ગાંધીનગર / ફોન સ્વિચ ઓફ આવતા મુખ્યમંત્રીએ આંગણવાડી કાર્યકરોને કોલ કરીને ખખડાવ્યા

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ફોન બંધ આવે તે નહીં ચાલે, મારે ગુજરાતને કુપોષણ મુક્ત કરવાનું છે: રૂપાણી
  • નોકરી દરમિયાન તમામના ફોન સ્વિચ ઓન હોવા જોઇએ: રૂપાણી
  • સીડીપીઓનો મોબાઇલ નો રિપ્લાય આવ્યો

Divyabhaskar.com

Oct 11, 2019, 10:38 AM IST
ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાતને કુપોષણ મુક્ત કરવાના હેતુથી તમામ આંગણવાડી કાર્યકરને સ્માર્ટફોન આપ્યો છે. આ સ્માર્ટફોન મારફતે ગાંધીનગર સ્થિત કંટ્રોલ રૂમમાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીધો ફોન કરતા આંગણવાડી કાર્યકરનો ફોન સ્વિચ ઓફ આવ્યો, જ્યારે સીડીપીઓનો મોબાઇલ નો રિપ્લાય આવ્યો. આ બાબતનો ઓડિયો ગુરુવારે સામે આવ્યો હતો. જેથી મુખ્યમંત્રીએ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સાથે સીધી વાત કરીને બંનેને તાત્કાલિક ફોન પર આવીને કંટ્રોલ રૂમમાં વાત કરવા સૂચના આપી હતી.

સીધી નજર રાખવા સ્ટેટ કંટ્રોલ રૂમ શરૂ કરાયો
તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સ્ટેટ ડેટા સેન્ટરનું ઉદઘાટન કરીને બાલિકા પૂજન કર્યુ હતું. આ દરમિયાન મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા આંગણવાડી સહિત મહિલા-બાળ વિકાસ વિભાગની કામગીરી પર સીધી નજર રાખવા સ્ટેટ કંટ્રોલ રૂમ શરૂ કરાયો હતો. આ કંટ્રોલ રૂમમાંથી મુખ્યમંત્રીએ રાજકોટ જિલ્લાના આંગણવાડી કાર્યકર લીલાવતીબેનને ફોન જોડતા તેમનો ફોન સ્વિચ ઓફ આવ્યો હતો. ત્યાર પછી તેમણે ઉપરી અધિકારી સીડીપીઓ મુક્તાબેનને ફોન કરતા તેમનો ફોન નો રિપ્લાય આવ્યો હતો. છેવટે મુખ્યમંત્રીએ પ્રોગ્રામ ઓફિસરને નોકરી દરમિયાન તમામના ફોન સ્વિચ ઓન હોવા જોઇએ તેવી તાકીદ કરીને નો રિપ્લાય આ‌વનાર બંને મહિલા કર્મચારીઓને તાત્કાલિક ફોન પર કંટ્રોલ રૂમના અધિકારી કરવાની તાકીદ પ્રોગ્રામ ઓફિસરને કરી હતી.

રાજકોટના ગામડાના આંગણવાડી કાર્યકરને મુખ્યમંત્રીએ સીધો કૉલ કરતા ફોન સ્વિચ ઓફ આવ્યો, વાંચો તેમની સાથે થયેલી વાત...

મુખ્યમંત્રી પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન સાથે વાત કરે છે. તે ઓડિયોની વાતચીત આ પ્રમાણે છે.
મુખ્યમંત્રી- વત્સલાબેન નમસ્કાર
વત્સલાબેન- નમસ્કાર
વત્સલાબેન- ગુડ મોર્નિંગ
મુખ્યમંત્રી- વેરી ગુડ મોર્નિંગ. વત્સલાબેન સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરનું ઓપનિંગ થઇ ગયું છે, જેમાં બધી આંગણવાડીઓ, સીડીપીઓ અને તેના ઉપરી અધિકારીને તમે શું કહો છો?
વત્સલાબેન- પ્રોગ્રામ ઓફિસર
મુખ્યમંત્રી- અહીંથી કોલ સેન્ટર શરૂ થઇ ગયું છે. કમનસીબ એ છે કે, તમારી નીચે સીડીપીઓ લીલાવતીબેન ફોન નથી ઉપાડતા. તાત્કાલિક તેમને કહીને શર્મા સાહેબ સાથે વાતચીત કરાવો. લીલાવતીબેન આંગણવાડી છે, શું નામ હતું તેનું? સોરી મુક્તાબેન સીડીપીઓ છે, તે ફોન નથી ઉપાડતા. લીલાવતીબેન આંગણ‌વાડી વર્કર છે, મુખ્ય સેવિકા છે, તેમનો ફોન સ્વિચ ઓફ આવે છે. નોકરીના સમયે બધાએ ફોન ચાલુ રહેવા જોઇએ. સરકારે એટલા માટે બધાને સ્માર્ટફોન આપ્યા છે.

વત્સલાબેન- સોરી સાહેબ હું હમણાં જ લાયઝન કરી લઉં.
મુખ્યમંત્રી- હજુ તો શરૂઆત છે, તમે ક્લિયર સૂચના આપો કે બધી આંગણવાડી બહેનોને આપેલા સ્માર્ટફોન નોકરી દરમિયાન ચાલુ હોવા જોઇએ, ગમે ત્યારે સ્ટેટમાંથી કોઇ વાત થાય, કંટ્રોલમાંથી વાત થાય, બધાના ફોન ચાલુ હોવા જોઇએ. મુખ્ય સેવિકા, સેવિકા, સીડીપીઓ, પ્રોગ્રામ ઓફિસર બધા લિંકમાં લાઇનમાં હોવા જોઇએ. જેથી એકબીજાને સૂચના આપી શકાય તો જ કંટ્રોલ સેન્ટરનો લાભ થશે, નહીં તો આનો કોઇ અર્થ નથી.
વત્સલાબેન- સોરી સાહેબ હમણાં જ રિકવેસ્ટ કરું છું, આપને વાત કરાવું છું, આપને સાહેબ સાથે વાત કરાવું છું.
મુખ્યમંત્રી- હું કાર્યક્રમમાં જઉં છું.
વત્સલાબેન- નવદુર્ગા કાર્યક્રમ છે, તેમાં રસ્તામાં ટાવર લાગતો નહીં હોય.
મુખ્યમંત્રી- લીલાવતીબેનને રિંગ લાગી ગઇ, મુક્તાબેનને રિંગ ગઇ, લીલાવતીબેનનો ફોન સ્વિચ ઓફ છે, આવું નહીં ચાલે, મારે બાળકોને કુપોષણમુક્ત કરવાના છે, બધાયે કામે લાગવાનું છે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી