજરે ક્યા કારણોથી સફાઇ કામદારને મોકલ્યા તેનું હાલમાં કંઇ કહી શકું નહીં.- આર. મનીવાલ, પીઆરઓ ઓએનજીસી

અન્ય સમાચારો પણ છે...