પુત્ર મહોલ્લાની પરિણીતાને ભગાડી જતાં વૃદ્ધ માતા-પિતાનો ઝેરી દવા પી આપઘાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિજાપુરમાં પોસ્ટઓફિસ જવાના રોડના મહોલ્લાનો ચકચારી બનાવ
  • છેલ્લા એક મહિનાથી ઘરે બંને એકલા રહેતા હતા, સાંજે પાડોશીઓને ઘરમાં અવરજવર ન જણાતાં ઘરનો દરવાજો ખોલતાંની સાથે બંનેની લાશ જોવા મળી

મહેસાણાઃ વિજાપુર પોલીસ સ્ટેશનથી માત્ર અડધો કિ.મી.દૂર રહેતા વૃદ્ધ દંપતીએ શુક્રવારે સાંજે ઝેરી દવા પી ને આપઘાત કર્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. પોલીસનું કહેવું છેકે,વૃદ્ધ દંપતિનો પુત્ર મહોલ્લામાં રહેતી પરણિત મહિલાને ભગાડી ગયો હોઇ લાગી આવતાં વૃદ્ધ દંપતીએ આપઘાત કર્યો હતો. જોકે,  બનાવ સ્થળે કોઇ ચિઠ્ઠી મળી આવી નથી. આ અંગે વિજાપુર પોલીસે અકસ્માતે મોત અંગેની જાણવા જોગ નોંધી હતી.
 
વિજાપુર પોલીસ સ્ટેશનથી પોસ્ટ ઓફિસ તરફ જવાના માર્ગે આવેલા મહોલ્લામાં રહેતા ધનજીભાઇ પટેલ (ઉં.વ.75) અને હંસાબેન ધનજીભાઇ પટેલ (ઉં.વ.70)છેલ્લા એક મહિનાથી ઘરમાં એકલા રહેતા હતા. શુક્રવારે સાંજે 6 વાગે પડોશીઓએ ઘરમાં અવર-જવર ન જણાતાં તેમના ઘરનો અર્ધ ખુલ્લો દરવાજો ખોલતાંની સાથે જ ચોંકી ગયા હતા. ધનજીભાઇ અને તેમની પત્ની હંસાબેનને મૃત હાલતમાં પડેલા જોઇને ખરોડ ગામે રહેતા તેમના પિતરાઇ ભાઇને ફોન કરીને જાણ કરી હતી. જે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચીને બનાવ સંબંધે વિજાપુર પોલીસ સ્ટેશમાં જાણ કરી હતી.  
 
આ અંગે એ.એસ.આઇ.લાલજીભાઇ દેસાઇએ બંને લાશને વિજાપુર સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડીને મામલતદારને જાણ કરી હતી. એ.એસ.આઇ.લાલજીભાઇ દેસાઇએ જણાવ્યું કે,ધનજીભાઇ પટેલનો પુત્ર તરૂણ એક મહિના પહેલાં પડોશમાં રહેતી પરણિત મહિલાને ભગાડી ગયો હતો. જે બાબતે વૃદ્ધ દંપતીને લાગી આવતાં તેમને ઝેર પીધું હોવાનું પ્રાથમિક તબક્કે કહી શકાય. હાલમાં મૃતકો પાસેથી કોઇ ચિઠ્ઠી મળી નથી. વિજાપુર પોલીસે અકસ્માતે મોત અંગેની જાણવા જોગ નોંધી છે.