વિસનગર / ઊંચા વ્યાજની લાલચમાં રૂ.1.53 કરોડ ફસાયા

fraud with merchant of visnagar

  • લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ કહેવતને સાર્થક કરતો વધુ એક કિસ્સો બહાર આવ્યો
  • બારડોલીના શખ્સે વિસનગરની પેઢીના ભાગીદારો સહિત 7 સામે ઠગાઇનો ગુનો નોંધવા અરજી કરી

Divyabhaskar.com

Jul 12, 2019, 08:41 AM IST

વિસનગરઃ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ કહેવતને સાર્થક કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બારડોલીના શખ્સે ઉંચા વ્યાજ અને એકના ડબલની લાલચમાં આવી વિસનગરની ગુરૂદેવ ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢીમાં 1.77 કરોડ જેટલી માતબર રકમ રોકાણ કર્યા બાદ એક વખત નાણાં આપ્યા પછી બાકીના રૂ.1.53 કરોડ નહીં આપતાં તેણે પોલીસનું શરણું લીધું છે. પેઢીના ભાગીદારો સહિત સાત જણા સામે ઠગાઇનો ગુનો દાખલ કરવા અરજી આપી છે, જે આધારે વિસનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

બારડોલીના રાજેન્દ્રકુમાર રતિલાલ પટેલ ધંધાર્થે સુરત આવ-જાવ કરતા હોઇ તેમને દિવ્યેશભાઇ નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો. દિવ્યેશે વિસનગરની ગુરૂદેવ ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢી બમણો નફો આપતી હોવાનું કહી રોકાણ કરવા કહી જગદીશભાઇ નામના વ્યક્તિનો નંબર આપ્યો હતો.
રાજેન્દ્રભાઇ વિસનગર આવી જગદીશભાઇને મળી તેમના નાણાં અંગે ભરોસો આપ્યો હતો અને પેઢીના ત્રિભોવનભાઇ રામાભાઇ પટેલ અને આકાશ ત્રિભોવનભાઇ પટેલ સાથે મુલાકાત કરાવી હતી.

દરમિયાન, રાજેન્દ્રભાઇએ અલગ અલગ આરટીજીએસ મારફતે રૂ.97,50,000 મોકલી આપ્યા હતા. તે સિવાય રૂ.80 લાખ રોકડ ચૂકવ્યા હતા. જે પૈકી પેઢીએ રાજેન્દ્ર ભાઇની પત્ની સોનલબેનના ખાતામાં રૂ.23,54,162 મોકલી આપ્યા હતા. જ્યારે વર્ષ 2019ની શરૂઆતના બે-ત્રણ મહિના સુધી બાકીના નાણાં નહીં મળતાં રાજેન્દ્રભાઇએ સંપર્ક કરતાં પેઢી દ્વારા વાયદો કરાયો હતો.

5 જુલાઇએ તેઓ વાયદા મુજબ નાણાં લેવા વિસનગર આવતાં તેમના સાગરિતોએ પૈસા નહીં મળે, જે થાય તે કરી લેજો, ચૂપચાપ બેસી રહો નહીંતર જીવતા રહેવા દેશું નહીં તેવી ધમકી આપ્યાની રાવ સાથે રાજેન્દ્ર પટેલે વિસનગર શહેર પોલીસ મથકે ગુરૂદેવ ઇન્વેસ્ટમેન્ટના ભાગીદારો, ત્રિભોવનભાઇ રામાભાઇ પટેલ, આકાશ ત્રિભોવનભાઇ પટેલ, જગદીશભાઇ, પ્રવિણભાઇ ગોસ્વામી, વી.એમ.પટેલ, દિપક ભાઇ સહિત 7 વિરુદ્ધ અરજી આપી ઠગાઇનો ગુનો દાખલ કરવા જણાવ્યું છે. આ મામલે શહેર પીઆઇ એમ.આર. ગામેતીને પૂછતાં તેમણે પૈસાની લેતી-દેતીનો મામલો છે, જે અરજીની અમે પ્રાથમિક તપાસ કરી રહ્યા છીએ. જો ગુનાહિત કૃત્ય જણાશે તો ગુનો નોંધવામાં આવશે.

X
fraud with merchant of visnagar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી