સાબરકાંઠા / નવાનગરના ખેડૂતોએ કેનાલના પાણીને સમ્પમાં લાવી સ્વખર્ચે સિંચાઈ વ્યવસ્થા ઊભી કરી

  • 40 લાખથી વધુના ખર્ચ સાથે હિંમતનગર તાલુકાના ગામે રાજ્યના અન્ય ગામોને દિશા ચીંધી
  • નદીનું પાણી મળતાં જમીનની ફળદ્રુપતા વધતાં ઉત્પાદન વધશે

Divyabhaskar.com

Dec 03, 2019, 03:26 PM IST
હિંમતનગર: 600 ફૂટ ઊંડેથી ચાલીસ એચપીની મોટરો લગાવી ક્ષારવાળુ પાણી ખેંચીને ત્રાસી ગયેલા હિંમતનગર તાલુકાના નવાનગર ગામના ખેડૂતોએ કેનાલનું પાણી પાઇપ લાઇનથી તળાવ નજીક બનાવેલી 40 બાય 40 ફૂટના સમ્પમાં લાવી માત્ર 5 એચપીની મોટરો લગાવી સમ્પમાંથી પાઇપલાઇન મારફતે 90 ખેડૂત પરિવારની 470 હેક્ટરમાં સિંચાઈનું પાણી પહોંચાડવાનું કામ કર્યું છે.
કેનાલમાંથી પાણી લાવવાનો વિચાર
નવાનગર પિયત મંડળીના સભ્યો સરદાર સરોવર જોવા ગયા હતા. ત્યાં પાણીના મોટા સમ્પ અને ટર્બો મોટરોના માધ્યમથી પાણી લિફ્ટ કરી થઇ રહી ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા નિહાળ્યા બાદ વિચાર આવ્યો કે ગામ નજીકથી પસાર થતી કેનાલના પાણીને સમ્પ બનાવી તેમાં લાવી સિંચાઈ માટે ઉપયોગ કરી શકાય છે. ગામમાં પરત આવ્યા બાદ 95 ટકાથી વધુ ખેડૂતો ડ્રીપ ઈરીગેશન કરતાં હોઇ તળાવ નજીક જ સમ્પ બનાવી મોટરો લગાવી સિંચાઈના પાણીનું વિતરણ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ પિયત મંડળીએ સિંચાઇ વિભાગનો સંપર્ક કરતાં સિંચાઈ વિભાગે ગામના સીમાડેથી પસાર થતી ગુહાઈ ડેમની કેનાલથી 930 મીટરની 315 એમ.એમ વ્યાસવાળી પાઇપલાઇન મંજૂર કરી હતી. ગ્રામજનોએ રૂ. 40 લાખના ખર્ચે 40 ફૂટની પહોળાઈ અને 40 ફૂટ ઉંડો સમ્પ બનાવ્યા બાદ કેનાલનું પાણી સમ્પમાં આવતા પાંચ એચપીની 44 મોટરોથી પાણી લિફ્ટ કરી ડ્રીપ ઈરીગેશનને વરેલા 90 ખેડૂતોની 470 હેકટર જમીનમાં પાણી પહોંચાડવા કામગીરી શરૂ કરી છે.
નવાનગર તળાવ પાસે ગ્રામજનોએ 40 લાખથી વધુના ખર્ચે સમ્પ બનાવ્યો
નવાનગરના સરપંચ દિનેશભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં લગભગ બધા ખેડૂતોએ ડ્રીપ ઇરીગેશન પદ્ધતિ અપનાવી છે. કપાસ મગફળી વરિયાળી તડબૂચ એરંડા સહિત નું વાવેતર થાય છે પાણી 600 ફૂટ ઊંડા ઉતરી ગયા છે. ક્ષારવાળા પાણીએ જમીનની ફળદ્રુપતા ઘટાડી દીધી છે નદી અને વરસાદના કુદરતી પાણીથી જમીનની ફળદ્રુપતા વધશે અને ઉત્પાદન પણ વધતા ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.
લાઈટબિલમાં પણ 90 ટકા જેટલો ઘટાડો થશે
નવાનગર પિયત મંડળીના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, હવે લાઈટબિલમાં પણ 90 ટકા જેટલો ઘટાડો થઇ જશે. તળાવની બાજુમાં જ સમ્પ બનાવ્યો છે. કંટ્રોલરૂમ માં 44 સ્વીચબોર્ડ લગાવ્યા છે. સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ખેડૂત જાતે અથવા ઓપરેટર દ્વારા પાણીનો પુરવઠો શરૂ કરી શકશે તમામ કનેક્શન સાંજે 5 વાગ્યે બંધ થઈ જશે આના સંચાલન માટે 150 કેવી પાવર માંગ્યો છે અને 315 એચપી નું ડીપી ઉભુ કરાયું છે. અત્યારે 15 કનેક્શન શરૂ થઈ ગયા છે. 7000 ફૂટ સુધી પાણી પહોંચાડવાના છીએ.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી