તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં ઝરમરથી માંડી દોઢ ઇંચ વરસાદ, ભિલોડા અઢી,મેઘરજમાં દોઢ અને બાયડમાં એક ઇંચ વરસાદ પડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચાલુ વર્ષે સપ્ટે.માં અરવલ્લીમાં 10, સા.કાં.માં 4 ઇંચ વધુ વરસાદ
  • હિંમતનગર હાથમતી નદીમાં પાણી આવતાં ચાલકોને હાલાકી

હિંમતનગર-મોડાસાઃ ગત વર્ષે ઓછા વરસાદના કારણે ઉત્તર ગુજરાતના 17 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવા પડ્યા હતા. ત્યારે આ વર્ષે ક્યાંક ઝાપટાંરૂપે તો ક્યારેક સાંબેલાધાર વરસતાં જિલ્લામાં 100 ટકાથી વધુ મેઘમહેર થઇ ચૂકી છે. ઉત્તર ગુજરાતમાં અપરએર સાયક્લોન સિસ્ટમની અસરના કારણે ગત વર્ષના સપ્ટેમ્બર મહિના કરતાં આ વર્ષના સપ્ટેમ્બરમાં બમણો વરસાદ ખાબક્યો છે. ગત વર્ષે 1 થી 29 સપ્ટેમ્બર સુધીમાં પાટણ જિલ્લામાં માત્ર 3 અને બનાસકાંઠામાં માત્ર 4 મીમી એટલે કે નહિવત વરસાદ નોંધાયો હતો. 
ચાલુ વર્ષે આ બંને જિલ્લામાં સરેરાશ 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ મહિનામાં ઉ.ગુમાં સૌથી વધુ અરવલ્લી જિલ્લામાં 10.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યાં ગત વર્ષે 4 ઇંચ થયો હતો. મહેસાણામાં ગત વર્ષે 1.3 ઇંચ સામે ચાલુ વર્ષે 8.7 ઇંચ, સાબરકાંઠામાં 4 ઇંચ સામે 8 ઇંચ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં સપ્ટેમ્બરમાં ગત વર્ષ કરતાં આ વખતે એવરેજ 6 ઇંચ વધુ વરસાદ થયો છે. સાબરકાંઠામાં 4 ઇંચ વધુ વરસાદ રહ્યો છે. જ્યારે અત્યાર સુધીની સિઝનમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે સરેરાશ 15 ઇંચ વધુ વરસાદ થયો છે.
 
અરવલ્લી જિલ્લામાં મેઘરાજા ભાદરવા માસમાં મન મુકીને વરસી રહ્યા  છે. ભિલોડામા એકજ રાત્રિમા અઢી ઇંચ અને મેઘરજમાં દોઢ ઇંચ તેમજ બાયડમાં એક ઇંચ વરસાદ પડતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. સાબરકાંઠા જિલ્લામાં શનિવારે રાત્રે અને રવિવારે પણ ઝરમરથી માંડી ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો. ચાલુ વર્ષે પાક તૈયાર થઈ રહેવા આવ્યો છે અને વરસાદ બંધ થવાનું નામ નથી લેતો ત્યારે ખેડૂતોમાં લીલા દુકાળની ભીતી પેદા થઈ છે.ખેતરમાં નિંદામણ કાઢવા પણ જઈ શકાતું નથી.મગફળી બહાર કાઢવાનો સમય થઇ ગયો છે અને વાદળો ઘેરાયેલા રહેવા સહિત વરસાદ ચાલુ રહેતા અંદર જ ઉગી જવાની દહેશત પ્રવર્તી રહી છે આવી જ સ્થિતિ ડાંગર અને કપાસમાં છે.
 

શામળાજી-બહેચરપુરા માર્ગ બીજા દિવસે પણ બંધ
મેશ્વો ડેમ ઓવરફ્લો થતા ડેમના ઓવર ફલોનું પાણી શામળાજી થી બહેચરપુરા તરફ જતા રસ્તામાં બનાવાયેલા ચેકડેમ ઉપર થઈ બીજા દિવસે વહેતા રસ્તો બંધ રહ્યો હતો. આજે પણ જો પાણી ઓસરશે નહીં તો બહેચરપુરા ખાતે આવેલી શાળા કોલેજોના બાળકોને હાલાકીનો સામનો કરવો પડશે. હાલ બહેચરપુરા ગામના લોકોને ત્રણ કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. અન્ય રસ્તો પણ બિસમાર હાલતમાં હોવાથી મુશ્કેલીનું કારણ બન્યું છે.