તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તર ગુજરાતમાં ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અપર એર સાયક્લોનીક સિસ્ટમના કારણે વરસાદની આગાહીના પગલે શરૂઆતના નોરતામાં અસર
  • બુધવારે રાત્રે ઊંઝા, વિજાપુર, વિસનગરમાં અડધો ઇંચ વરસાદ,મહેસાણામાં બપોર બાદ ઝાપટાં પડ્યા

મહેસાણા, ડીસા: દક્ષિણ મહારાષ્ટ્રમાં સર્જાયેલ અપર એર સાયક્લોનીક સિસ્ટમના કારણે ગુરુવારે ઉત્તર ગુજરાતના તાપમાનમાં બે ડીગ્રી ઘટાડા વચ્ચે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો.ગુરુવારે બનાસકાંઠાના થરાદમાં દોઢ ઈંચ,ધાનેરામાં એક ઈંચ પાટણમાં 30 મિનિટમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો હતો.જ્યારે સાબરકાંઠા અને અરવલ્લીમાં બુધવારે રાત્રે ઈંચ વરસાદ જેટલો વરસાદ વરસ્યો હતો.મહેસાણામાં ઝાપટાં પડ્યા હતા.ઉત્તર ગુજરાતમાં ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.આગામી તા.3 ઓક્ટોબર પછી વાતાવરણ ખુલ્લુ થશે.જોકે વરસાદની આગાહી વચ્ચે આગામી 29મીથી નવરાત્રી શરૂ થાય છે જેમાં વરસાદ ભંડ પાડે તેવી શક્યતા છે.મહેસાણામાં બપોરે વરસાદી ઝાપટાં પડ્યા હતા.જેમાં  ટી.બી રોડ, અરવિદબાગ રોડ, મોઢેરા રોડ, રામોસાણાથી લીંક રોડ ઉપર ચામુડા ચોકડીથી કર્મભૂમિ, ધર્મભૂમી, જગજીવન સોસાયટી તરફના રસ્તામાં પાણી ભરાઇ જતા અવરજવર કરતા લોકોને કલાકો સુધી પાણીમાંથી પસાર થવુ પડ્યુ હતું.
મહેસાણા સહિત જિલ્લામાં બુધવારે રાત્રે 10 થી ગુરુવારે સવારે 6 સુધીમાં વિજાપુરમાં 12 મીમી,ઊંઝા અને વિસનગરમાં 10મીમી, વડનગરમાં 4મીમી અને જોટાણામાં 2 મીમી વરસાદ નોધાયો હતો.બાદમાં ગુરુવારે બપોર સુધી વિરામ બાદ 3.30 વાગ્યે વાતાવરણમાં ફરી પલ્ટો આવ્યો હતો અને અડધો કલાક હળવા વરસાદમાં મહેસાણાના ટી.બી રોડ, અરવિંદબાગ રોડ, મોઢેરા રોડ, રામોસાણાથી લીંક રોડ ઉપર ચામુડા ચોકડીથી કર્મભૂમિ, ધર્મભૂમી, જગજીવન સોસાયટી તરફના રસ્તામાં પાણી ભરાઇ જતા અવરજવર કરતા લોકોને કલાકો સુધી પાણીમાંથી પસાર થવુ પડ્યુ હતું.જયારે આ સમયગાળામાં જ ટી.બી રોડ બપોરે 4 વાગ્યે કોરોધાકારો રહ્યો હતો.એક જ શહેરમાં વરસાદી મીજાજના બેવડા અનુભવ શહેરીજનોને થયા હતા.જ્યારે સાંજે 6 થી 7 દરમ્યાન બાસણાથી મહેસાણાના માનવઆશ્રમ રોડ સુધી વરસાદી ઝાપટા થયા હતા.મહેસાણામાં શુક્રવારે પણ મધ્યમ વરસાદની આગાહી હોવાનું ડિઝાસ્ટર કંટ્રોલના સુત્રોએ જણાવ્યુ હતું.
ઉ.ગુમાં સિઝનમાં અત્યાર સુધી સરેરાશ વરસાદ
જિલ્લો          મીમી     ટકા
સાબરકાંઠા  884     104.82
અરવલ્લી    963     111.79
પાટણ          580     99.86
મહેસાણા    658     91.18
બનાસકાંઠા  556     89.39
20 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ
ઉ.ગુ.ના પાંચ જિલ્લાના 47 તાલુકા પૈકી અરવલ્લી અને સાબરકાંઠાના પાંચ- પાંચ , મહેસાણાના ચાર, પાટણના ચાર અને બનાસકાંઠાના બે મળી કુલ 20 તાલુકામાં સિઝનમાં અત્યારસુધી સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ થયો છે.જેમાં સૌથી વધુ પાટણના હારિજમાં 137.98 ટકા વરસાદ નોધાયો છે.
તાપમાનમાં 2.1 ડિગ્રીનો ઘટાડો
ડીસામાં ગુરુવારે તાપમાનમા 2.1 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. સવારે 8-30 વાગે તાપમાન 27.4 ડિગ્રી જ્યારે 11.30 કલાકે 30.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે 2-30 કલાકે 32.6 જ્યારે સાંજે 5-30 વાગે 28.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ 90 ટકા નોંધાયું હતું.
ધનસુરામાં બે ઇંચ,થરાદમાં દોઢ ઈંચ,પાટણમાં એક ઈંચ વરસાદ
ધનસુરામાં બે,મોડાસામાં દોઢ અને માલપુર તાલુકામાં એક ઇંચ વરસાદ થયો હતો.બનાસકાંઠાના થરાદ, ધાનેરા, લાખણીમાં એક થી દોઢ ઇંચ વરસાદ થયો હતો. જ્યારે પાટણમાં 20 મીનીટમાં જ એક ઇંચથી વધુ વરસાદથી નિચાણના રસ્તાઓ પાણી પાણી થયા હતા.મહેસાણા જિલ્લાના પાંચ તાલુકા સહિત ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ રહ્યા હતા.અંબાજીમાં પણ રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.જેને લઈ નિભાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...